ઉત્સવ

નહીં કાને નહીં કોટે વાલ સોનું હોઠે

ઝબાન સંભાલ કે -હેન્રી શાસ્ત્રી

સુભાષિત એટલે રમણીય કે ડહાપણભરી ઉક્તિ, સારી રીતે કહેવામાં આવેલી વાત કે સૂક્તિ. એમાં આ લોક અને પરલોકના જીવન વિશે સુંદર વિચારો રહેલા હોય છે. તેમાં વ્યક્તિ, સમાજ અને રાજ્યની લાક્ષણિકતા પણ બતાવવામાં આવે છે. ક્યારેક તેમાં ચેતવણી પણ હોય છે. માનવપ્રકૃતિ, માનવસંબંધો, માનવજીવનની નીતિ વિશે પણ તેમાં માર્ગદર્શન હોય છે. ડહાપણભરી અનેક વાતો સૂત્ર રૂપે સુભાષિતમાં રજૂ થાય છે. પૃથ્વી સમું નહીં બેસણું, આભ સમું નહીં છત્ર, પ્રેમ સમી નહીં માધુરી, આપ સમો નહીં મિત્ર. આ સુભાષિતમાં પૃથ્વી, આભ અને પ્રેમના ઉદાહરણ દ્વારા આપબળનું મહત્ત્વ સમજાવવામાં આવ્યું છે. પૃથ્વી અને આભની વિશાળતા અને પ્રેમના માધુર્યનો મહિમા ગાવામાં આવ્યો છે. જગતમાં જન્મ તો અનેક લોકો લે છે અને અનેક વસ્તુ પેદા થાય છે, પણ એમાંની કોઈ વ્યક્તિ કે વસ્તુ અલગ કયા કારણસર તરી આવે છે એ આપ બળે એકલ ખૂણે, ધૂપ બધે પ્રસરત, જગમાં એવા જનમિયા, અગરબત્તી ને સંત સુભાષિતમાં સુપેરે પ્રગટ થયું છે. અગરબત્તી અને સંત, એક નિર્જીવ અને એક સજીવ, પણ બંનેના કાર્ય, વૃત્તિ સરખા. એકલપંડે કોઈ ખૂણામાં રહે, પણ આસપાસના વિસ્તારને પોતાની સુવાસથી કે પછી જ્ઞાનથી મઘમઘતો કરી નાખે. પરોપકારની આ ભાવના જલાવી જાતને ધૂપ, સુવાસિત બધું કરે, ઘસી જાતને સંતો, અન્યને સુખિયાં કરે દ્વારા સુધ્ધાં પ્રગટ થાય છે. જોકે, આજે એવો હળાહળ કળિયુગ ચાલી રહ્યો છે કે બની બેઠેલા સંતો અન્યોને દુખિયાં કરતા હોય એવું જોવા મળે છે. આ સમાજમાં અનેક લોકો એવા હોય છે જેમને માથે પડેલા દુ:ખ કે આવી પડેલી આપત્તિનું નિવારણ કરવાની કોશિશ કરવાને બદલે એના રોદણાં રડવા વધુ જરૂરી લાગતા હોય છે. જોકે, એવા વીરલા પણ હોય છે જે ફરિયાદ કે રોકકળ કર્યા વિના હૈયામાં બધું સંઘરી રાખે છે. તેમની પરેશાની, તેમની મુશ્કેલીની જાણ કેવળ તેમને હોય છે અને બીજા ભગવાન જેમનાથી કશું છૂપું નથી રહેતું. આ ભાવના હૈયા ભીતર દવ બળે, કોઈ ન જાણે સાર, કાં મન જાણે આપણું કાં જાણે કરતાર સુભાષિતમાં પ્રભાવીપણે વ્યક્ત થઈ છે. સુભાષિતની રચના કરતી વખતે કવિ ગાગરમાં સાગર ભરવા જેવું કાર્ય કરે છે.

એમાં કાવ્યતત્ત્વની ઉપસ્થિતિ પણ અપેક્ષિત હોય છે. જીવન જીવવાના પથ પ્રદર્શક સિદ્ધાન્તો તેમાં હોય છે. આમાં વ્યંગ્ય, કટાક્ષ ઉપરાંત જીવનને જોવાની એક આગવી દૃષ્ટિ પણ મળતી હોય છે. સંસ્કૃત સુભાષિતના ઉદાહરણથી આ વાત જાણીએ અને પામીએ. चिरं संश्रुणुयान्नित्यं जानीयात्क्षिप्रमेव च । विग्नाय प्रभजेदर्थान्न कामं प्रभजेत्क्वचित् ॥ જે વ્યક્તિ સામાની વાત લાંબા સમય સુધી સાંભળી શકે પછી તે વાતનો મર્મ કે મર્મના રહસ્યને પામી જઈ તે વાતનો સાર ગ્રહણ કરે અને પછી કરવા યોગ્ય કાર્ય કરે છે અને કાર્ય પાર પાડતી વખતે કે ત્યાર બાદ કોઈ લાલચમાં ન ફસાય તેવી વ્યક્તિ હંમેશા પોતાનું કાર્ય સિદ્ધ કરવામાં સફળ થાય છે. આને કહેવાય ગાગરમાં સાગર, બે પંક્તિમાં જીવનનો ઉત્તમ બોધ.

