સ્પોર્ટસ

શાહીન આફ્રિદી રિસાઈ ગયો, હવે તો તેને કૅપ્ટન્સી છોડી જ દેવી છે

લાહોર: ભારતમાં આઇપીએલ નામનો ક્રિકેટોત્સવ ચાલી રહ્યો છે ત્યારે પાકિસ્તાન ક્રિકેટમાં ડખ્ખો થઈ ગયો છે. આમેય પાકિસ્તાનને ક્રિકેટરો સમયાંતરે સારા મળતા હોય છે, પણ એની ક્રિકેટના ક્ષેત્રે નાનો-મોટો કોઈને કોઈ વિવાદ તો ચાલતો જ હોય છે.

આ વખતે ટી-20 ઇન્ટરનૅશનલ્સ માટેનો કૅપ્ટન અને ફાસ્ટ બોલર શાહીન શાહ આફ્રિદી વિવાદના કેન્દ્રમાં છે. તે રિસાઈ ગયો છે.

પાકિસ્તાન ક્રિકેટને લગતી ચર્ચામાં પોતાને સામેલ ન કરવા બદલ અને ટી-20 ટીમના કૅપ્ટન તરીકે પોતાનું ભાવિ કેવું છે એ વિશે પોતાને કંઈ જ સંકેત ન આપવા બદલ શાહીન આફ્રિદીને ખોટું લાગી ગયું છે અને તે સુકાનીપદ છોડી દેવા વિચારી રહ્યો હોવાનું મનાય છે.

શાહીન શાહ આફ્રિદી ભૂતપૂર્વ ઑલરાઉન્ડર શાહિદ આફ્રિદીનો જમાઈ છે. શાહીન આફ્રિદીએ ગયા વર્ષે ફેબ્રુઆરીમાં શાહિદ આફ્રિદીની પુત્રી અંશા આફ્રિદી સાથે નિકાહ કર્યા હતા.

આપણ વાંચો: પાકિસ્તાને વ્હાઇટવૉશ ટાળ્યો, શાહીન આફ્રિદીની કૅપ્ટન્સીમાં પહેલી વાર મેળવી જીત

પાકિસ્તાન ક્રિકેટ બોર્ડની નજીકના એક સૂત્રએ પીટીઆઇને શનિવારે જણાવ્યું, ‘શાહીન આફ્રિદી નૅશનલ ટીમનો કૅપ્ટન છે અને એ પદ પરથી ક્રિકેટ બોર્ડ કે સિલેક્ટર્સ તેને જો હટાવવા માગતા હોય તો એ વિશેની આગોતરી જાણ તેને કરી દેવી જોઈએ કે જેથી તે પોતાની કરીઅર વિશે પ્લાન કરી શકે. આવો આકરો નિર્ણય લેવા પાછળના કારણો કયા છે એ જાણવાનો પણ શાહીન આફ્રિદીને પૂરો હક છે.’

પાકિસ્તાન બોર્ડના ચીફે જૂનના ટી-20 વર્લ્ડ કપ વિશે, કૅપ્ટન તથા કોચની નિયુક્તિ વિશે નૅશનલ સિલેક્ટર્સ અને બાબર આઝમ સાથે આ અઠવાડિયે ચર્ચા કરી, પણ શાહીન આફ્રિદીને એ ચર્ચામાં સામેલ ન કરાયો એટલે તે નિરાશ થયો છે. પીસીબીની નજીકના સૂત્રએ પીટીઆઇને કહ્યું, ‘શાહીન આફ્રિદીનું એવું માનવું છે કે જો ક્રિકેટ બોર્ડ તેને ટી-20ના કૅપ્ટનપદેથી હટાવવા માગતું હોય તો એણે એ વિશે તેને જાણ કરી દેવી જોઈએ, કારણકે ખુદ આફ્રિદીને કૅપ્ટન્સી છોડી દેવી છે. જોકે આફ્રિદીને નજીકના સાથી ખેલાડીઓએ સલાહ આપી છે કે ક્રિકેટ બોર્ડના વિવાદથી દૂર જ રહેજે.’

ગયા વર્ષે નવેમ્બરમાં ભારતમાં વન-ડેનો વર્લ્ડ કપ પૂરો થઈ ગયો ત્યાર બાદ આફ્રિદીને ટી-20નો કૅપ્ટન બનાવાયો હતો. તેણે પાકિસ્તાન સુપર લીગમાં પોતાની કૅપ્ટન્સીમાં લાહોર કલંદર્સને સતત બે ટાઇટલ અપાવ્યા એને આધારે તેને નૅશનલ ટી-20 ટીમનો સુકાની નીમવામાં આવ્યો હતો. જોકે તરત જ ન્યૂ ઝીલૅન્ડ સામે યોજાયેલી ટી-20 સિરીઝમાં પાકિસ્તાનનો 1-4થી કારમો પરાજય થયો હતો. ત્યાર બાદ પાકિસ્તાન લીગમાં આફ્રિદીની કલંદર્સ ટીમ સાવ તળિયે રહેતા આફ્રિદીની ખૂબ ટીકા થવા લાગી હતી.

એવું મનાય છે કે પાકિસ્તાન ક્રિકેટમાંના રાજકારણથી પરેશાન શાહીન આફ્રિદી પાકિસ્તાનની ટી-20 ટીમની કૅપ્ટન્સી છોડતાં પહેલાં બાબર આઝમ, મોહમ્મદ રિઝવાન, શાદાબ ખાન અને ફખર ઝમાન સાથે વાતચીત કરી લેશે.

Show More

Related Articles

Back to top button
આ ભારતીય ક્રિકેટરો સંપૂર્ણ શાકાહારી છે એક દિવસમાં કેટલી રોટલી ખાવી જોઈએ, શું કહે છે નિષ્ણાતો? 48 કલાક બાદ સૂર્યગ્રહણ, આ રાશિના જાતકોનો શરૂ થશે ગોલ્ડન પીરિયડ વિશ્વયુદ્ધ થાય તો કયા દેશ હશે સુરક્ષિત