Homeશેરબજારવ્યાજ વધારાની ચિંતા સપાટી પર આવતાં સેન્સેક્સનો આરંભિક ૨૮૭ પૉઈન્ટનો સુધારો ધોવાઈને...

વ્યાજ વધારાની ચિંતા સપાટી પર આવતાં સેન્સેક્સનો આરંભિક ૨૮૭ પૉઈન્ટનો સુધારો ધોવાઈને ૩૧૧નો ઘટાડો

(વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: સ્થાનિક ઈક્વિટી માર્કેટમાં આજે સત્રના આરંભે બીએસઈ બૅન્ચમાર્ક સેન્સેક્સ અને એનએસઈ બૅન્ચમાર્ક નિફ્ટીમાં અનુક્રમે ૨૮૭.૬૨ પૉઈન્ટનો અને ૬૦.૧૫ પૉઈન્ટનો સુધારો જોવા મળ્યા બાદ વ્યાજદરમાં અને ફુગાવામાં વધારાની ચિંતા સપાટી પર આવતા ખાસ કરીને એનર્જી, બૅન્કિંગ અને ફાઈનાન્સ ક્ષેત્રના શૅરોમાં વેચવાલીનું દબાણ વધવાની સાથે ઈન્ડેક્સ હેવી વેઈટ ગણાતી રિલાયન્સ, એચડીએફસી ટિવ્ન્સ, આઈસીઆઈસીઆઈ બૅન્ક, મારુતી સુઝુકી અને કોટક બૅન્કના ભાવમાં ઘટાડાતરફી વલણ રહેતાં સત્રના અંતે સેન્સેક્સ ૩૧૧.૦૩ પૉઈન્ટના અને નિફ્ટી ૯૯.૬૦ પૉઈન્ટના ઘટાડા સાથે અનુક્રમે ૬૦,૬૯૧.૫૪ અને ૧૭,૮૪૪.૬૦ની સપાટીએ બંધ રહ્યો હતો.
આજે બૉમ્બે સ્ટોક એક્સચેન્જનો ૩૦ શૅરનો બૅન્ચમાર્ક સેન્સેક્સ ગત શુક્રવારના ૬૧,૦૦૨.૫૭ના બંધ સામે સુધારાના ટોને ૬૧,૧૧૨.૮૪ની સપાટીએ ખૂલ્યા બાદ ઉપરમાં ૬૧,૨૯૦.૧૯ અને નીચામાં ૬૦,૬૦૭.૦૨ સુધી ઘટ્યા બાદ અંતે આગલા બંધથી ૩૧૧.૦૩ પૉઈન્ટ અથવા તો ૦.૫૧ ટકાના ઘટાડા સાથે ૬૦,૬૯૧.૫૪ની સપાટીએ બંધ રહ્યો હતો. તે જ પ્રમાણે નેશનલ સ્ટોક એક્સચેન્જનો ૫૦ શૅરનો બૅન્ચમાર્ક નિફ્ટી ગત શુક્રવારના ૧૭,૯૪૪.૨૦ના બંધ સામે સુધારાના ટોને ૧૭,૯૬૫.૫૫ની સપાટીએ ખૂલ્યા બાદ સત્ર દરમિયાન ૧૭,૮૧૮.૪૦થી ૧૮,૦૦૪.૩૫ની રેન્જમાં અથડાઈને અંતે આગલા બંધથી ૯૯.૬૦ પૉઈન્ટ અથવા તો ૦.૫૬ ટકાના ઘટાડા સાથે ૧૭,૮૪૪.૬૦ના મથાળે બંધ રહ્યો હતો.
