નૈતિકતાના આધારે રાજીનામું, એ કઈ બલાનું નામ છે?
વિશેષ -રાજેશ યાજ્ઞિક
કેજરીવાલ અંદર ગયા કે જશે, કરતા કરતા આખરે જેલ ભેગા થયા. હવે દિલ્હીની સરકાર કોણ ચલાવશે? આ પ્રશ્ન હવે ચર્ચાને ચકડોળે ચડ્યો છે, કેમકે કેજરીવાલે રાજીનામુ આપ્યું નથી. હજી થોડો સમય પહેલા હેમંત સોરેન પણ જેલ ભેગા થયા, પણ જતાં પહેલા રાજ્યપાલને મળીને પોતાનું રાજીનામુ સોંપતા ગયા હતા. પણ દિલ્હીમાં કેજરીવાલને નામે એક નવો ઇતિહાસ એ જોડાઈ ગયો, જેમાં સત્તાના ઉચ્ચાસને બિરાજમાન વર્તમાન મુખ્યપ્રધાન જેલ ભેગા થયા હોય તેવા પહેલા વ્યક્તિ બન્યા. હવે તેમણે જાહેરાત કરી છે કે તેઓ જેલમાંથી સરકાર ચલાવશે.
એક જમાનો હતો જ્યારે રાજકારણીઓ પર જરા સરખો આક્ષેપ પણ થાય તો તરત રાજીનામું ધરી દેતા, અને જ્યાં સુધી
નિર્દોષ સાબિત ન થાય ત્યાં સુધી સત્તા ગ્રહણ નહોતા કરતા. પણ ધીમે ધીમે રાજકારણમાં સિદ્ધાંત, શાલીનતા અને સ્વચ્છતા ધોવાતાં ગયા.
આજે તો રાજકારણનું એવું અપરાધીકરણ થયું છે કે ન પૂછો વાત. હવે રાજકારણમાં આક્ષેપો-પ્રતિઆક્ષેપો રોજનો ખેલ થઇ ગયો છે. હાલત એવી છે દરેક રાજકીય પક્ષમાં ગુનાહિત ઇતિહાસ ધરાવતા કે જેમના ઉપર કોર્ટ કેસ ચાલતા હોય એવા લોકો ઠાંસીઠાંસીને ભર્યા છે. પણ જ્યારે અન્ય પક્ષના નેતાજી ઉપર આક્ષેપ થાય ત્યારે રાજીનામું આપો, રાજીનામું આપોની બુમરાણ મચાવે, અને પોતાના ઉપર આક્ષેપ થાય ત્યારે રાજકારણથી પ્રેરિત અને અવાજ દબાવવાની કોશિશ જેવી બહાનાબાજી થાય. ત્યારે ભૂતકાળના કેટલાક એવા કિસ્સા જાણવા જેવા છે, જેમાં રાજકારણીઓએ નૈતિક જવાબદારીથી રાજીનામું ધરી દીધું હોય.
લાલ બહાદુર શાસ્ત્રી
સૌથી જાણીતું નામ અને કિસ્સો શાસ્ત્રીજીનો છે. વડા પ્રધાન જવાહરલાલ નેહરુ હેઠળ રેલવે પ્રધાન તરીકે, લાલ બહાદુર શાસ્ત્રીએ બે પ્રસંગોએ રાજીનામું આપ્યું હતું. ઓગસ્ટ ૧૯૫૬ માં મહબૂબનગર, આંધ્રપ્રદેશમાં એક મોટી રેલ્વે દુર્ઘટના બાદ તેમણે પ્રથમ વખત રાજીનામું આપ્યું હતું, જેમાં ૧૧૨ લોકોના મોત થયા હતા. જો કે, નેહરુ દ્વારા તેમને ચાલુ રહેવા માટે સમજાવવામાં આવ્યા હતા. તમિલનાડુના અરિયાલુરમાં બીજા રેલવે અકસ્માતને પગલે, ત્રણ મહિના પછી, જ્યારે ૧૪૪ લોકો માર્યા ગયા, ત્યારે શાસ્ત્રીએ પોતાનું રાજીનામું સુપરત કર્યું અને ’વહેલા સ્વીકારવા’ વિનંતી કરી, એમ તેમના જીવનચરિત્રકાર સંદીપ શાસ્ત્રી લખે છે.
તેમના સાથી સંસદસભ્યોના જણાવ્યા અનુસાર, શાસ્ત્રી અકસ્માત માટે જવાબદાર નહોતા, કેમકે ટેકનિકલ ખામીને કારણે અકસ્માત સર્જાયો હતો અને આ રીતે તેની જવાબદારી રેલવે બોર્ડની હતી. પરંતુ નેહરુ અને તેમના સાથી-સાંસદો દ્વારા શાસ્ત્રીને માનવવના અનેક પ્રયાસો છતાં, તેઓ મક્કમ હતા અને તેમણે નૈતિકતાનો રાહ લીધો.
