ઈન્ટરવલ

પ્રેક્ષકો, થિયેટર પર હાઉસફુલનું પાટિયું ઝૂલતું કરી દો !

રજની શાંતારામ

નમસ્તે, હું રજની શાંતારામ… ગુજરાતી રંગભૂમિની એક કલાકાર. જૂની – નવી રંગભૂમિ સાથેનો મારો અનુભવ હું આપ બધા સાથે વહેંચવા માગું છું- જણાવવા માગું છું.

સૌપ્રથમ આજના વિશ્ર્વ રંગભૂમિના દિવસે નાટ્યપ્રેમી વાચકોને અઢળક શુભેચ્છા. હું જ નહીં, દરેક કલાકાર દર્શકનો ઋણી છે, કારણ કે તમે આપેલા સ્નેહ અને પ્રતિભાવથી જ કલાકાર અને રંગભૂમિ ઊંચાઈ હાંસલ કરી શકી છે.

જૂની રંગભૂમિ એટલે શ્રી દેશી નાટક સમાજ, ભાંગવાડી. એમાં મને કોમિક હિરોઈન તરીકે કામ કરવાની તક મળી. બન્યું એવું કે વર્ષોથી કંપનીનાં નાટકોમાં કામ કરતા સુશીલાબહેન સાથે કંપનીને કોઈ વાંધો પડ્યો અને સુશીલાબહેન કંપની છોડી ચાલ્યાં ગયાં. દેશી નાટક સમાજને અભિનેત્રીની જરૂર હતી અને એ જરૂરિયાતમાં ફિટ બેસી ગઈ અને મને નાટકમાં કામ કરવાની તક મળી. વર્ષો સુધી દેશી નાટક સમાજમાં પોતાનું સ્થાન જમાવનારા સિદ્ધહસ્ત અદાકારા સુશીલાબહેનના સ્થાને કામ કરવું મારા માટે એક પરીક્ષા હતી- અગ્નિપરીક્ષા હતી, પણ કલાકાર એ જ કહેવાય જે કોઈ પણ ચેલેન્જ સ્વીકારી લે અને રંગદેવતાના આશીર્વાદથી એ પરીક્ષામાં હું સાંગોપાંગ પાર ઊતરી. કામ કરી મને ઘણું જાણવા મળ્યું, શીખવા મળ્યું. છપ્પા કેવી રીતે બોલાય, સંવાદના કયા શબ્દો પર કેટલો ભાર શું કામ આપવો જોઈએ જેવી ઝીણી ઝીણી વાતો હું સમજી અને આ કેળવાયેલી સમજણે મારી કારકિર્દી ઘડવામાં મહત્ત્વનો ભાગ ભજવ્યો.

નાટકના સેટિંગ્સ, એની સજાવટ આંખોમાં વસી જાય એવી રહેતી. કલાકારને એવું લાગે કે પોતે ફિલ્મમાં કામ કરી રહ્યો છે. નાટકનાં ગીતો એનું આભૂષણ હતાં. એ ગીતના શબ્દો, એની ધૂન અને કલાકારના લહેકાના ત્રિવેણી સંગમથી પ્રસન્નચિત્ત પ્રેક્ષકો જ્યારે ‘વન્સ મોર, વન્સ મોર’ કરે ત્યારે કલાકાર પોરસાય જાય અને એ ગીત બમણા ઉત્સાહથી અને આનંદ સાથે રજૂ કરે. આ ‘વન્સમોર’ એક એવું ટોનિક હતું, જે કલાકારને બહેતર પરફોર્મન્સ માટે શક્તિ પૂરું પાડતું. પછી ભાંગવાડી બંધ થઈ. પણ કહે છે ને કે શો મસ્ટ ગો ઓન…

જૂની રંગભૂમિમાંથી હું નવી રંગભૂમિમાં આવી. ખોળિયું બદલાય, આત્મા તો અવિનાશી છે ને. અલબત્ત, મારા માટે આ અનુભવ સાવ નવો હતો. એક નોંધપાત્ર ફરક મને એ જોવા મળ્યો કે નવી રંગભૂમિના અમુક દિગ્દર્શકો હું ડાયલોગ બોલું ત્યારે કહેતા કે ‘અરે, ભાંગવાડીની જેમ તમે નહીં બોલો.’ એ લોકો શું કહેવા માગે છે, આવું કેમ કહેતા હશે એ મને ન સમજાયું. ‘ભાંગવાડીની જેમ નહીં બોલવું’ એટલે શું એનો મને કોઈ અંદાજ નહોતો, કારણ કે ભાંગવાડીમાં ઐતિહાસિક, સામાજિક અને પૌરાણિક નાટકો થતાં હતાં, પણ દરેક નાટકમાં સંવાદ બોલવાની ઢબ – શૈલી જુદી રહેતી. ઐતિહાસિક નાટક હોય ત્યારે અવાજ વધુ બુલંદ રહેતો, પણ સામાજિક નાટકમાં તો આપણે ઘરમાં સામાન્ય રીતે જે ટોનમાં વાતચીત થતી હોય છે એ જ રીતે અમે બોલતાં એટલે મને મૂંઝવણ થઈ કે દિગ્દર્શક કઈ શૈલીની ના પાડે છે, પણ હું નવી હતી એટલે કોઈ દલીલ કર્યા વિના મન મનાવી લીધું અને દિગ્દર્શક કહે એ પ્રમાણે કામ કરી હું આગળ વધતી ગઈ.