PRINCIPLE and PRINCIPAL  

શબ્દનું બંધારણ એટલે કે સ્પેલિંગ લગભગ સરખા, પણ અર્થમાં આસમાન – પાતાળ જેવો ફરક ધરાવતી શબ્દ સફર આજે આગળ ચલાવીએ. આ પ્રકારના શબ્દો જાણી લીધા પછી અને એનો અર્થ સમજી લીધા પછી બોલવામાં ભાંગરો નહીં વટાઈ જાય અને સમજવામાં ગફલત નહીં થાય. નહીંતર વહાલી (Dear) વ્યક્તિને ભૂલમાં હરણ (Deer)નું સંબોધન થઈ જાય. અલબત્ત તમને તમારા પ્રિય વ્યક્તિ હરણ કે હરણી જેવી ચપળ લાગતી હોય તો વાત જુદી છે. આજની પહેલી જોડી છે Altogether and All together. ધ્યાનથી જોશો તો ખ્યાલ આવશે કે પહેલા શબ્દના બધા અક્ષરો સાથે છે. Altogether એટલે પૂર્ણપણે. Altogether the bill was less than five thousand rupees. બધું મળીને બિલની રકમ પાંચ હજાર રૂપિયાથી ઓછી હતી. All together એટલે એક ઠેકાણે વસ્તુ કે લોકોનો સમૂહ. The players stood all together for the photograph. બધા ખેલાડીઓ ફોટો પાડવા સાથે ઊભા રહ્યા. હવે એક શબ્દ ત્રિદેવ નિહાળીને સમજીએ. Hair, Hare and Heir. લગભગ સરખા લાગતા આ શબ્દોના અર્થ ત્રણ છેડાના છે. Hair એટલે વાળ. Nilima has long and black hair. નીલિમાના વાળ લાંબા અને કાળા ભમ્મર છે. Hare એટલે સસલું. Do you remember the story of hare and tortoise? તમને સસલા અને કાચબાની વાર્તા યાદ છે? Heir (ઉચ્ચાર એર – એચ સાયલન્ટ છે) એટલે વારસદાર. Jigisha is the sole heir to the property. જિગીષા સંપત્તિની એકમાત્ર વારસદાર છે. સસલું, વાળ અને વારસદાર, છે કોઈ મેળ – સામ્ય? પણ સ્પેલિંગમાં થાપ ખાઈ જવાય એવું ગજબનાક સામ્ય. Principle and Principal જોડીમાં ફરક માત્ર છેલ્લા ત્રણ અક્ષરનો અને એ પણ નજીવો. અર્થમાં ગંજાવર અસમાનતા. Principle (પ્રિન્સિપલ) એટલે સિદ્ધાંત. My father is a man of principle. મારા પિતાશ્રી સિદ્ધાંતવાદી છે. Principal (પ્રિન્સિપલ, કેટલાક લોકો એનો ઉચ્ચાર પ્રિન્સિપાલ કરે છે જે ખોટો છે) એટલે શાળા કે કોલેજના ઉપરી. The school will appoint a new principal in the next academic year. આગામી શૈક્ષણિક વર્ષમાં શાળામાં નવા પ્રિન્સિપલની નિમણુંક કરવામાં આવશે. Lose and loose શબ્દોમાં માત્ર એક ઓ વધારે છે. Lose એટલે ખોવું, ગુમાવવું કે હારવું. Loose એટલે ઢીલું. If you lose the temper, you may loose the case. જો તમે પિત્તો ગુમાવશો તો કેસ હારી જશો.

