ભાયંદરની દુકાનમાંથી ચોરાયેલા રૂ. પંદર લાખના મોબાઇલ પોલીસે હસ્તગત કર્યા
થાણે: દિલ્હીથી આરોપીની ધરપકડ કરીને તેણે ભાયંદરની દુકાનમાંથી ગયા સપ્તાહે ચોરેલા રૂ. પંદર લાખની કિંમતના મોબાઇલ પોલીસે હસ્તગત કર્યા હતા.
આરોપી ફિરોઝ ઉર્ફે મોનુ નઇમ ખાને (29) ભાયંદરમાં 20 માર્ચે રાતે દુકાનનાં તાળાં તોડ્યાં હતાં અને રૂ. 16.71 લાખના 22 મોંઘા મોબાઇલ ચોર્યા હતા.
આપણ વાંચો: શેર બજારમાં રોકાણ કરવાનું કહી એનડીએના કર્મચારી સાથે રૂ. 55 લાખની છેતરપિંડી
પોલીસ અધિકારીઓએ ઘટનાસ્થળના સીસીટીવી કેમેરાના ફૂટેજ તપાસ્યા હતા, જેમાં ખાન નજરે પડ્યો હતો. બાંદ્રા વિસ્તારમાં રહેતો ખાન ઉત્તર પ્રદેશના બિજનોર ખાતે હોવાની માહિતી મળ્યા બાદ પોલીસ ટીમ ત્યાં રવાના કરવામાં આવી હતી. મીરા-ભાયંદર વસઇ-વિરાર પોલીસના આસિસ્ટન્ટ પોલીસ કમિશનર (ક્રાઇમ બ્રાન્ચ) મદન બલ્લાળે જણાવ્યું હતું કે પોલીસ ઉત્તર પ્રદેશ પહોંચી ત્યારે ખાન દિલ્હી ભાગી છૂટ્યો હોવાનું જાણવા મળ્યું હતું.
પોલીસે બાદમાં દિલ્હીથી બુધવારે ખાનની ધરપકડ કરી હતી અને તેની પાસેથી રૂ. પંદર લાખની કિંમતના 20 મોબાઇલ જપ્ત કરવામાં આવ્યા હતા. (પીટીઆઇ)