IPL 2024

ક્રાઉડ હુરિયો બોલાવે તો શું કરવું? હાર્દિકને સ્ટીવ સ્મિથે કહ્યું કે…

મુંબઈ: મુંબઈ ઇન્ડિયન્સ અમદાવાદમાં ગુજરાત ટાઇટન્સ સામે હાર્યું એ પહેલાં ક્રાઉડમાંથી ઘણી વાર કૅપ્ટન હાર્દિક પંડ્યાનો હુરિયો બોલાવવામાં આવ્યો હતો. મુંબઈની ટીમ હૈદરાબાદમાં સનરાઇઝર્સ હૈદરાબાદ સામે પરાજિત થયું એ અગાઉ એક-બે સ્ટૅન્ડમાંથી હાર્દિકને વખોડતી બૂમો પાડવામાં આવી હતી. હવે મામલો મુંબઈના વાનખેડેમાં આવી રહ્યો છે. સોમવારે સાંજે 7.30 વાગ્યાથી હાર્દિક ઍન્ડ કંપની રાજસ્થાન રૉયલ્સ સામે મેદાને પડશે અને આ સીઝનમાં પહેલી વાર જીત માણવા કમર કસશે.

હાર્દિક અચાનક જ ગુજરાતની ટીમ છોડી ગયો એ ગુજરાતની ક્રિકેટપ્રેમી પ્રજાને નથી ગમ્યું અને હાર્દિક મુંબઈ ઇન્ડિયન્સમાં પાછો આવી ગયો અને કૅપ્ટન બની જતાં પાંચ ટાઇટલના વિજેતા રોહિત શર્માએ તેના હાથ નીચે રમવું પડી રહ્યું છે એ મુંબઈના ક્રિકેટલવર્સને પસંદ નથી પડ્યું. આ સ્થિતિમાં ભારતીય ટીમના હીરો હાર્દિકની આઇપીએલમાં જે બદબોઈ કરવામાં આવી રહી છે એનાથી કેટલાક ક્રિકેટરો વ્યથિત થઈ ગયા છે.

ઑસ્ટ્રેલિયાના ટોચના બૅટર સ્ટીવ સ્મિથને આ વખતની આઇપીએલ માટેના ઑક્શનમાં બે કરોડ રૂપિયાની મૂળ કિંમત છતાં એક પણ ફ્રૅન્ચાઇઝીએ નહોતો ખરીદ્યો. તે અનસોલ્ડ રહ્યો અને હાલમાં તે આઇપીએલ માટે કૉમેન્ટરી બૉક્સમાં આવી ગયો છે. તેણે હાર્દિક પંડ્યા માટે સલાહ આપતા કહ્યું છે કે ‘સ્ટેડિયમમાં લોકો ભલે હુરિયો બોલાવતા રહે, હાર્દિકે એના પર જરાય ધ્યાન જ નહીં આપવાનું.

આપણ વાંચો: IPL-2024ના MI Captain Hardik Pandyaના સમર્થનમાં આવ્યો બોલીવૂડનો આ એક્ટર…

બસ, લોકોની ટકોર, અપશબ્દો અને વિરોધને અવગણતા રહેવાનું. હાર્દિકે પર્ફોર્મ કરવા પર જ ધ્યાન આપવાનું અને વિચારવાનું કે એ સિવાય બીજું બધુ નકામું છે. હાર્દિક પોતે જે કપરી પરિસ્થિતિમાંથી પસાર થઈ રહ્યો છે એની પીડા તેના ડ્રેસિંગ રૂમ સિવાય બીજું કોઈ નથી જાણતું એટલે બધા ભલે કંઈ પણ બોલે, તેણે ચિંતા નહીં કરવાની.’

2018ની સાલમાં સાઉથ આફ્રિકામાં બૉલ સાથે ચેડાં કરવાનો જે કાંડ થયો હતો એમાં સ્ટીવ સ્મિથની ભૂમિકા હતી. સ્મિથે પોતાની લીડરશિપમાં રહેલી કચાશ કબૂલી એને પગલે તેના ક્રિકેટ બોર્ડે તેના પર એક વર્ષનો પ્રતિબંધ મૂક્યો હતો. એ એક વર્ષ દરમ્યાન તેમ જ ત્યાર પછી સ્મિથ જ્યાં પણ જતો ત્યાં તેનો હુરિયો બોલાવવામાં આવતો હતો. જોકે લોકોના એ આક્રોશને તે અવગણતો રહ્યો, પાછો ઑસ્ટ્રેલિયન ટીમમાં આવી ગયો અને વન-ડેની કૅપ્ટન્સી પણ સંભાળવા લાગ્યો છે.

એક જાણીતી વેબસાઇટમાં જણાવાયા મુજબ સ્ટીવ સ્મિથનું એવું પણ માનવું છે કે ‘ભારતમાં ટોચના ક્રિકેટરોનો હુરિયો બોલાવવામાં આવે એ સામાન્ય બાબત નથી. આવું જવલ્લે જ બનતું હોય છે. સુનીલ ગાવસકર, સચિન તેન્ડુલકર અને રવિ શાસ્ત્રી ક્યારેક લોકોના વિરોધનો શિકાર થયા હતા, પણ થોડા સમયમાં બધુ ઠંડુ પડી ગયું હતું. હાર્દિકની વાત કરું તો તેને પોતાનો હુરિયો થતો હોય એ જોઈને આંચકો જરૂર લાગ્યો હશે, પરંતુ તેણે એને અવગણવાનું અને કૅપ્ટન્સી પર અને પર્ફોર્મ કરવા પર જ ધ્યાન આપતા રહેવાનું.’

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button