બર્ગર પછી પોવેલ પણ મેદાન પર ઊતર્યો એટલે ગાંગુલી તથા પૉન્ટિંગે અમ્પાયરો પાસે વિરોધ નોંધાવ્યો
જયપુર: આઇપીએલ જેવી અવ્વલ દરજ્જાની ટી-20 લીગ રમાતી હોય અને લગભગ દરેક મૅચ છેલ્લી ઓવર સુધી દિલધડક બની જતી હોય ત્યારે નાનો-મોટો વિવાદ થઈ જ જતો હોય છે. બીજું, જો કોઈ ટીમ સીઝનની શરૂઆત બાદ એકેય મૅચ ન જીતી હોય ત્યારે એના કૅમ્પમાંથી વિરોધના સૂર અચૂક આવી જતા હોય છે. ભલે તેમની દલીલ સાચી હોય, પણ રમતમાં વિઘ્ન આવી જતું હોય છે.
ગુરુવારે જયપુરમાં યજમાન રાજસ્થાને દિલ્હી કૅપિટલ્સને છેલ્લી ઓવરમાં 12 રનના માર્જિનથી હરાવ્યું હતું. રાજસ્થાને પાંચ વિકેટે 185 રન બનાવ્યા બાદ દિલ્હીની ટીમ 20 ઓવરમાં પાંચ વિકેટે 173 રન બનાવી શકી હતી.
રાજસ્થાને બૅટિંગ મળ્યા પછી 36 રનમાં ત્રણ વિકેટ ગુમાવ્યા બાદ રિયાન પરાગે છ સિક્સર અને સાત ફોરની મદદથી જે અણનમ 84 રન બનાવ્યા એની મદદથી દિલ્હીને 186 રનનો પડકારરૂપ ટાર્ગેટ આપ્યો ત્યાર બાદ ઇનિંગ્સ-બ્રેેક બાદ દિલ્હીની ઇનિંગ્સ શરૂ થવાનો સમય આવી ગયો હતો. રાજસ્થાને શિમરૉન હેટમાયરના ઇમ્પૅક્ટ પ્લેયર તરીકે નાન્ડ્રે બર્ગરને બોલાવ્યો હતો.
આઇપીએલનો નિયમ એવો છે કે કોઈ પણ ટીમ મૅચમાં કોઈ પણ તબક્કે વધુમાં વધુ ચાર વિદેશી ખેલાડી રમાડી શકે. રાજસ્થાનની સ્ટાર્ટિંગ ઇલેવનમાં ચારને બદલે ત્રણ વિદેશી પ્લેયર (ટ્રેન્ટ બૉલ્ટ, હેટમાયર, જૉસ બટલર) હતા. દિલ્હીની બૅટિંગ શરૂ થઈ ત્યારે બર્ગરે ઇમ્પૅક્ટ પ્લેયર તરીકે હેટમાયરનું સ્થાન લીધું એમ છતાં ટીમમાં ત્રણ જ વિદેશી ખેલાડી હતા.
જોકે બર્ગરના પછી થોડી જ વારમાં રૉવમૅન પોવેલ પણ સબસ્ટિટ્યૂટ ખેલાડી તરીકે મેદાન પર ઊતર્યો એટલે વિવાદ શરૂ થયો હતો. વાસ્તવમાં બર્ગરે ઇમ્પૅક્ટ પ્લેયર તરીકે મેદાન પર આવ્યા પછી પ્રથમ ઓવરના બીજા બૉલ બાદ રાજસ્થાનના કૅપ્ટન સંજુ સૅમસને સબસ્ટિટ્યૂટ તરીકે પોવેલને પણ મેદાન પર બોલાવ્યો એટલે દિલ્હીના ડગઆઉટમાં બેઠેલા દિલ્હીની ટીમના ડિરેકટર સૌરવ ગાંગુલી તથા કોચ રિકી પૉન્ટિંગે અમ્પાયરોનો સંપર્ક કરવાની કોશિશ કરી હતી.
ફૉર્થ અમ્પાયર મદનગોપાલ કૂપ્પૂરાજ તરત જ પૉન્ટિંગ-ગાંગુલી પાસે પહોંચી ગયા હતા અને તેમને સમજાવવા લાગ્યા હતા કે કંઈ જ ખોટું નથી થયું.
એ જ સમયે મેદાન પર અમ્પાયર નીતિન મેનન દિલ્હીના ઓપનિંગ બૅટર ડેવિડ વૉર્નર સાથે વાતચીત કરી રહ્યા હતા. રાજસ્થાનનો બટલર પણ તેમની પાસે પહોંચી ગયો હતો. આ બાજુ ડગઆઉટમાં પૉન્ટિંગે ફૉર્થ અમ્પાયર સમક્ષ ઇમ્પૅક્ટ પ્લેયરને લઈને નારાજગી વ્યક્ત કરી હતી. તેનું કહેવું એવું હતું કે રાજસ્થાને વધુમાં વધુ ચાર વિદેશી ખેલાડીને જ રમાડવાના નિયમનો ભંગ કર્યો છે.
જોકે અમ્પાયરે તેને કહ્યું કે ‘રાજસ્થાનની પ્લેઇંગ ઇલેવનમાં પહેલેથી જ ત્રણ વિદેશી હતા જેમાંના હેટમાયરના સ્થાને બર્ગરને રમાડ્યો એટલે ચોથા વિદેશી ખેલાડીને મેદાન પર ઉતારી શકાય એમ હતો અને એટલે જ રાજસ્થાને રિયાન પરાગના સબસ્ટિટ્યૂટ તરીકે પોવેલને બોલાવ્યો હતો. કુલ ચાર વિદેશી પ્લેયર થયા, પાંચ નહીં. ટૂંકમાં, એ સમયે મેદાન પર રાજસ્થાનના ચાર વિદેશી ખેલાડી હતા (બૉલ્ટ, બટલર, બર્ગર અને પોવેલ)’.
પરાગ પંદર ઓવર સુધી ક્રીઝ પર રહીને ઝઝૂમ્યો હતો અને એટલે નિયમ મુજબ તેના સબસ્ટિટ્યૂટ તરીકે પોવેલને બોલાવવામાં આવ્યો હતો. ત્રીજી ઓવર સુધીમાં મામલો ઠંડો પડી ગયો હતો.
2022ની આઇપીએલમાં પણ રાજસ્થાન અને દિલ્હી વચ્ચે વિવાદ થયો હતો અને એમાં પણ એક પાત્ર તરીકે રૉવમૅન પોવેલ જ હતો. અમ્પાયરે ત્યારે કમર સુધીના ફુલ-ટૉસને નો બૉલ જાહેર ન કર્યો એટલે દિલ્હીની ટીમે વિરોધ કર્યો હતો જેમાં કૅપ્ટન રિષભ પંતે પોતાના બૅટર્સને પાછા બોલાવી લેવા સુધીની ધમકી આપી હતી.