ઉત્સવ

હોલી હૈ ભાઈ હોલી હૈ

આકાશ મારી પાંખમાં -ડૉ. કલ્પના દવે

ક્રીષ્ના, આજે તો આનંદ કરવાનો દિવસ, હોળી. આપણી સોસાયટીમાં રાત્રે હોલિકા દહન થશે. આપણે હોલિકામાતાની પૂજા કરીશું. તારે એની સ્ટોરી સાંભળવી છે? દાદીએ અંગ્રેજી માધ્યમમાં ભણતી આઠ વર્ષની પૌત્રીને કહ્યું.

દાદી, મને ભક્તપ્રહ્લાદની સ્ટોરી ખબર છે, પણ ફરીથી કહોને, અને આપણે ફાયર કરીને હોલિમાતાની પૂજા કેમ કરીએ છીએ?. કોઈ પૂજામાં આપણે નીચે ગ્રાઉન્ડમાં આવી ફાયર કરતા નથી. બધા એક સાથે પૂજા કરતા નથી. ક્રીષ્નાએ કહ્યું.

બેસ, બેટા હું તને આખી સ્ટોરી કહું. દાદીએ કહ્યું.

પ્રહ્લાદ તારા જેવો નાનો હતો, ત્યારથી ગુરુજી પાસે ધ્યાન આપીને ભણતો, એ ભણવામાં ખૂબ હોશિયાર હતો. એ રોજ નારાયણ, નારાયણના નામનું જાપ કરતો. તેના પિતાનું નામ હિરણ્યકશ્યપ હતું, તે દાનવોનો રાજા હતો. ભારે પરાક્રમી પણ અભિમાની હતો. તે માનતો કે બધાએ મારી જ પૂજા કરવાની, હું જ ભગવાન છું. બધાએ મારી જ પૂજા કરે, નહીં તો હું એને દંડ આપીશ.

એક વાર ગુરૂજી બીજા આશ્રમમાં ગયા હતા. ગુરૂજીના કહેવાથી પ્રહ્લાદે બધા વિદ્યાર્થીઓને શ્ર્લોક-મંત્ર ભણાવ્યા, પછી નારાયણ, નારાયણના જાપ કરાવવા લાગ્યો.

એ જ સમયે રાજા હિરણ્યકશ્યપ ત્યાં આવ્યો. બધા ગભરાઈ ગયાં અને ચૂપ થઈ ગયા. પણ, પ્રહ્લાદે નારાયણ, નારાયણ જાપ ચાલુ રાખ્યાં.

પછી શું થયું, દાદી? ક્રીષ્નાએ પૂછયું.

બેટા, નાનો પ્રહ્લાદ જરા ય ન ગભરાયો. એણે જાપ ચાલુ જ રાખ્યા.

એના પિતા વધુ ક્રોધે ભરાયા. એટલે સૈનિકોને કહ્યું-
એને ઊંચા પહાડ પરથી નીચે નાખો- સૈનિકોએ એમ કર્યું. પણ ભગવાને તેને ઝાલી લીધો. એને હવે ભૂખ્યા વરૂઓના ટોળામાં રાખ્યો, પણ, ભૂખ્યા વરૂઓ બાળકને નમન કરીને દૂર જતાં રહ્યાં. ગુરુજીએ આજ્ઞા કરી એટલે રાજાએ પોતાના નારાયણ ભગવાનનું નામ લેતા દીકરા પ્રહ્લાદને છોડ્યો, પણ તે ખૂબ ગુસ્સામાં જ હતો.
પણ, દાદી એની મમ્મા ક્યાં હતી?

દીકરી, એ જુલમી રાજા સામે કોઈ બોલી શકતું નહીં.

પછી શું થયું, દાદી.

પછી એ દૈત્ય રાજાની એક બહેન હતી, એનું નામ હોલિકા. એને એવું વરદાન હતું કે તે આગમાં દાઝે નહીં, જીવતી જ રહે. એણે પ્રહ્લાદને મારી નાખવા યુક્તિ કરી.

હોલિકાને કહ્યું- તું પ્રહ્લાદને ખોળામાં બેસાડજે, હું અગ્નિ પેટાવીશ. જેમાં પ્રહ્લાદ બળી જશે,ને તું જીવતી રહીશ.

પછી હું જ ભગવાન, વિષ્ણુની પૂજા કોઈ નહીં કરે.