ટીટી ક્રિશ્નામાચારી
૧૯૫૭માં, ભારત તેના પ્રથમ મોટા રાજકીય કૌભાંડનું સાક્ષી બન્યું, જેના કારણે નાણાં પ્રધાન ટીટી કૃષ્ણમાચારીએ રાજીનામું આપ્યું હતું.
ન્યુ યોર્ક ટાઈમ્સના અહેવાલ મુજબ, કેટલાક મહિનામાં જાહેર ક્ષેત્રની જીવન વીમા નિગમે કલકત્તા સ્થિત ઉદ્યોગપતિ હરિદાસ મુંધરાની માલિકીની છ કંપનીઓમાં ૧.૨૪ કરોડ રૂપિયાના છેતરપિંડીભર્યા શેરો ખરીદ્યા હતા. એલઆઈસીએ તેના ટૂંકા ઈતિહાસમાં સૌથી મોટું રોકાણ કર્યું હતું, પરંતુ નિયમોની વિરુદ્ધ, તેની ઈન્વેસ્ટમેન્ટ કમિટી સાથે નિર્ણય અંગે સલાહ લેવામાં આવી
નહોતી.
વડા પ્રધાન નેહરુ દ્વારા તપાસનો આદેશ આપવામાં આવ્યો હતો, જેનું નેતૃત્વ ભૂતપૂર્વ મુખ્ય ન્યાયાધીશ એમસી ચાગલાએ કર્યું હતું. તેણે એક મહિના કરતાં પણ ઓછા સમયમાં પોતાનો રિપોર્ટ સુપરત કર્યો. છગલા કમિશનની સુનાવણી જાહેરમાં યોજવામાં આવી હતી જેમાં મોટી સંખ્યામાં લોકો હાજર હતા. જ્યારે ચાગલાએ તેમનો અહેવાલ સુપરત કર્યો, ત્યારે કૃષ્ણમાચારીએ ૧૮ ફેબ્રુઆરી, ૧૯૫૮ના રોજ રાજીનામું આપ્યું, જ્યારે હકીકત એ હતી કે પંચે તેમની અંગત મિલીભગત વિશે એક અક્ષર પણ કહ્યો નહોતો.
વી પી સિંહ
રાજીવ ગાંધી સરકારમાં વીપી સિંહ મંત્રી હતા. પહેલા નાણાં ખાતું સંભાળ્યું ત્યારે ઉદ્યોગપતિઓની ટેક્સ ચોરીના ચોપડા ઉખેળવા માંડ્યા હતા. તેનાથી થનાર ’રાજકીય નુકશાન’થી બચવા તેમને સંરક્ષણ ખાતામાં ખસેડવામાં આવ્યા એમ કહેવું ખોટું નહીં કહેવાય. પરંતુ ત્યાં પણ તેમણે સંરક્ષણ સોદાઓમાં વચેટીયાઓની ભૂમિકા અને ઘાલમેલ શોધવાનું શરુ કરી દીધું હતું. એક સબમરીન સોદામાં વચેટિયાની ભૂમિકા નજરમાં આવતા તેમણે ઈન્કવાયરી બેસાડી દીધી. બીજે દિવસે અખબારમાં સમાચાર પણ છપાઈ ગયા. આખરે ‘લાગતા-વળગતાઓ’ના દબાણને કારણે તેમણે રાજીનામું ધરી દીધું હતું. આ રાજનામાંનો તેમને ઘણો રાજકીય ફાયદો થયો હોવાનું પણ કહેવાય છે, કારણકે તેનાથી તેમની ‘સ્વચ્છ’ રાજકારણીની છબી વધુ ઉજળી થઇ હતી.
ઉમા ભારતી
ભારતીય જનતા પાર્ટીની ફાયરબ્રાન્ડ નેતા સાધ્વી ઉમા ભારતી ૨૦૦૪માં મધ્યપ્રદેશના મુખ્ય પ્રધાન પદે આરૂઢ હતા તેને એક વર્ષ જ થયું હતું, ત્યાં હુબલીની કોર્ટે ૧૯૯૪માં હુબલીમાં થયેલા રમખાણો બદ્દલ તેમના નામનું અરેસ્ટ વોરંટ કાઢ્યું. તેમણે હુબલી જતાં પહેલા પોતાનું રાજીનામું સુપરત કરી દીધું હતું. જોકે એ પછી પણ તેઓ રાજકારણમાં ખાસ્સા સક્રિય પણ રહ્યા અને વિવાદાસ્પદ પણ.
હવે રાજીનામું આપવાની પ્રથા જૂની થઇ ગઈ. હવે ’ન્યાયનો સિધ્ધાંત’ યાદ અપાવાય છે, કે જ્યાં સુધી ગુનેગાર સાબિત ન થાય ત્યાં સુધી નિર્દોષ કહેવાય. તેના ઓઠા હેઠળ હવે રાજકારણીઓ ઉપરના કેસ વર્ષોના વર્ષો સુધી ચાલ્યા કરે અને નેતાઓ બિન્ધાસ્ત રાજ કર્યા કરે. લોકશાહી, બંધારણ અને દેશ બચાવવાની વાતો થાય, પણ આખું
સર્કસ તો ખુરશી બચાવવાનું જ છે.