ફલાઇટ
ટૂંકી વાર્તા – રાજેશ અંતાણી
સેલફોન નજીક ખેંચીને રીમાએ ધ્યાનપૂર્વક જોયું. એમાં આનંદનો કોઇ મેસેજ ન હતો અને કોઇ મિસ્ડકોલ પણ.
રીમા અકળાવા લાગી. સામે સામાન પડ્યો છે. પેકિંગ કરતાં કેટલાય દિવસ લાગ્યા. આનંદને કેટલીયવાર કહ્યું- એ વળી આમ, પણ- કોઇ દિવસ મદદરૂપ થયો છે મને? વળી, એ મદદરૂપ થવાનો પ્રયત્ન કરે તો પણ -નકામું- મારું કામ વધારી નાખે. એ તો વળી પાછી મદદરૂપ થવાને બદલે સામાન જોઇને કહ્યા કરતો- ‘રીમા, પેકિંગમાં ખ્યાલ રાખજે- કોઇ બિનજરૂરી ચીજો રહેવા દે છે, લગેજનું વેઇટ વધી જશે તો પ્રોબલેમ થશે… યુ નો… ફોરેનનો મામલો છે…’
રીમા અંદરથી ચીડાઇ જતી. ગુસ્સામાં આવીને એ આનંદને કહેતી: ‘પેકિંગમાં મદદરૂપ થવાને બદલે આ તું શું વચ્ચે ડબ-ડબ કરે છે હેં? હું કંઇ પહેલીવાર ફોરેન નથી જતી- સમજ્યો? અને હા- બે વર્ષ પહેલાં આપણે યુ.કે.-દેવાંશને ત્યાં ગયેલાં ત્યારે તારો સામાન કોણે પેક કરેલો? ને તું વારંવાર કંપનીને કામ ટુર પર જવા નીકળી જાય છે ત્યારે તારો સામાન કોણ પેક કરી આપે છે?’
રીમા અકળાઇ જતી. આ ક્ષણે પણ રીમા, અકળાઇને બેસી ગઇ છે. રીમાને આનંદ પર સખત ગુસ્સો આવે છે. રાત્રે સાડાબાર વાગ્યાની ફલાઇટ છે. ઘેરથી તો નવ-દસ વાગ્યે નીકળી જ જવું પડે. આ – આનંદ – હજુ ઓફિસથી આવ્યો પણ નથી. ફોન પણ રિસિવ કરતો નથી… પાછો કોઇ મેસેજ પણ કરતો નથી.
રીમાએ સામે પડેલા લગેજ તરફ જોયું.
ઊંડો શ્ર્વાસ લીધો- પછી મૂકી દીધો. રીમા ઊભી થઇ. બાલ્કનીમાં આવીને બહાર જોયું. બહાર સાંજ પછીનું અંધારું.
રીમા પાછી ફરી. ઘુંઘવાઇને સોફા પર બેસી ગઇ.
ફરી આંખો સામે લગેજ આવ્યો. રીમાએ આનંદને ફોન જોડ્યો. રિંગ સતત વાગતી હતી અને આનંદ ફોન ઉપાડતો ન હતો. અચાનક રીમાને કાનમાં આનંદનો અવાજ અથડાયો.
‘હાં બોલ રીમા, શું છે?..
‘વ્હોટ ડુ યુ મીન- શું છે? ક્યારની ફોન તને કર્યા કરું છું.. અને તું ફોન ઉપાડવાની તસ્દી નથી લેતો? ક્યાં છે તું?’ રીમાએ બુમ પાડી.
‘ક્વાયટ… ક્વાયટ… રીમા… રિલેક્સ- હું હવે ઘરની નજીક જ છું. તરત જ આવી પહોંચું છું… યુ નો… છેલ્લી ઘડી સુધી ફોરેન ફલાઇટ… અત્યારે તો સાંજના ટ્રાફિકમાં ફસાયેલો છું… તું તદ્દન તૈયાર છે ને?’ આનંદ ઝડપથી બોલી ગયો-‘તારી ફલાઇટ…’
રીગાએ ખિજાઇને ફોન બંધ કરી દીધો.
