ભારતીય નેવીનું સફળ ઓપરેશન, અરબ સાગરમાં ચાંચિયાઓના કબજામાંથી ઈરાનના જહાજને છોડાવ્યું
નવી દિલ્હીઃ અરબ સાગરમાં ભારતીય નેવીએ ફરી એકવાર પોતાની તાકાતનું પ્રદર્શન કર્યું છે, ભારતીય નેવી અરબ સાગરમાં વધુ એક સફળ ઓપરેશન હાથ ધર્યું છે. ભારતીય નેવીએ ઈરાનના માછીમારી જહાજને બચાવવામાં સફળતા મેળવી હતી, આ ઘટના શુક્રવારની જણાવવામાં આવી રહી છે.
ઈરાનના જહાજને હાઈજેક કરનારા ચાંચિયાઓ સામે ઓપરેશન હાથ ધર્યું હતું. ચાંચિયાઓએ 28 માર્ચે ઈરાની જહાજ અલ-કમ્બરને હાઈજેક કરવાનો પ્રયાસ કર્યો હતો. માહિતી મળતાની સાથે જ નેવી સક્રિય થઈ ગઈ હતી. અરબી સમુદ્રમાં તૈનાત ભારતીય નેવીના જહાજોને ઈરાની જહાજની મદદ માટે મોકલવામાં આવ્યા હતા.
28 માર્ચ 2024ના રોજ મોડી સાંજે ઇરાની માછીમારી જહાજ ‘અલ કમર 786’ પર સંભવિત ચાંચિયાગીરીની ઘટના અંગેના ઇનપુટ્સના આધારે, દરિયાઇ સુરક્ષા ઓપરેશન માટે અરબી સમુદ્રમાં તૈનાત ભારતીય નેવીના બે જહાજોને હાઇજેક કરાયેલા ઈરાનના માછીમારી જહાજને ચાંચીયાઓના કબજામાં જતું રોકવા માટે તૈનાત કરવામાં આવ્યા હતા.
મળતી માહિતી મુજબ 28 માર્ચે ઈરાનના એક જહાજ અલ કમર 786ને ચાંચિયાઓએ હાઈજેક કરી લીધું હતું. આ અંગેની માહિતી મળતાની સાથે જ ભારતીય નેવીએ તેના બે જહાજો મોકલ્યા હતા. હાઈજેક કરાયેલા ઈરાનના આ જહાજ પર હથિયારોથી સજ્જ 9 ચાંચિયાઓ હતા. આ જહાજને શુક્રવારે સફળતાપૂર્વક ફરી હસ્તગત કરવામાં આવ્યું હતું.
ઉલ્લેખનિય છે કે અગાઉ જાન્યુઆરીમાં પણ ભારતીય નેવીએ ઈરાનના એક જહાજનું સફળતાપૂર્વક રેસ્ક્યૂ કર્યું હતું. ભારતીય યુદ્ધ જહાજ INS સુમિત્રાએ એડનની ખાડીમાંથી સોમાલિયાના ચાંચિયાઓ દ્વારા હાઈજેક કરાયેલા ઈરાનના જહાજને બચાવી લીધું હતું, આ જહાજમાં રહેલા 19 પાકિસ્તાની નાગરિકોનો પણ છુટકારો થયો હતો. આ લૂંટારાઓએ માછીમારીના જહાજનું અપહરણ કર્યું હતું.