મારા સદભાગ્ય કે મને કાંતિ મડિયા અને શૈલેષ દવે જેવા અવ્વલ દિગ્દર્શકો સાથે કામ કરવાનો મોકો મળ્યો. આઇએનટીનાં નાટકો પણ કર્યાં. કાંતિભાઈ અને શૈલેષભાઈ પાસેથી મળેલી તાલીમ તો હું ક્યારેય નહીં ભૂલું અને એમનાં સૂચન ને માર્ગદર્શન મારી અભિનય કારકિર્દી આગળ વધારવામાં નિમિત્ત બન્યા એ હકીકત છે. નાટકમાં પાત્ર અનુસાર અભિનયની અપેક્ષા તો દરેક દિગ્દર્શક રાખતો જ હોય, પણ આ બંને દિગ્દર્શક પાત્ર સ્ટેજ પર શું કામ મુવમેન્ટ કરે છે, જે ડાયલોગ બોલાય એનો અર્થ શું થાય અને કયા શબ્દ ઉપર કેટલો ભાર શું કામ આપવાનો છે એ સમજાવતા. આવી તાલીમ નાટકને તો સશક્ત બનાવે જ, કલાકારનું પણ ઘડતર કરે.

વર્ષો સુધી દિગ્ગજ દિગ્દર્શકો સાથે કામ કર્યા પછી ગયા વર્ષે મને સાવ અલગ જ અનુભવ થયો. કહેવાય છે ને કે ઉત્તમ અભિનેતા આજીવન વિદ્યાર્થી હોય છે. સતત શીખતા રહેવાની વૃત્તિ જ કલાકારને આગળ વધવામાં મદદ કરે છે. એક નાટકની ઓફર મારી પાસે આવી. નિર્માતા તેમજ નાટક સાથે સંકળાયેલા બધા જ લોકો મારા માટે નવા હતા. જો કે, નાટકની સ્ક્રિપ્ટ મને ગમી એટલે મેં હા પાડી, પણ નાટકના પહેલા શો પછી મારો અવાજ ઓડિયન્સ સુધી નથી પહોંચતો એવું કારણ આપી મારી જગ્યાએ બીજી કોઈ અભિનેત્રીને લેવામાં આવશે એમ મને ફોન પર જણાવવામાં આવ્યું. મને દુ:ખ થયું, કારણ કે ૬૦ વર્ષમાં કોઈએ મારી સાથે આવી રીતે વાત નહોતી કરી. ખેર, અનુભવની માર દિમાગમાંથી એક્ઝિટ કરાવી નાખી.

હવે આવતી કાલની વાત કરું છું. આજની તારીખમાં રંગભૂમિ પાસે ઘણા સારા કલાકાર છે. આજે એવા નિર્માતા પણ છે જે પૈસા ખર્ચવા તૈયાર હોય છે. સરસ મજાનાં નાટકો પણ તૈયાર થઈ ભજવાય છે. એક સમય હતો જ્યારે નાટકનું એડવાન્સ બુકિંગ શરૂ થાય અને અનેક દિવસો સુધી શો હાઉસફૂલ થઈ જાય.

આજે સમસ્યા છે પ્રેક્ષકોની ગેરહાજરીની. આ ખોવાઈ ગયેલા પ્રેક્ષકો જ્યારે થિયેટર પર હાઉસફુલનું પાટિયું લગાવવાની ફરજ પાડશે ત્યારે પ્રોડ્યુસરોને પૈસાનું વળતર મળશે અને કલાકારોની મહેનતની કિંમત થશે. એટલે હાથ જોડી પ્રેક્ષકોને વિનંતી કરું છું કે નાટક જરૂર જોવા જાવ. જરૂર માણવા જાવ. સાથે સાથે રંગભૂમિ સાથે સંકળાયેલા લોકોને પણ વિનંતી કરું છું કે આજના સમયને અનુરૂપ વાર્તા લાવો , જેથી રિસાઈ ગયેલો પ્રેક્ષક ફરી નાટક જોવા લલચાય. તો જ આ રંગભૂમિ અગાઉ જેવી ફરી ધમધમતી થઈ જશે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button