શિવાજી પાર્કમાં જામશે ભાઇ-ભાઇ વચ્ચે રાજકીય જંગ?
રાજ અને ઉદ્ધવે એક જ દિવસે રેલી માટે અરજી કરી
(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: પહેલાંથી જ છૂટા પડી ગયેલા રાજ ઠાકરે અને ઉદ્ધવ ઠાકરે વચ્ચે રાજ ઠાકરે મહાયુતિમાં સામેલ થવાના હોવાની ચર્ચાના કારણે વધુ રાજકીય મતભેદ ઊભા થાય તેવી શક્યતા છે તેવામાં બંનેએ એક જ દિવસે શિવાજી પાર્કમાં ચૂંટણીની રેલી માટે અરજી કરી છે.
રાજ ઠાકરેની મહારાષ્ટ્ર નવનિર્માણ સેના(મનસે) અને ઉદ્ધવ ઠાકરેની શિવસેના આ બંને પક્ષ એક જ દિવસે શિવાજી પાર્કમાં રેલી યોજવા માગે છે. આ અંગેની અરજી બંને પક્ષે પ્રશાસનને મોકલાવી છે. હવે પ્રશાસન બેમાંથી કયા પક્ષને તે દિવસે રેલી યોજવાની મંજૂરી આપે છે તેના ઉપર બધાની નજર મંડાયેલી છે.
ઉદ્ધવની શિવસેના અને રાજ ઠાકરેની મનસે બંને દ્વારા 17મી મેએ શિવાજી પાર્ક ખાતે રેલી-સભા યોજવા માટે આવેદન પત્ર મોકલાવ્યાં હોવાનું સૂત્રો પાસેથી જાણવા મળ્યું હતું.
આપણ વાંચો: લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ અને ઉદ્ધવ ઠાકરેથી નારાજ શરદ પવાર
જો બંને પક્ષના સેંકડો કાર્યકર્તા એક જ સમયે એક જ સ્થળે રેલી માટે પહોંચે તો ચૂંટણી પ્રચારના જોશમાં તેમના વચ્ચે ઘર્ષણ થાય તેવી શક્યતા પણ નકારી ન શકાય. આ બધી વાતને ધ્યાનમાં રાખીને પ્રશાસન ચૂંટણીની રેલીની પરવાનગી આપવા અંગે નિર્ણય લે તેવી શક્યતા છે.
જોકે, પ્રશાસન દ્વારા મનસેને 17મી મેના રોજ રેલી યોજવાની પરવાનગી આપવામાં આવે તેવી શક્યતા વધુ છે, કારણ કે પ્રાપ્ત માહિતી અનુસાર 17મી મેએ રેલી યોજવા માટેની સૌપ્રથમ અરજી મનસે દ્વારા મોકલવામાં આવી હતી. મુંબઈ પાલિકાના નિયમ અનુસાર સૌપ્રથમ જે પક્ષે અરજી કરી હોય તેને પ્રધાન્ય આપવામાં આવે છે.
ઉલ્લેખનીય છે કે 2009ની ચૂંટણી દરમિયાન પણ બંને પક્ષ દ્વારા એક જ દિવસે શિવાજી પાર્કમાં રેલી યોજવા માટે અરજી કરવામાં આવી હતી. એ વખતે પણ મનસેએ સૌપ્રથમ અરજી કરી હોવાના કારણે મનસેને પરવાનગી આપવામાં આવી હતી.