હિમાચલ પ્રદેશ ભાજપમાં અસંતોષનો ભડકો
છ કૉંગ્રેસી બળવાખોરોને ઉમેદવારી આપવાના નિર્ણય સામે નિષ્ઠાવંતોની નારાજી
શિમલા: રાજ્ય સભાની ચૂંટણીમાં ભાજપના ઉમેદવારને મતદાન કરવા બદલ કૉંગ્રેસ દ્વારા બરતરફીની કાર્યવાહી કરવામાં આવેલા અને ત્યારબાદ ભાજપમાં જોડાઈ ગયેલા છ વિધાનસભ્યોને પહી જૂને થનારી પેટાચૂંટણીમાં તેમની જ બેઠકો પર ભાજપ તરફથી ઉમેદવારી આપવાના નિર્ણયને કારણે હિમાચલ પ્રદેશ ભાજપમાં અસંતોષ ફાટી નીકળ્યો છે. આને પગલે ઉકળી રહેલા ચરૂને શાંત કરવા માટે ભાજપના જ્યેષ્ઠ નેતાને શિમલા રવાના કરવામાં આવ્યા છે.
ભાજપ દ્વારા પેટાચૂંટણીના ઉમેદવારો જાહેર કરવામાં આવ્યા તેના ટૂંક સમયમાં ભાજપના ભૂતપૂર્વ પ્રધાન અને પક્ષના લાહૌલ અને સ્પિતિ વિધાનસભા બેઠકના નેતા રામ લાલ મારખંડાએ રાજીનામું આપી દીધું છે અને એવા સંકેત આપ્યા છે કે તેઓ કૉંગ્રેસની ઉમેદવારી પર ચૂંટણી લડી શકે છે.
આપણ વાંચો: હિમાચલ પ્રદેશમાં આંતરિક કલહ શાંત કરવા કોંગ્રેસ પ્રમુખ ખડગેને સોંપાઈ સીક્રેટ રિપોર્ટ, જાણો વિગત
ભાજપે આ બેઠક પર જે રવિ ઠાકુરને ઉમેદવારી આપી છે તેની સામે મારખંડા ગઈ વિધાનસભાની ચૂંટણીમાં હારી ગયા હતા. અહીં ઉલ્લેખનીય છે કે લાહૌલ અને સ્પિતી બ્લોક યુનિટના બધા જ પદાધિકારીઓએ પાર્ટીના ઉમેદવાર અંગેના નિર્ણયના વિરોધમાં રાજીનામાં આપી દીધા છે.
અહીં ઉલ્લેખનીય છે કે વિધાનસભાના સ્પીકર કુલદીપ સિંહ પઠાનીયાએ પક્ષપલટા કાયદાની જોગવાઈ હેઠળ છ વિધાનસભ્યોને ગેરલાયક ઠેરવ્યા બાદ આ બેઠકો ખાલી પડી હતી. ત્યારબાદ આ છ ગેરલાયક ઠરેલા વિધાનસભ્યો અને ત્રણ અપક્ષ વિધાનસભ્યો ભાજપમાં જોડાઈ ગયા હતા.
બીજી તરફ આધારભૂત સૂત્રો પાસેથી એવું જાણવા મળ્યું છે કે આ બેઠકોમાંથી કેટલીક બેઠકો પર કૉંગ્રેસ ભાજપના જ બળવાખોર ઉમેદવારને તક આપી શકે છે.