કોલકાતા: અહીં આઇપીએલમાં શનિવારના બીજા મુકાબલામાં યજમાન કોલકાતાએ હૈદરાબાદ સામે બૅટિંગ મળ્યા બાદ 51 રનમાં ચાર વિકેટ ગુમાવી દીધી હતી, પરંતુ ખાસ કરીને ચાર બૅટર્સે ટીમને મોટી મુસીબતમાંથી બચાવી લેવા ઉપરાંત એને 208/7નો મોટો સ્કોર પણ અપાવ્યો હતો. આન્દ્રે રસેલ (64 અણનમ, પચીસ બૉલ, સાત સિક્સર, ત્રણ ફોર)એ આઠમા નંબરે મોકલવામાં આવ્યા બાદ જોરદાર ફટકાબાજી કરીને ઈડનનું સ્ટેડિયમ ગજાવ્યું હતું.
રસેલની આ આતશબાજી પહેલાં રમણદીપ સિંહે (35 રન, 17 બૉલ, ચાર સિક્સર, એક ફોર) પૅટ કમિન્સના સુકાનમાં રમી રહેલી હૈદરાબાદની ટીમના બોલરોની ખબર લઈ નાખી હતી. રિન્કુ સિંહે (23 રન, 15 બૉલ, ત્રણ ફોર) પણ મહત્ત્વનું યોગદાન આપ્યું હતું. એ પહેલાં, ઓપનર ફિલ સૉલ્ટે (54 રન, 40 બૉલ, ત્રણ સિક્સર, ત્રણ ફોર)એ એક છેડો સાચવી રાખ્યો હતો અને છેક 14મી ઓવરમાં તેની છઠ્ઠી વિકેટ પડી હતી. કૅપ્ટન શ્રેયસ ઐયરને તેના ઝીરો પર ટી. નટરાજને કૅચઆઉટ કરાવ્યો હતો.
ફિલ સૉલ્ટને ડિસેમ્બરના ઑક્શનમાં એક પણ ફ્રૅન્ચાઇઝીએ નહોતો ખરીદ્યો, પરંતુ જેસન રૉયના સ્થાને તેને કોલકાતાના ફ્રૅન્ચાઇઝીએ ખરીદી લીધો હતો અને તેણે પહેલી જ મૅચમાં 38 બૉલમાં હાફ સેન્ચુરી કરીને પોતાની તાકાત બતાવી દીધી હતી.
હૈદરાબાદના બોલર્સમાં લેફ્ટ-આર્મ ફાસ્ટ બોલર ટી. નટરાજને ત્રણ તેમ જ લેગ-સ્પિનર મયંક માર્કન્ડેએ બે વિકેટ લીધી હતી, જ્યારે કૅપ્ટન પૅટ કમિન્સને એક વિકેટ મળી હતી. ભુવનેશ્ર્વર, યેન્સેન અને શાહબાઝને વિકેટ નહોતી મળી શકી.