सुंठीवाचून खोकला गेला

મરાઠીની કેટલીક કહેવતો એવી છે કે એની સમજણ આપતી વખતે શબ્દાર્થ જાળવી રાખવામાં આવે અને સાથે સાથે એનો ભાવાર્થ સમજાવી અર્થનું વિસ્તરણ કરવામાં આવે. सुंठीवाचून खोकला गेला એવી જ એક કહેવતનું ઉદાહરણ સમજીએ જેના પરથી વાત સ્પષ્ટ થઈ જશે. સૂંઠ એટલે સુકવેલું આદુ જેને આયુર્વેદ ગુણકારી ઔષધ માને છે. ખોકલા એટલે ઉધરસ. खोकला आला असतां सुंठ देतात. पण ती न देतांच खोकला जाणें म्हणजे परभारें पीडा टळणें. ઉધરસ આવે ત્યારે ઘરગથ્થુ ઉપચાર કે પછી દાદીમાનું વૈદું કહેવાય છે એમાં સૂંઠની ગોળીનું સેવન કરવાનું કહેવાય છે. જોકે, સૂંઠની ગોળી આપ્યા વિના જ ઉધરસ મટી જાય મતલબ કે પીડા પરબારી ગાયબ થઈ જાય એ આ કહેવતનો ભાવાર્થ છે. ટૂંકમાં ઉપચાર કર્યા વિના જ મુશ્કેલી દૂર થઈ જવી. आपोआप आपत्ति नाहींशी होणें. કોઈ પ્રયત્ન કે કોશિશ કર્યા વિના આપોઆપ આપત્તિ દૂર થઈ જાય એવી વાત છે. આ જ વાત શૂળીનું વિઘ્ન કાંટે જવું એ ગુજરાતી કહેવતમાં પણ સુપેરે પ્રગટ થાય છે. મોટા વિઘ્નની પીડા – તકલીફ થોડી પીડા સહન કરવાથી ટળી જાય એવો ભાવાર્થ છે. काही वेळा असंही म्हटलं जातं की हवी ती गोष्ट मिळालीच नाही म्हणून आहे त्यातच समाधान मानून घेतले. આ કહેવત તાત્વિક અર્થ પણ ધારણ કરે છે. ક્યારેક એવુંય બને કે ઈચ્છીત વસ્તુ મળે નહીં એ પરિસ્થિતિમાં જે પાસે હોય એનાથી જ સંતોષ માની લેવા જેવી વાત છે.

गुजराती कहावत हिंदी में

ગુજરાતી કહેવતો હિન્દીમાં પ્રગટે ત્યારે ક્યારેક સાવ અલગ સ્વરૂપ ધારણ કરે તો ક્યારેક અદલોઅદલ સ્વરૂપ જાળવી રાખે એવું પણ બને. અલબત્ત બંને સ્વરૂપમાં કહેવત દ્વારા જે ભાવાર્થ વ્યક્ત કરવાનો હોય તેને ઊની આંચ ન આવે એની ચોકસાઈ જળવાઈ રહેલી નજરે પડે છે.  પહેલું ઉદાહરણ છે ખોદ્યો પહાડ ને ને કાઢ્યો ઉંદર કે ખોદ્યો ડુંગર ને નીકળ્યો ઉંદર. અફવા દીપડાની ફેલાઈ હોય ને તપાસ કર્યા પછી બિલાડી નીકળે એવો ફિયાસ્કો થાય ત્યારે આ કહેવત વપરાય છે. આ કહેવત હિન્દીમાં જૈસી કી તૈસી નજરે પડી खोदा पहाड़, निकली चुहिया! સ્વરૂપ ધારણ કરે છે. વિનાશને નોતરું ભાવાર્થ ધરાવતી ગુજરાતી કહેવત ઘરને માથે ઘંઘોળિયું કર્યું હિન્દીમાં ईंट का घर मिट्टी का कर दिया બની જાય છે. ઘંઘોળિયું એટલે ધૂળધાણી, વિનાશ. હિન્દીમાં પણ એ જ ભાવાર્થ જળવાયો છે. ઘંટીના સો ને ઘંટાનો એક એટલે નાનાના ઘણા તે મોટાના એક બરાબર.સો દાડા સાસુના તો એક દાડો વહુનો કહેવતમાં પણ એ જ ભાવ છે. આ કહેવત હિન્દીમાં सौ सुनार की एक लुहार की બની જાય છે. ટૂંકમાં એકે હજારા જેવી વાત. ચોરનો ભાઈ ગંઠી ચોર કહેવતમાં સમાન વૃત્તિ ધરાવતી બે વ્યક્તિની વાત કરવામાં આવી છે. આરામ ફરમાવી રહેલા વટેમાર્ગુની ગાંઠે બાંધેલા પૈસા પણ સેરવી જાય એવા ચોરની વાત છે. આ કહેવત હિન્દીમાં जैसा साँपनाथ वैसा नागनाथ. સાપ હોય કે નાગ, બેય છેવટે ફૂંફાડા મારી કરડી ઝેર જ ઓકવાના ને. નામ બદલવાથી કૃતિ નથી બદલાઈ જતી.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
આ ભારતીય ક્રિકેટરો સંપૂર્ણ શાકાહારી છે એક દિવસમાં કેટલી રોટલી ખાવી જોઈએ, શું કહે છે નિષ્ણાતો? 48 કલાક બાદ સૂર્યગ્રહણ, આ રાશિના જાતકોનો શરૂ થશે ગોલ્ડન પીરિયડ વિશ્વયુદ્ધ થાય તો કયા દેશ હશે સુરક્ષિત