આગામી બુધવારે જાહેર થનારી અમેરિકી ફેડરલ રિઝર્વની છેલ્લી નીતિવિષયક બેઠકની મિનિટ્સમાં ફેડરલ રિઝર્વ વ્યાજદરમાં આક્રમક વધારાનો અભિગમ જાળવી રાખવાનો નિર્દેશ આપે તેવી ભીતિ સપાટી પર આવી હતી. જોકે, આજે એશિયન બજારોમાં સુધારાતરફી વલણ રહ્યું હોવા છતાં સ્થાનિકમાં ખાસ કરીને વ્યાજદરમાં વધારાને કારણે માગમાં ઘટાડો અને કંપનીના માર્જિનમાં ઘટાડાને કારણે પરિણામો પર માઠી અસર પડવાની શક્યતા પ્રબળ હોવાથી બૅન્ચમાર્ક દબાણ હેઠળ આવ્યા હોવાનું જિઓજીત ફાઈનાન્સિયલ સર્વિસીસના રિસર્ચ હેડ વિનોદ નાયરે જણાવ્યું હતું. વધુમાં રેલિગેર બ્રોકિંગનાં ટેક્નિકલ રિસર્ચ વિભાગનાં વાઈસ પ્રેસિડૅન્ટ અજીત મિશ્રાએ જણાવ્યું હતું કે વ્યાજદરમાં અને ફુગાવામાં વધારાની ભીતિ ઉપરાંત અદાણી જૂથ સામે થયેલા આક્ષેપોને કારણે એનર્જી, બૅન્કિંગ અને ફાઈનાન્સ ક્ષેત્રના શૅરો દબાણ હેઠળ આવતા બૅન્ચમાર્કમાં પીછેહઠ જોવા મળી રહી છે. દરમિયાન આજે સેન્સેક્સ હેઠળના ૩૦ શૅર પૈકી ૧૨ શૅરના ભાવ વધીને અને ૧૮ શૅરના ભાવ ઘટીને બંધ રહ્યા હતા. આજે મુખ્ય ઘટનાર શૅરોમાં સૌથી વધુ ૧.૩૩ ટકાનો ઘટાડો એચડીએફસી અને મારુતી સુઝુકીમાં જોવા મળ્યો હતો. ત્યાર બાદ અનુક્રમે કોટક મહિન્દ્રા બૅન્કમાં ૧.૨૬ ટકાનો, આઈસીઆઈસીઆઈ બૅન્કમાં ૧.૧૮ ટકાનો, સ્ટેટ બૅન્ક ઑફ ઈન્ડિયામાં ૧.૦૯ ટકાનો અને ટિટાનમાં ૧.૦૯ ટકાનો ઘટાડો આવ્યો હતો, જ્યારે મુખ્ય વધનાર શૅરોમાં અલ્ટ્રાટેક સિમેન્ટમાં ૧.૭૫ ટકાનો, ટૅક મહિન્દ્રામાં ૧.૩૫ ટકાનો, પાવરગ્રીડ કોર્પોરેશનમાં ૦.૯૧ ટકાનો, ટાટા મોટર્સમાં ૦.૬૭ ટકાનો, ઈન્ફોસીસમાં ૦.૬૨ ટકાનો અને એચસીએલ ટૅક્નોલૉજીસમાં ૦.૪૭ ટકાનો સુધારો આવ્યો હતો. તેમ જ આજે બીએસઈ ખાતેના સ્મોલકેપ ઈન્ડેક્સમાં ૦.૧૬ ટકાનો અને મિડકેપ ઈન્ડેક્સમાં ૦.૧૨ ટકાનો ઘટાડો જોવા મળ્યો હતો.
વધુમાં આજે બૉમ્બે સ્ટોક એક્સચેન્જ ખાતેના સેક્ટોરિયલ ઈન્ડેક્સમાં માત્ર આઈટી, ટૅક્નોલૉજી અને ઑટો ઈન્ડેક્સમાં અનુક્રમે ૦.૫૧ ટકાનો, ૦.૩૨ ટકાનો અને ૦.૨૪ ટકાનો સુધારો જોવા મળ્યો હતો. આ સિવાયના તમામ ઈન્ડેક્સ ઘટાડા સાથે બંધ રહ્યા હતા જેમાં મુખ્યત્વે બેઝિક મટિરિયલ ઈન્ડેક્સમાં સૌથી વધુ ૩.૦૫ ટકાનો, ક્ધઝ્યુમર ડિસ્ક્રેશનરી ગૂડ્સ ઍન્ડ સર્વિસીસ ઈન્ડેક્સમાં ૨.૪૦ ટકાનો, ફાઈનાન્સ ઈન્ડેક્સમાં ૧.૫૫ ટકાનો, ઑઈલ ઍન્ડ ગૅસ ઈન્ડેક્સમાં ૧.૧૨ ટકાનો, બૅન્કેક્સમાં ૧.૦૬ ટકાનો અને એનર્જી ઈન્ડેક્સમાં ૦.૯૯ ટકાનો ઘટાડો આવ્યો હતો. આજે એશિયન બજારોમાં જાપાન, દક્ષિણ કોરિયા, હૉંગકૉંગ અને ચીનની બજારો સુધારાના ટોને બંધ રહી હતી, જ્યારે યુરોપના બજારોમાં મધ્યસત્ર દરમિયાન નરમાઈનું વલણ જોવા મળ્યું હતું. વધુમાં આજે વૈશ્ર્વિક બજારમાં ડૉલર ઈન્ડેક્સમાં નરમાઈનું વલણ રહ્યું હતું. જોકે, આજે બ્રેન્ટ ક્રૂડતેલના વાયદામાં ભાવ આગલા બંધથી ૦.૯૫ ટકા વધીને બેરલદીઠ ૮૩.૭૯ ડૉલર આસપાસ ક્વૉટ થઈ રહ્યા હતા, જ્યારે ગત શુક્રવારે સ્થાનિક ઈક્વિટી માર્કેટમાં વિદેશી સંસ્થાકીય રોકાણકારોની રૂ. ૬૨૪.૬૧ કરોડની ચોખ્ખી વેચવાલી રહી હોવાનું એક્સચેન્જે પ્રાથમિક આંકડાકીય માહિતીમાં જણાવ્યું હતું.

