ઉત્સવ

ઉડી ગયેલી ‘સોને કી ચિડિયા’: સ્મગલિંગથી ઘરવાપસી?

શરદ જોશી સ્પીકિંગ -ભાવાનુવાદ: સંજય છેલ

‘જહાં ડાલ ડાલ પર સોને કી ચિડિયા કરતી હૈ બસેરા વો ભારત દેશ હૈ મેરા’, એવું આપણા દેશ માટે કહેવાતું પણ આ વાત હવે બહુ જૂની થઈ ગઈ છે. જ્યારે આ જંબૂદ્વીપ અર્થાત્ આર્યવત કે ભારતવર્ષમાં ‘સોને કી ચિડિયા’ એટલે કે ‘સોનાની ચકલીઓ’ હતી ત્યારે આ ચકલી કેટલી હશે અને એમાં સોનું કેટલું હતું? એ ચકલીનું કદ કેટલું હતું ને કેટલા કેરેટનું હતું? એનો આપણી પાસે કોઇ હિસાબ જ નથી!

એ જે હોય તે પણ દેશ લૂંટનારાઓએ જોયું કે આ તો એક પંખી છે જેને આસાનીથી જાળમાં ફસાવી શકાય છે. અને એક દિવસ સાચે જ ચકલી જાળમાં ફસાઈ ગઈ. તેઓ સોનાની ચકલીની પાંખ કાઢીને લઈ ગયા અને પેલી ચકલીને અહીં જ મૂકી ગયા. તો બાકી બચેલી ચકલી, એ જ ભારતનો વર્ષો જૂનો ઇતિહાસ છે. આપણો આર્થિક ઇતિહાસ ! આપણે વર્ષોથી ચકલીને પકડીને બેઠા છીએ અને રડીએ છીએ કે હાય, તું સોનાની કેમ હવે નથી રહી?’

હવે આજના ભારતીયો પર એક મહાન ઐતિહાસિક જવાબદારી આવી પડી છે. ભારતીયોએ એ પાંખ વગરની ચકલીને ફરીથી સોનાની બનાવવાની છે. આપણી સરકારે કોલારની ખાણમાં હાથ ફેરવીને જોયો. જેટલું સોનું કાઢી શકતા હતા એટલું કાઢ્યું પણ
ચકલી એમની એમ જ રહી. ફરી સોનાની નહીં થઈ શકી.

વળી, આ બાજુ છેલ્લા કેટલાંક વર્ષોથી મુંબઈના ઈન્ટરનેશનલ એરપોર્ટ પર સોનાનું સતત ઉત્પાદન કરાવાવાળી ખાણ નીકળી છે. દરરોજ આ ખાણમાંથી સોનું નીકળતું જ રહે છે. કસ્ટમના મજૂરો સતત ખોદકામ કરતાં રહે છે અને ત્યાંથી સોનું નીકળતું જ રહે છે. ત્યાંથી નીકળતું સોનું શુદ્ધ હોય છે અને જેને બિસ્કિટ કહેવાય છે. એ દર વખતે જુદી જુદી જગ્યામાંથી બહાર નીકળી આવે છે. આ વિસ્તાર દેશમાં સૌથી સમૃદ્ધ અને ફળદ્રુપ છે. અહીં વિદેશી ઘડિયાળોના પાકની કાપણી થાય છે અને સોનાનાં પણ દર સીઝન બિસ્કિટમાં ઉગી નીકળે છે. અહીં એરપોર્ટ પર ઉતરનાર વ્યક્તિ મોટા ભાગે સોનાની પાંખ, ચકલીમાં ફરી જોડવા માટે લઇ આવે છે.

દરરોજ તમે જેવું છાપું ખોલીને વાંચશો તો એમાં ભારી માત્રામાં લાખો કરોડોનું સોનું મુંબઇ એરપોર્ટ પર પકડાયું’ એવા એકાદ બે સમાચાર તો જરૂરથી વાંચવા મળશે. (હમણાં થોડા દિવસ પહેલાં જ મુંબઈના છત્રપતિ શિવાજી મહારાજ ઇન્ટરનેશનલ એરપોર્ટ પરથી ૧.૮૬ કરોડનું પકડાયું હતું) જ્યારે આટલી મોટી માત્રામાં સોનું પકડાય છે તો પછી ન પકડાતું સોનું કેટલું હશે? મુંબઈના ઇન્ટરનેશનલ એરપોર્ટની ખાણમાંથી કસ્ટમના હાથમાં જે સોનું આવે છે એ આખા પાકનો દસમો ભાગ પણ નથી હોતો. જે સોનું કસ્ટમનાં હાથમાં આવ્યું એ તો ભારતનું જ છે અને જે હાથમાં નથી આવ્યું એ પણ ભારતનું જ છે! જે હોય તે, મુંબઈના ઇન્ટરનેશનલ એરપોર્ટની મહેરબાનીથી
આપણો દેશ ફરી પાછો ‘સોને કી ચિડિયા’ બની રહ્યો છે.

આમ તો વિદેશથી સોનું લાવવા માટે મુંબઈનાં ઇન્ટરનેશલ એરપોર્ટ સિવાય દેશમાં બીજા ઘણાં ઇન્ટરનેશનલ એરપોર્ટ છે. એ બધાં જ એરપોર્ટ પર સોનું આવી રહ્યું છે. આપણો દેશ સોનાનો બની રહ્યો છે. ચકલી ધીમે ધીમે ફરીથી સોનાની થઈ જશે. એક સમયે વિજયનગર સામ્રાજ્યમાં જેમ સોનું વિખરાયેલું પડ્યું રહેતું હતું એવી જ રીતે આ દાણચોરીનું સોનું દેશમાં વિખરાયેલું પડ્યું છે.

આપણે ચકલીને સોનાની તો બનાવી દેશું પણ આ વખતે ફરક માત્ર એટલો જ હશે કે આપણી પાસે સોનું તો ઘણું હશે, પણ એ ચકલી પહેલાની જેમ ઉડી નહીં શકે, એનામાં પહેલાં જેવો તરવરાટ નહીં હોય, એ ફૂદકા મારતી નહીં હોય, એનામાં માળો બનાવવાની અને નાનાં ઈંડા આપવાની ક્ષમતા જ નથી બચી. ભારત, દાણચોરીનાં સોનાના આધારે નિર્જીવ સોનાની ચકલી બનીને રહી જશે. આપણે એ ભૂલી ગયા છીએ કે આપણે એ ચકલી માટે પાંખ ખરીદવા જઈ રહ્યા છીએ, જેને પાંખ ઊગી જ નથી રહી!

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button