ડૉલર નબળો પડતાં વૈશ્ર્વિક સોનામાં ઘટ્યા મથાળેથી ધીમો સુધારો
(વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)
મુંબઈ/લંડન: આંતરરાષ્ટ્રીય વિનિમય બજારમાં આજે ડૉલર ઈન્ડેક્સમાં નરમાઈનું વલણ રહ્યું હોવાથી આજે લંડન ખાતે સત્રના આરંભે સોનાના હાજર તેમ જ વાયદાના ભાવમાં ઘટ્યા મથાળેથી સુધારો જોવા મળ્યો હતો, જ્યારે ચાંદીના ભાવમા પણ ધીમો સુધારો આવ્યો હતો. જોકે, આજે સ્થાનિક ઝવેરી બજાર ધૂળેટી નિમિત્તે બંધ રહી હોવાથી ઈન્ડિયા બુલિયન ઍન્ડ જ્વેલર્સ એસોસિયેશને સત્તાવાર ધોરણે સોનાના ભાવ જાહેર નહોતા કર્યા.
આજે વિશ્ર્વ બજારમાં ડૉલર ઈન્ડેક્સ ગત શુક્રવારના બંધ સામે ૦.૧ ટકા ઘટીને ક્વૉટ થઈ રહ્યો હોવાથી આજે લંડન ખાતે સત્રના આરંભે હાજરમાં સોનાના ભાવ આગલા બંધ સામે ૦.૩ ટકા વધીને ઔંસદીઠ ૨૧૭૧.૪૨ ડૉલર અને વાયદામાં ભાવ આગલા બંધ સામે ૦.૬ ટકા વધીને ઔંસદીઠ ૨૧૭૨.૫૦ ડૉલર આસપાસ ક્વૉટ થઈ રહ્યા હતા, જ્યારે હાજરમાં ચાંદીના ભાવ આગલા બંધ સામે ૦.૩ ટકા વધીને ઔંસદીઠ ૨૪.૬૨ ડૉલર આસપાસ ક્વૉટ થઈ રહ્યા હતા.
આજે સોનામાં ઘટ્યા મથાળેથી સુધારાતરફી વલણ જોવા મળ્યું હોવાથી એકંદરે રેટ કટના આશાવાદે અન્ડરટોન તેજીતરફી હોવાનું કેસીએમ ટ્રેડનાં ચીફ એનાલિસ્ટ ટિમ વૉટરરે જણાવતાં ઉમેર્યું હતું કે બજાર વર્તુળો માની રહ્યા છે કે આગામી જૂન મહિનાથી ફેડરલ રિઝર્વ વ્યાજદરમાં કપાતની શરૂઆત કરશે. જોકે, રૉઈટર્સનાં વિશ્ર્લેષક વૉંગ તાઉએ જણાવ્યું હતું કે જો સોનાના વૈશ્ર્વિક ભાવ ઔંસદીઠ ૨૧૬૧ ડૉલરની સપાટી તોડશે તો ભાવ ઘટીને ૨૧૪૭થી ૨૧૫૨ ડૉલર આસપાસની રેન્જમાં અથડાતા રહેશે.
અત્રે ઉલ્લેખનીય બાબત એ છે કે અગાઉ ગત ૧૯-૨૦ માર્ચની બે દિવસીય નીતિવિષયક બેઠકના અંતે અમેરિકી ફેડરલના અધ્યક્ષ જૅરૉમ પૉવૅલે ગત ફેબ્રુઆરી મહિનામાં ફુગાવામાં વધારો થયો હોવા છતાં શેષ વર્ષ ૨૦૨૪માં ત્રણ વખત વ્યાજદરમાં ૨૫ બેસિસ પૉઈન્ટથી કપાતનાં નિર્દેશ આપતાં ન્યૂ યોર્ક મર્કન્ટાઈલ એક્સચેન્જના કૉમૅક્સ વિભાગ પર હાજરમાં સોનાના ભાવ વધીને ઔંસદીઠ ૨૨૨૨.૩૯ ડૉલરની વિક્રમ સપાટીએ પહોંચ્યા હતા. સામાન્યપણે ઓછા વ્યાજદરના સંજોગોમાં સોના જેવી વ્યાજની ઊપજ ન આપતી અસ્ક્યામતોમાં રોકાણકારોની લેવાલી રહેતી હોય છે.
આજે સીએમઈ ગ્રૂપનાં ફેડ વૉચ ટૂલ પર ૭૪ ટકા બજાર વર્તુળો જૂન મહિનાથી ફેડરલ રિઝર્વ વ્યાજદરમાં કાપ મૂકે તેવી ધારણા મૂકી રહ્યા છે. જોકે, હવે રોકાણકારોની નજર આગામી શુક્રવારે જાહેર થનારા અમેરિકાનાં પર્સનલ ક્ધઝ્મ્પશન એક્સ્પેન્ડિચર (પીસીઈ) ડેટા પર સ્થિર થઈ છે. જોકે, આગામી શુક્રવારે ગુડ ફ્રાઈડે નિમિત્તે બજારો બંધ રહેનાર હોવાથી પીસીઈ ડેટાની બજાર પર અસર આગામી સોમવારે જોવા મળે તેવી શક્યતા છે.