પોરબંદરમાં ત્રણ યુવાનોએ પોલીસ સ્ટેશનમાં જ કર્યો આત્મ વિલોપનનો પ્રયાસ
પોરબંદરઃ પોલીસ દ્વારા ફરિયાદ દાખલ ન કરવામાં આવતી હોવાના કારણસર પોરબંદરમાં ત્રણ યુવાને ફિનાઈલ પીને આત્મ વિલોપન કરી લીધાની ઘટના ઘટી છે. આ ત્રણેય યુવાનોની ફરિયાદ કથિત રીતે પીઆઈ દ્વારા લેવામાં આવી ન હતી આથી તેમણે કિર્તી મંદિર પોલીસ સ્ટેશનમાં જઈ ફિનાઈલ પીને આત્મ વિલોપન કરવાની કોશિશ કરી હતી. આ ઘટનાએ પોલીસ સ્ટેશનમાં હંગામો ઊભો કરી દીધો હતો. ત્રણેય યુવાનને સરકારી હૉસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા અને પોલીસે વધુ તપાસ હાથ ધરી હતી.
આ પણ વાંચો: Gujarat drugs seizure: પોરબંદર પાસેથી પકડાયેલા ડ્રગ્સનું કેરળ કનેક્શન, તપાસ એજન્સીએ કર્યા મોટા ખુલાસા
મળતી માહિતી અનુસાર આ યુવાનો પોતાની ફરિયાદ લઈને કમલાબાગ પોલીસ સ્ટેશન ગયા હતા, પરંતુ અહીંના અધિકારીએ તેમની ફરિયાદ સાંભળી ન હતી. પોતે પછાત જાતિના હોવાથી ફરિયાદ સાંભળવામાં આવતી નથી, તેવો આક્ષેપ આ યુવાનોએ કર્યો હતો. આ ત્રણમાંથી પંકજ પરમાર નામના એક યુવકે સમાજ કલ્યાણ ખાતા પાસેથી અમુક વિગતો માગી હતી. તે ન મળતા તેણે પોલીસ ફરિયાદ નોંધાવવાની કોશિશ કરી હતી, પરંતુ પોલીસ પણ દાદ ન દેતી હોવાનું જણાતા તેણે અન્ય બે જણ સામે વિરોધના ભાગરૂપે દવા ગટગટાવી હતી. હાલમાં તેમની હાલત સ્થિર હોવાનું જણાવા મળે છે. આ અંગે પોલીસ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.