મેક્સિકોના ૧૫ રાજ્યનાં જંગલમાં આગ
દાવાનળ: મેક્સિકોના વારાક્રૂઝ રાજ્યના ઊંચા પહાડો પર વનમાં લાગેલી આગને ઓલવવાનો પ્રયાસ કરતો એક સૈનિક.
(એપી-પીટીઆઇ)
નોગેલ્સ: મેક્સિકોના લગભગ અડધા દુષ્કાળગ્રસ્ત રાજ્યોમાં સોમવારે ભારે પવનના કારણે જંગલમાં આગ ફાટી નીકળી હતી. નેશનલ ફોરેસ્ટ્રી કમિશને જાણકારી આપી હતી કે ૧૫ રાજ્યોમાં ૫૮ સ્થળો પર આગ ફાટી નીકળી છે.
જેમાં મોરેલોસ, વેરાક્રુઝ અને મેક્સિકો સ્ટેટના અભયારણ્યનો પણ સમાવેશ થાય છે. કમિશને સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર લખ્યું હતું કે પ્રાથમિક અંદાજ મુજબ ૩,૫૦૦ એકર જેટલો વિસ્તાર આગની ઝપેટમાં આવી ગયો છે. કોઇ ઇજાગ્રસ્ત થયાની સત્તાવાર માહિતી નથી પરંતુ વેરાક્રુઝના નોગેલ્સમાં જંગલમાં લાગેલી આગમાં કેટલાક ઘરો બળી ગયા હતા. આગમાં ખેતરો, પશુધન અને ઘરો સળગી ગયા હતા. ઓછામાં ઓછા પાંચ પરિવારોને સુરક્ષિત સ્થળે ખસેડવામાં આવ્યા હતા.
ફાયર ફાઇટર્સ આગ પર કાબૂ મેળવવાનો પ્રયાસ કરી રહ્યા છે. નોગેલ્સના રહેવાસી એલોન્ડ્રા ચાવેઝે કહ્યું હતું કે પવનના કારણે આગ બેકાબૂ થઇ રહી છે. બધુ જ નષ્ટ પામ્યું છે.