કેટલાય મહિનાઓથી આ બધી ધમાલ ચાલે છે.- ઘરમાં. દેવાંશનો ફોન આવ્યો હતો યુ.કે.થી ખૂબ જ આનંદ અને ઉત્સાહમાં હતો- એ કહેતો હતો- ‘ગુડ ન્યુઝ- તમે- મમ્મી – પપ્પા- દાદા- દાદી બનવાના છો. અને હું બાપ-આઇ મીન ફાધર -શર્વરી ઇઝ પેગનન્ટ-શી ઇઝ કેરિંગ-’ રીમા અને આનંદ દેવાંશની વાત સાંભળીને ખુશ-ખુશ- લગભગ પાગલ જેવા બની ગયાં હતાં. આનંદને એના પુત્ર દેવાંશ પ્રત્યે ખૂબ જ પ્રેમ, લાગણી અને માન હતું. આનંદની એક આઇ.ટી. કંપની અપલિફટ કરવામાં દેવાંશનો હાથ અને સાથ ઘણો જ હતો. અહીં – અમદાવાદમાં આનંદ બધું મેનેજ કરતો અને દેવાંશ યુ.કે.માં એક બ્રાન્ચ ઓફિસ ખોલીને સખત મહેનત કરતો હતો. દેવાંશના બે વર્ષ પહેલાં શર્વરી સાથે લગ્ન થયાં હતાં. આજે એ હવે-
એ પછી દેવાંશના સતત ફોન આવતા હતા- એ રીમા અને આનંદને યુ.કે. બોલાવતો હતો- ડિલિવરી માટે. એ એવું કહેતો હતો કે ‘શર્વરીનું ચેકઅપ રેગ્યુલર ચાલે છે- કોઇ કોમ્પ્લીકેશન નથી પણ તમે લોકો અહીં મારી સાથે હો તો…’ પણ એ શક્ય ન હતું. આનંદ એની આઇ.ટી. કંપનીના એકસપાનન્શન માટે યુ.એસ. કલાઇટ સાથે ડિલિંગ કરતો હતો- આટલો બધો સમય તો એ યુ.કે. ન જઇ શકે તો પછી રીમા-
રીમા અગાઉ આનંદ સાથે યુ.કે.- યુ.એસ. પણ જઇ ચુકી છે. પણ અત્યારે એ એકલી જવા માટે ડરી રહી હતી.
આનંદ રીમાને સમજવાતો હતો.
પણ રીમા એકલી જવા માટે તૈયાર ન હતી. છેવટે આનંદે એની ઓફિસના કર્મચારી જાવેદને કંપનીનું કામ અને ફ્યુચર પ્લાન તૈયાર કરવા રીમા સાથે જવાનું ગોઠવ્યું. રીમા જાવેદ સાથે જવા માટે પણ મહામહેનતે તૈયાર થઇ.
આજે રીમા જાવેદ સાથે રાત્રે સાડાબારની ફલાઇટમાં યુ.કે. – લંડન જવા નીકળવાની હતી. ફલાઇટનો સમય ધીરેધીરે નજીક આવતો જતો હતો અને આનંદ હજુ ઘરે પણ પહોંચ્યો ન હતો.
રીમાની આંખો બંધ થઇ ગઇ.
રીમાને બંધ આંખોની આરપાર ધુંધળો ભવિષ્યકાળ નજીક આવતો દેખાતો હતો- અજાણ્યો- સાવ અજાણ્યો- રીમાને બંધ આંખોમાં આવનાર દિવસો દેખાઇ રહ્યા હતા.
અજાણ્યા દેશમાં બધી જ જવાબદારી ઉપાડવાની- એ પણ – આનંદની ગેરહાજરીમાં-… પણ દેવાંશ કહેતો હતો- ‘મમ્મી, તું કોઇ વાતની ચિંતા નહીં કરતી. અહીં બધું જ વેલ પ્લાન્ડ હોય છે- ફક્ત તારી હાજરી, એ પણ મારા માટે… તારી હાજરીની હૂંફ…’ ફોન પર આવું બધું બોલતો દેવાંશ… સાંભળીને રીમાને હસવું પણ આવી જતું બાપ બનતો દીકરો હવે કવિ બનતો જાય છે.
‘યેસ… રેડી?!’
આનંદનો અવાજ સાંભળીને રીમા ચમકી.
‘લ્યો… સાહેબ.. આવી ગયા? આપનો આભાર- ઘડિયાળમાં જુઓ.. કેટલા વાગ્યા છે?’
‘સાડા સાત થાય છે- તારી ફલાઇટને ઉપડવાની તો હજુ ઘણીવાર છે ને – ચિંતા શાની કરે છે? બસ, જાવેદ આવતો જ હશે- હી વિલ મેનેજ એવરીથિંગ- તને છેક દેવાંશના ઘર સુધી મૂકી જશે- ઓ.કે.?’ આનંદ હસ્યો.
રીમા ગંભીર હતી.
આનંદ રીમાની નજીક આવ્યો.
આનંદ રીમાની બાજુમાં બેસી ગયો.
રીમાને નજીક ખેંચી.
રીમાની આંખો ભીની થવા લાગી.
