કોંગ્રેસના નેતાની મહિલા વિરોધી ટિપ્પણી પર ભડકી સાઈના નેહવાલ, કહ્યું કે…
બેંગલુરુઃ દાવણગેરે સીટના ભાજપના ઉમેદવાર ગાયત્રી સિદ્ધેશ્વર પર કોંગ્રેસના વરિષ્ઠ નેતા શમનૂર શિવશંકરપ્પાએ મહિલા વિરોધી ટિપ્પણી કરી હતી. આ ટિપ્પણીને લઈ બૅડમિન્ટન સ્ટાર સાઈના નેહવાલે શનિવારે કોંગ્રેસના નેતાની વાતને વખોડી કાઢી હતી.
દાવણગેરે દક્ષિણના ધારાસભ્ય 92 વર્ષિય શિવશંકરપ્પાએ કહ્યું હતું કે પૂર્વ કેન્દ્રીય પ્રધાન અને વર્તમાન સાંસદ સિદ્દેશ્વર જીએમના પત્ની ગાયત્રી માત્ર રસોઈ બનાવાનું જાણે છે. તેમની ટિપ્પણી પર વિરોધ દર્શાવતા સાઈના નેહવાલે એક્સ પર પોસ્ટ કર્યું કે કર્ણાટકના એક વરિષ્ઠ નેતા શમનૂર શિવશંકરપ્પાએ કહ્યું કે મહિલાઓને રસોઈ સુધી જ મર્યાદિત રહેવું જોઈએ. દાવણગેરેના ઉમેદવાર ગાયત્રી સિદ્ધેશ્વરા પર થયેલી આ લૈંગિક ટિપ્પણી ઓછામાં ઓછું એવી પાર્ટીથી અપેક્ષા નહોતી જે કહે છે, લડકી હૂં, લડ સકતી હૂં.
લંડન ઓલમ્પિક 2012માં બ્રોન્ઝ મેડલ જીતનાર સાઈના નેહવાલે કહ્યું હતું કે જ્યારે દેશમાં મહિલાઓ દરેક ક્ષેત્રમાં પોતાની છાપ છોડી રહી છે ત્યારે મહિલાઓ વિરુદ્ધ આ પ્રકારની દ્વેશપૂર્ણ ટિપ્પણી હેરાન કરવાવાળી છે. જ્યારે હું રમતના મેદાન પર ભારત માટે મેડલ જીતી રહી હતી ત્યારે કોંગ્રેસ પાર્ટી મારાથી શું ઈચ્છતી હતી, મારે શું કરવું જોઈતું હતું. આવું શા માટે કહેવાય રહ્યું છે જ્યારે યુવતીઓ અને મહિલાઓ દરેક ક્ષેત્રમાં મોટી ઉપલબ્ધી હાંસલ કરવાનું સપનું જોઈ રહી છે.