હોલિકા નાના પ્રહ્લાદને ખોળામાં રાખીને બેઠી, પણ જેને રામ રાખે, એને કોણ ચાખે? બેટા, કૃષ્ણ ભગવાને પ્રહ્લાદની રક્ષા કરી એને કાંઈ ન થયું, અને પોતાની શક્તિ ખોટી રીતે વાપરનાર હોલિકા જ એ આગમાં હોમાઈ ગઈ. એટલે બેટા, આપણે સારા કામ કરવા અને પ્રહ્લાદની જેમ પ્રભુનું નામ લેવું.

ત્યાં જ મોટી વહુ નીલમે કહ્યું-મમ્મી, આજે રાત્રે હોળીપૂજા અને કાલે ધુળેટી સાથે કરવા મેં ફોન કર્યો હતો, તો પંકજભાઈ કહે છે અમે અહીં જ રહીશું, મેં જરા વધુ આગ્રહ કર્યો તો એમણે ધરાર કહી દીધું: તે દિવસે મહેશે બરાડા પાડીને ઝઘડો કર્યો, મારા પર હાથ ઉગામ્યો તો મારે ત્યાં શું કામ આવવું, હું એનાથી ચાર વર્ષ નાનો છું પણ મને મારું સ્વમાન છે. મને ધંધામાં નુકસાન થયું છે અને મેં બે લાખ માગ્યા તો ખોટું શું છે? તે બાપાની મિલકત પર એનો એકલાનો અધિકાર છે?એ તો મધુરીએ એના હાથમાંથી ફોન લેતાં કહ્યુ: તમે કાંઈ ન બોલો, હું મમ્મી સાથે વાત કરીશ. જેશ્રીકૃષ્ણ કહેતા એણે ફોન મૂકયો.

જો, બેટા કુટુંબને જોડી રાખવું એ ઘરની વહુવારુની ફરજ છે. પંકજ ભલે આકરો થયો હોય આપણે એની વાત સમજવી જોઈએ. મુશ્કેલીમાં એકબીજાને આપણે મદદ નહીં કરીએ તો કોણ કરશે. બહારથી ઉધારી કરીને હેરાન થાય તેના કરતાં આપણે જ મદદ કરવી જોઈએ. તું ચિંતા ન કર, હું બેઠી છું ને. મારો મહેશ કે પંકજ મારું કહ્યું કરશે. હું ફોન કરીશ.

સાંજે પંકજ, મધુ અને નાનકો મેહુલ આવી ગયાં. ક્રીષ્ણા અને મેહુલ દાદીની ગોદમાં ભરાયાં, મધુ અને નીલમ સાંજની રસોઈમાં જોડાયાં. મહેશભાઈ આવ્યા કે તરત બંને ભાઈ પ્રેમથી ભેટ્યા. રામલક્ષ્મણની જોડી જોતાં મમ્મી પણ હરખાતાં હતાં. નીલમે મધુને કહ્યું- આપણા મમ્મીજી એટલે જાદુગર.

આજે આપણું ઘર ગોકુળ બની ગયું. ઘરમાં પ્રેમભાવ રહે એટલે જ પપ્પાજીએ તમને નજીકમાં ફલેટ લેવા કહ્યું હતું. નીલમે કહ્યું. ભાભી, હું બેન્કમાં જોબ કરું છું, તમે અને મમ્મીજી મેહુલને કેટલો સાચવો છો. મધુ, પપ્પાજી હંમેશાં કહેતા કે આપણે મળીસંપીને રહીશું તો જ જીવનનો આનંદ મળશે.

ત્યાં જ તેમની વૃંદાવન સોસાયટીના માઈક પરથી જાહેર થયું- ચાલો, બધા હોલિકાપૂજા માટે નીચે આવો.

નીલમ,મધુ, પંકજ, મહેશ સાથે દાદીમાનો હાથ પકડી મેહુલ અને ક્રીષ્ના પણ હોલિકાપૂજન માટે નીચે ગયાં. દાદીએ સવારે પ્રહ્લાદની જે વાર્તા કહી હતી તે વાર્તા ક્રીષ્ના મેહુલને કહેવા લાગી. મહેશ અને પંકજ અન્ય મિત્રો સાથે ગપ્પાં મારતા હતા.