‘અરે! રીમા, તું રડે છે? જવું તો પડશે
જ ને?-
હા- દાદા-દાદી બનવું સહેલું નથી. આનંદ હળવો થવા લાગ્યો.
‘તને અત્યારે મજાક સૂઝે છે? આપણા લગ્નના તેંત્રીસ વર્ષમાં તું મારાથી આટલો લાંબો સમય જુદો પડ્યો છે? ક્યારે? આ રીતે આપણે પહેલી જ વાર…’ રીમા રડવા લાગી.
‘ઓહ! નો રીમા પ્લીઝ-’ આનંદે રીમાને વધુ નજીક ખેંચીને રીમાના ગાલ ઉપર હોઠ મૂકી દીધા.
‘શાની ચિંતા કરે છે તું? આનંદે કહ્યું.
રીમાએ ભીની આંખોથી આનંદ સામે જોયું. પછી ભીના અવાજે કહ્યું: ‘તું મારી ગેરહાજરીમાં બધું કેવી રીતે મેનેજ કરી શકીશ?’
‘બસ- આટલી જ ચિંતા છે ને? ડોન્ટ વરી- આઇવિલ મેનેજ – એવરીથિંગ-’ આનંદ હસ્યો.
રીમા ભીની આંખે આનંદને જોતી રહી.
પછી આનંદને ભેટી પડી.
ક્ષણ- વિસ્તરતી રહી.
આનંદથી છૂટી પડીને રીમાએ ભીના અવાજે કહ્યું- ‘મને મારી અંદર એક બીજી ચીજ સતત સતાવ્યા કરે છે-આનંદ…’
આનંદ રીમાને જોઇ રહ્યો-
એની આંખોની કિનાર પણ ભીની થવા લાગી.
‘આપણે જ્યારે – જે ક્ષણે દાદા-દાદી બનશું ત્યારે – તું મારાથી દૂર હશે એ મને ગમતું નથી… આનંદ…
રીમા રડી પડી.
આનંદ રડતી રીમાને જોઇ રહ્યો…
આનંદે રીમાના ગાલ પરથી સરકતી ભીનાશને લૂછી. અચાનક આનંદ ઊભો થયો. ‘ફરગેટ- ચાલ, હું જલદી જલદી ફ્રેશ થઇને આવું છું, પછી મને પેટ ભરીને જમાડી દે.. પછી આપણે, જાવેદ આવે એટલે ફલાઇટ પકડવા દોડીએ… ઓ… કે…?’ આનંદ હસ્યો-
મોડી રાતે આનંદ રીમાને મૂકીને ઘેર આવ્યો. એ તો ફલાઇટ ઉપડવાની હતી ત્યાં સુધી રોકાવવાનો હતો પણ રીમાએ બહુ જ આગ્રહ કરીને ઘેર જવા દીધો. આનંદે રીમાને દૂરથી કાચની આરપાર લાઉન્જમાં સોફા પર બેઠેલી જોઇ હતી… કદાચ રીમા ત્યારે રડતી હતી.
આનંદે ઘરમાં આજુબાજુ જોયું.
રીમા વિનાનું ઘર જાણે ખાવા દોડતું હતું.
જીવનમાં આવી ક્ષણ પહેલીવાર આવી હતી- રીમા વિનાની. અનાંદ રીમાને સતત સાથે જ રાખતો વચ્ચે વચ્ચે આનંદ ફલાઇટ ડિલિંગ માટે એક બિઝનેસ એક્સપાનસન માટે યુ.એસ. કે – યુ.કે. જતો ત્યારે રીમા તો સાથે જ રહેતી.. પણ આજે…
આનંદ બેડરૂમમાં આવ્યો.
બેડરૂમની બારી ખોલીને કાળાં સ્થિર આકાશને જોવા લાગ્યો- આવા જ કાળાં અને સ્થિર આકાશની સમાંતર રીમાની ફલાઇટ યુ.કે. તરફ ઉડશે…
આનંદને રીમા સાથે વાત કરવાની ઇચ્છા થઇ.
‘હલ્લો…::’ રીમાનો અવાજ.
આનંદ અંદરથી થડકી ગયો.
‘ફલાઇટમાં છો?’
‘ના ક્લીયરિંગમાં-ફલાઇટ મોડી લાગે છે- એવું મને જાવેદભાઇ કહેતા હતા- ડોન્ટ વરી- આવું તો ચાલ્યા કરે-’
રીમાનો અવાજ કટ થયો.
રીમાના અવાજ વિનાનો શૂન્યવકાશ બેડરૂમમાં ફેલાઇ ગયો.
બારીમાંથી આકાશ દેખાયું.
અચાનક આનંદને ઉષ્મા યાદ આવી. ઉષ્માનો હમણાં બે-ત્રણ દિવસથી ફોન નથી. ઉષ્મા…
આનંદ ફોન તરફ જોવા લાગ્યો.
