…તો આ અભિનેત્રી બનશે નિતેશની રામાયણની મંદોદરી

નિતેશ તિવારીની રામાયણ તેની કાસ્ટિંગને લીધે ચર્ચામાં રહે છે. રામાયણના એક એક પાત્રમાં તે ખૂબ જ સમજી વિચારીને કાસ્ટિંગ કરી રહ્યો છે. રામાયણના પાત્ર લોકોમાં પ્રિય હોવાની સાથે તેમની શ્રદ્ધાનો પણ વિષય છે, આથી કોણ કઈ ભૂમિકા ભજવશે તે મહત્વનું બની રહે છે.
આ ફિલ્મમાં વધારે એક પાત્ર માટે અભિનેત્રીની પસંદગી થઈ હોવાની ચર્ચા બોલીવૂડમાં થઈ રહી છે. લંકાપતિ રાવણની પત્ની મંદોદરીનો રોલ મહત્વનો છે. પતિની દુષ્ટતાને સાથ આપ્યા વિના પત્ની ધર્મ નિભાવતી મંદોદરીના રોલ માટે ટીવીની ફેમસ વહુ પાવર્તી એટલે કે સાક્ષી તન્વરની પસંદગી કરવામાં આવી હોવાનું કહેવાય છે. દંગલ ફિલ્મમાં સાક્ષીએ આમિરની પત્નીનો રોલ કર્યો હતો. નિતેશે સાક્ષીનો સંપર્ક કરી તેનું ઓડિશન પણ લીધું હોવાની વાત બહાર આવી છે.
જો વાત સાચી હશે તો સાક્ષી કેજીએફ સ્ટાર યશની પત્નીનો રોલ કરશે. યશ આ ફિલ્મમાં રાવણના પાત્રમાં છે. રણબીર કપૂર રામ ભગવાનની ભૂમિકા ભજવી રહ્યો છે. રિપોર્ટ્સનું માનીએ તો ડાયેના હેડન કૈકયીના પાત્રમાં જોવા મળશે અને રકુલ પ્રીતને શુર્પણખાનું પાત્ર કરતી દર્શકો જોઈ શકશે.