IPL 2024

શમીએ હાર્દિક માટે કહ્યું, ‘ભાઈ, તું ટૉપ-ઑર્ડરમાંથી ટેઇલ-એન્ડર કેમ બની ગયો?’

અમદાવાદ: 2022માં ગુજરાત ટાઇટન્સને પોતાની શાનદાર કૅપ્ટન્સીમાં ટ્રોફી અપાવનાર અને 2023માં રનર-અપ બનાવનાર હાર્દિક પંડ્યાએ રવિવારે અમદાવાદમાં મુંબઈ ઇન્ડિયન્સના કૅપ્ટન તરીકે તો પહેલી જ મૅચમાં પરાજય જોયો, તેની કૅપ્ટન્સીની ટીકા પણ થવા લાગી છે.

ખાસ કરીને હાર્દિક કટોકટીના સમયે છેક સાતમા નંબર પર બૅટિંગ કરવા આવ્યો એ નિર્ણયને ખૂબ વખોડવામાં આવી રહ્યો છે.

ગુજરાત ટાઇટન્સે છ વિકેટે 168 રન બનાવ્યા ત્યાર બાદ મુંબઈ ઇન્ડિયન્સની ટીમ 20 ઓવરમાં નવ વિકેટે 162 રન બનાવી શકી હતી અને ફક્ત છ રનથી હારી ગઈ હતી. ઓપનિંગમાં ઇશાન કિશન ઝીરોમાં આઉટ થયો હતો, જ્યારે બીજા ઓપનર રોહિત શર્માએ 29 બૉલમાં 43 રન, ત્રીજા નંબરના નવા ખેલાડી નમન ધીરે 20 રન, ચોથા નંબરના ડેવાલ્ડ બ્રેવિસે ત્રણ સિક્સરની મદદથી 46 રન, પાંચમા ક્રમના તિલક વર્માએ પચીસ રન, છઠ્ઠા ક્રમના ટિમ ડેવિડે 11 રન બનાવ્યા હતા.

આપણ વાંચો: IPL 2024 RCB vs PBKS: પંજાબ કિંગ્સે રોયલ ચેલેન્જર્સને જીતવા માટે 177 રનનો ટાર્ગેટ આપ્યો

કૅપ્ટન હાર્દિક પોતે ઓગણીસમી ઓવરની શરૂઆતમાં ટિમ ડેવિડની વિકેટ બાદ છેક સાતમા નંબરે રમવા આવ્યો હતો અને એક સિક્સર, એક ફોરની મદદથી ચાર બૉલમાં 11 રન બનાવ્યા હતા અને ઉમેશ યાદવની 20મી ઓવરમાં છગ્ગા-ચોક્કા ફટકાર્યા બાદ બૅટની ટૉપ એજ લાગતાં લૉન્ગ-ઑન પર તેવાટિયાને કૅચ આપી બેઠો હતો. જો હાર્દિક વહેલો બૅટિંગમાં આવ્યો હોત તો વહેલાસર સેટ થઈને ફટકાબાજીથી મુંબઈને જિતાડી શક્યો હોત.

ગુજરાત ટાઇટન્સનો પેસ બોલર મોહમ્મદ શમી ઈજાને કારણે આ આઇપીએલમાં નથી રમ્યો. શમીએ એક જાણીતી વેબસાઇટને મુલાકાતમાં કહ્યું, ‘હાર્દિક કેમ છેક સાતમા ક્રમે બૅટિંગમાં આવ્યો એ જ મને નથી સમજાતું. રાઇટ-લેફ્ટ કૉમ્બિનેશન વિશે બહુ ચર્ચા થતી હોય છે, પરંતુ મને એ કંઈ ગળે નથી ઉતરતું.

મુંબઈ ઇન્ડિયન્સને રવિવારે સૂર્યકુમાર યાદવની ખોટ ખૂબ વર્તાઈ હતી. તે હજી ફિટ ન હોવાથી એ દિવસે નહોતો રમ્યો. મેં થોડા દિવસ પહેલાં જ એક મુલાકાતમાં કહ્યું હતું કે પૅટ કમિન્સ કેટલો બધો પરિપકવ કૅપ્ટન છે. સુકાનીએ હંમેશાં એક ડગલું આગળ રહેવાની કોશિશ કરવી જોઈએ. કૅપ્ટને પોતે સમજવું જોઈએ કે પોતે કઈ જવાબદારી ક્યારે લેવાની છે.

હાર્દિકની વાત કરું તો ગુજરાત ટાઇટન્સમાં તે ત્રીજા-ચોથા નંબર પર બૅટિંગ કરતો હતો તો પછી મુંબઈ વતી રમીને ચોથા કે પાંચમા નંબર પર બૅટિંગ કરવામાં તેને શું વાંધો હતો એ જ નથી સમજાતું. નંબર સાત પર તો હાર્દિક ટેઇલ-એન્ડર બની ગયો કહેવાય. કોઈ ભરોસાપાત્ર બૅટર સાતમા નંબર પર રમવા ઉતરે તો તેના મન પરના પ્રચંડ દબાણ સાથે રમતો હોય છે. જો હાર્દિક વહેલો રમવા આવ્યો હોત તો આ મૅચ છેલ્લી ઓવર સુધી ગઈ જ ન હોત.’

હાર્દિકે શું ધોની બનવાની કોશિશ કરી કહેવાય? એવા સવાલના જવાબમાં શમીએ કહ્યું, ‘ધોની તો ધોની જ છે. તેની સાથે તુલના ન થઈ શકે. તેની સાથે તો શું કોઈની પણ કોઈની સાથે સરખામણી ન થઈ શકે. દરેકની માનસિકતા અલગ હોય છે, પછી તે ધોની હોય કે કોહલી. તમારે પોતાની કુશળતાને ધ્યાનમાં રાખીને નિર્ણય લેવો પડે અને એ મુજબ રમવું પડે. હાર્દિકને છેલ્લી બે સીઝનથી ત્રીજા કે ચોથા નંબર પર રમવાની આદત હતી તો તેણે એ બેમાંથી એક નંબર પર અથવા બહુ બહુ તો પાંચમા ક્રમે રમવું જોઈતું હતું, પરંતુ સાતમા નંબર પર તો નહીં જ.’

મુંબઈની હવે પછીની મૅચ બુધવારે (27મી માર્ચે) હૈદરાબાદમાં હૈદરાબાદ સામે રમાશે.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button