ઉષ્મા સાથે વાત કરવાની ઇચ્છાને એણે રોકી.
વાત કરી શકાય ઉષ્મા સાથે-
ક્યાં હશે ઉષ્મા?
રીમાની ગેરહાજરીમાં ઉષ્માનો વિચાર-
આનંદને કંઇ સમજાતું ન હતું-
એ ફરી ફોન તરફ જોવા લાગ્યો-
ઉષ્મા…
ઉષ્મા આનંદની કંપનીમાં એચ.આર. હેડની જગ્યા માટે એપિયર થયેલી. સ્માર્ટ અને એક્સપિરિયન્સને કારણે એ સિલેક્ટ થયેલી. ત્યારે આનંદની કંપનીની શરૂઆત જ હતી. આનંદના મનમાં કંપનીની એડવાન્સ ફોર્મમાં મૂકવાની તિવ્ર ધગશ હતી. મનમાં સતત ગડમથલ ચાલ્યા કરતી. ઉષ્મા જાણે, આનંદના મનમાં ચાલતી ગડમથલની ભાષા-લિપિને જાણતી હોય એમ આનંદ સાથે ચર્ચા કરતી. પ્લાન તૈયાર કરી આપતી હતી. કંપનીનો નવો જ આકાર અને ચહેરો બહાર આવતો ગયો- આનંદ ઉષ્માથી પ્રભાવિત થયો. પરસ્પરના સન્માનની લાગણી કંઇક જુદું જ રૂપ લેતી હતી. ઉષ્માના પતિનું થોડા સમય પહેલાં અકસ્માતમાં અવસાન થયું હતું. પુત્રી હતી સલોની- સલોની લગ્ન કરીને યુ.એસ.- શિકાગો પતિ સાથે સેટલ થઇ હતી. ઉષ્મા, સલોનીની ડિલિવરી માટે હમણાં- યુ.એસ. શિકાગો હતી. લગભગ છ માસ થવા આવ્યા હતા- ઉષ્માના વિઝાની મુદત પૂરી થઇ ગઇ હતી અને વિઝાનો પ્રોબ્લેમ થયો હતો. અને આનંદને જાણ કરી હતી. આનંદે એમના મિત્રનો સંપર્ક કરાવીને વિઝાનો પ્રોબ્લેમ સોલ કરાવી આપેલો. હવે તો ઉષ્મા પરત થવી જોઇએ- શું થયું હશે? આનંદે ઉષ્માને ફોન જોડયો.
‘હાય.. આનંદ… તારો અત્યારે ફોન?!’
‘કેમ? ક્યાં છે તું?’
ઉષ્માએ ટેવ પ્રમાણે કહ્યું- ‘ત્યાં દિવસ છે કે રાત?’
‘ઓહ! નો, ઉષ્મા… નાઇટ-લેઇટ નાઇટ-બોલ, તું પાછી ક્યારે આવે છે?’
‘હું તને સરપ્રાઇઝ આપું છું- હું તારે પાસે આવવા નીકળી છું – આય મ ઇન ફલાઇટ… સવારે હું ત્યાં પહોંચીશ…’
‘વાહ! વ્હૉટ અ સરપ્રાઇઝ!’ તું તારે ઘેર જવાને બદલે, ઊતરીને સીધી મારે ઘેર આવજે- બિકોઝ- આય મ એલોન- આઇ નીડ યુ-’
‘ઓ. કે.-’ ઉષ્માનો અવાજ કટ ઘયો.
આનંદ આજુબાજુ જોવા લાગ્યો.
આનંદની ઊંઘથી ઘેરાતી આંખોમાં ઉષ્મા પધરાવવા લાગી.
ફોન-
આનંદે ઝબકીને જોયું-
રીમાનો ફોન-
‘આનંદ… જાગે છે? મારી ફલાઇટ કેન્સલ થઇ છે- બેડ ક્લાઇમેટને કારણે- હું ઘેર પાછી ફરું છું- ટિકિટ કેન્સેલેશનની વિધિ જાવેદભાઇએ પૂરી કરી લીધી છે- હું થોડીવારમાં ઘેર આવું છું- ચિંતા નહીં કરતો- જાવેદભાઇ સાથે
જ છે.
આનંદના કપાળ પર પરસેવો પથરાઇ ગયો.
આનંદ હથેળીમાં પડેલા ફોનને જોવા લાગ્યો.
આનંદે ઉષ્માને ફોન જોડ્યો.
ઉષ્મા ફોન ઉપાડતી ન હતી.
ઉષ્માની ફલાઇટ લેન્ડ તો નહીં થતી
હોય ને?