મમ્મીજી સાથે નીલમ અને મધુ જોડાયાં. તેમની બાજુમાં પંચાવન વર્ષના રેખાબેન પૂજા કરતાં હતાં.કંકુચોખા વડે જરા દૂરથી પૂજા કરી તેમણે હોળીમાતાને નાળિયેર વધેર્યું. હવે પ્રદક્ષિણા માટે ઊભા થયાં, ત્યાં જ એક સળગતું નાનું લાકડું તેમના પગ પાસે પડ્યું. માધવીએ તરત જ ઊભા થઈ બાજુમાં પડેલી લાકડીથી દૂર હડસેલી દીધું. રેખાબેન સાથે માધવી પણ પ્રદક્ષિણા કરવા લાગી. તેના હાથમાં પાણીનો લોટો હતો, તે પાણીની ધાર કરતાં મંત્ર બોલવા લાગી. હે, પ્રભુ જેમ તમે ભક્ત પ્રહ્લાદની રક્ષા કરી તેમ મારા અને મારા પરિવારની રક્ષા કરજો.

ત્યાં જ જરા દૂર ઊભેલાં શાંતામા બરાડ્યા:- માધવી, આ તું શું કરે છે, કંઈ ભાન છે?ચંપલા પહેરીને તે કંઈ પૂજા કરાય, તમે તો પૂજા કરો છો કે ભવાડો. શાંતામાસીના શબ્દોને અવગણી એ ફેરા લેતી હતી એટલે માસી વીફર્યાં.પાસે આવીને માધવીનો હાથ ઝાલીને બોલ્યાં- કેમ, તને સંભળાતું નથી, આ ચંપલ કાઢ પછી ફેરા ફર.કંઈ અક્કલ જ બળી નથી. માધવીએ ફેરા ચાલુ રાખ્યા. નીલમ પણ સાથે જોડાઈ.

દાદીએ કહ્યું- શાંતાબેન આમ ક઼ઢાપો ન કરો. એ પૂજા કરે છે તેનો ભાવ જુઓ.

ત્યાં જ પંકજ અને મહેશ આવ્યા. પંકજે પૂછયું- શું થયું,
માધવીએ પોતાની અકળામણ ઠાલવતાં કહ્યું- આ શાંતા ડોહલી, જેમ ફાવે તેમ બોલે,એ મારી સાથે આવી રૂડ્લી વાત કેમ કરે. મારી મરજી મારે જેમ પ્રદક્ષિણા કરવી હોય તેમ કરું.
મારી વાઈફને આમ શેના ધમકાવો છો, મારી સાથે વાત કરો, પંકજે કહ્યું.

પંકજભાઈ, હું અને મમ્મીજી છીએ. તમે ફીકર ન કરો. આજે સારા દિવસે કકળાટ ન કરાય.

પંકજ અને મહેશ ગયા, પછી સોસાયટીના ચેરમેનના પત્ની કંચનબેને માધવીને સમજાવતાં કહ્યું- જો બેટા, શાંતામાસી તારા કરતાં ઉંમરમાં કેટલા બધા મોટા છે,તારી માતાના ઉંમરના, વળી આ ઉંમરે એકલાં રહે છે. આવો ઝઘડો આપણને, એજયુકેટેડને ન શોભે. બીજી તરફ માધવીના સાસુમા શાંતાબેનને સમજાવવા લાગ્યાં.

માધવી, તું જાણે છે,માત્ર ચાલીસ વર્ષે શાંતાબેને પોતાનાં સંતાનોને કેવી મુશ્કેલીથી ભણાવ્યા અને પરણાવ્યાં હશે, આજે બંને સંતાનો વિદેશમાં છે. જીવનની સમી સાંજે બિચારાં સાવ એકલાં છે. શું સોસાયટીના યુવાનો એમની પુત્રવત કાળજી ન લઈ શકે? માધવી આપણે એમને સમજીએ તો કેવું.

માધવીએ હકારમાં માથું નમાવ્યું. પોતાની થાળીમાંથી પ્રસાદ લઈને શાંતામાસીને ખવડાવતાં કહ્યું- સોરી, મેં તમારા પર ગુસ્સો કર્યો. આજથી તમે મારા દાદીમા ને હું તમારી દીકરી.

ત્યાં જ બે-ત્રણ છોકરાં ગુલાલ હાથમાં લેતાં માધવીબેન પર ઉડાડતાં બોલ્યા– હોલી હૈ ભાઈ હોલી હૈ, રંગોવાલી હોલી હૈ.
આ જ પ્રેમના રંગે દાદીનું કુટુંબ રંગાઈ ગયું.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button