સિપ્લાના પિઠામપુર એકમમાં યુએસએફડીએને આઠ ઓબ્ઝર્વેશન મળતાં શૅરના ભાવમાં સાત ટકા સુધીનો ઘટાડો
નવી દિલ્હી: અમેરિકી ડ્રગ નિયામક યુએસએફડીએ દ્વારા મધ્ય પ્રદેશનાં પિઠામપુર એકમમાં તપાસણી પશ્ર્ચાત્ નિયામકે કંપનીને આઠ ઓબ્ઝર્વેશન સાથે કંપનીને ‘ફોર્મ ૪૮૩’ પાઠવ્યું હોવાનું કંપનીએ આજે એક યાદીમાં જણાવતાં આજે એક તબક્કે બીએસઈ ખાતે શૅરના ભાવ ૬.૭૮ ટકા ઘટીને શૅરદીઠ રૂ. ૯૫૬.૨૦ અને એનએસઈ ખાતે ભાવ ૬.૮૭ ટકાના ઘટાડા સાથે શૅર દીઠ રૂ. ૯૫૫.૨૫ ક્વૉટ થઈ રહ્યા હતા. જોકે, સત્રના અંતે બીએસઈ અને એનએસઈ ખાતે ૬.૦૨ ટકાના ઘટાડા સાથે અનુક્રમે ૯૬૪.૦૫ અને રૂ. ૯૬૪ના મથાળે બંધ રહ્યા હતા.
યુએસ ફૂડ ઍન્ડ ડ્રગ એડમિનિસ્ટ્રેશન (યુએસએફડીએ)એ ગત તા. ૬થી ૧૭ ફેબ્રુઆરી દરમિયાન કંપનીના ઉત્પાદક એકમોમાં કરન્ટ ગૂડ મેન્યુફેક્ચરિંગ પ્રેક્ટિસીસ (સીજીએમપી) તપાસણી હાથ ધરી હોવાનું કંપનીએ બૉમ્બે સ્ટોક એક્સચેન્જને એક રેગ્યુલેટરી ફાઈલિંગમાં જણાવ્યું હતું. જોકે, તપાસણીના અંતે કંપનીને આઠ ઓબ્ઝર્વેશન સાથે ફોર્મ ૪૮૩ પાઠવવામાં આવ્યું છે. જોકે, કંપની યુએસએફડીએ સાથે કાર્ય કરી રહી છે અને નિર્ધારિત સમયમર્યાદામાં નિર્દિષ્ટ મુદ્દાઓનું સમાધાન કરવામાં આવશે. નોંધનીય બાબત એ છે કે જ્યારે તપાસના અંતે તપાસકર્તાને ઉત્પાદનની પ્રક્રિયામાં અમુક શરતોનું ઉલ્લંઘન થયું હોવાનું જાણવામાં આવતા યુએસએફડીએ દ્વારા કંપનીના મેનેજમેન્ટને ફોર્મ ૪૮૩ પાઠવવામાં આવે છે જેમાં તેનાં તારણોનો સમાવેશ થતો હોય છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here
Captcha verification failed!
CAPTCHA user score failed. Please contact us!
RELATED ARTICLES

Most Popular