રશિયામાં હુમલા બાદ ફ્રાન્સમાં ઉચ્ચ સ્તરીય સુરક્ષા એલર્ટ પર

પેરિસઃ ફ્રાન્સની સરકારે રવિવારે રશિયન કોન્સર્ટ હોલમાં થયેલા ઘાતક હુમલા અને ઇસ્લામિક સ્ટેટ દ્વારા તેની જવાબદારી લીધા બાદ તેની સુરક્ષા ચેતવણીની સ્થિતિને ઉચ્ચતમ સ્તરે વધારી દીધી છે.
ફ્રાન્સના વડા પ્રધાન ગેબ્રિયલ અટ્ટલે એક્સ પર એક પોસ્ટમાં નિર્ણયની જાહેરાત કરતાં જણાવ્યું હતું કે સત્તાવાળાઓએ મોસ્કો હુમલાની જવાબદારીના ઇસ્લામિક સ્ટેટના દાવાને અને આપણા દેશ પરના જોખમને ધ્યાનમાં લીધું હતું. મોસ્કોના ઉપનગરમાં શુક્રવારે થયેલા હુમલામાં ૧૩૦થી વધુ લોકોના મોત થયા હતા.
ત્યારબાદ રાષ્ટ્રપતિ ઇમેન્યુઅલ મેક્રોને કટોકટી સુરક્ષા બેઠક યોજી હતી. બાદમાં આ જાહેરાત કરવામાં આવી હતી. આ હુમલાની જવાબદારી ઇસ્લામિક સ્ટેટ જૂથના સહયોગીએ લીધી હતી.
આપણ વાંચો: રશિયામાં આતંકી હુમલાથી પુતીન લાલઘુમ, દેશને સંબોધતા કહ્યું ‘હું શપથ લઉં છું કે….’
ફ્રાન્સમાં અવારનવાર ઇસ્લામિક સ્ટેટ દ્વારા હુમલાઓ કરવામાં આવ્યા છે. જેમાં ૨૦૧૫માં બટાક્લાન થિયેટર હત્યાકાંડનો સમાવેશ થાય છે. જેમાં ઉગ્રવાદીઓએ કોન્સર્ટમાં જનારાઓ પર ગોળીબાર કર્યો હતો અને કલાકો સુધી બંધક બનાવ્યા હતા. ફ્રેન્ચ સૈનિકોએ મધ્ય પૂર્વ અને આફ્રિકામાં ઇસ્લામિક ઉગ્રવાદીઓ સામે પણ લડત આપી છે.
આ વર્ષે પેરિસ ઓલિમ્પિક્સ અને પેરાલિમ્પિક્સ યોજાવાનું હોઇ ફ્રાન્સ પહેલેથી જ ઉચ્ચ સુરક્ષા એલર્ટ પર હતું. જેમાં લાખો મુલાકાતીઓ દેશમાં આવે તેવી અપેક્ષા છે. ૨૬ જુલાઇના ઉદ્દઘાટન સમારોહને લઇને સુરક્ષા ચિંતા વધુ ગંભીર બની રહી છે.