હાર્દિક પંડ્યાની રવિવારે ત્રણ આકરી પરીક્ષા
અમદાવાદ: ગુજરાત ટાઇટન્સ (જીટી)ને એક વાર ચૅમ્પિયન અને એક વખત રનર-અપ બનાવીને હવે મુંબઈ ઇન્ડિયન્સ (એમઆઇ)ની ટીમના કૅપ્ટન બનેલા ઑલરાઉન્ડર હાર્દિક પંડ્યા માટે રવિવારે આઇપીએલમાં નવી મોટી કસોટી શરૂ થઈ રહી છે. 2022માં જીટીની ટીમે ડેબ્યૂ કર્યું હતું અને એમાં એને ટ્રોફી અપાવીને હાર્દિકે પહેલી જ સીઝનમાં પરીક્ષા પાસ કરી હતી અને હવે એણે પાંચ ટાઇટલ જીતી ચૂકેલી એમઆઇની પરંપરાને આગળ વધારવાની છે. રવિવારે એમઆઇ અને જીટી વચ્ચે મુકાબલો (સાંજે 7.30 વાગ્યાથી) છે.
ખરેખર તો હાર્દિકે આજથી એકસાથે ત્રણ પરીક્ષા આપવાની છે. એક, તેણે એમઆઇની કૅપ્ટન્સીને સફળતાપૂર્વક સંભાળવાની છે. બીજું, તે પગની ઘૂંટીની ઈજા બાદ ઘણા મહિનાઓ પછી પાછો રમવા આવ્યો છે એટલે ફિટનેસ જાળવવાની છે અને પોણાબે મહિનાની આઇપીએલમાં એક પછી એક મૅચમાં ક્ષમતા તથા કાબેલિયત પુરવાર કરવાની છે. ત્રીજું, તેણે પોતાનું ફૉર્મ પણ પાછું મેળવવાનું છે. તે બૅટિંગ ઉપરાંત બોલિંગ પણ અસરકારક કરી શકશે કે કેમ એ જોવું રહ્યું.
આપણ વાંચો: હાર્દિક પંડ્યા વિનાની ગુજરાત ટાઈટન્સની પ્લેઈંગ ઈલેવન આ પ્રમાણે હોઈ શકે
રવિવારે બીજી તરફ જીટીના નવા સુકાની શુભમન ગિલે બૅટિંગ ઉપરાંત કૅપ્ટન્સીની પરીક્ષામાંથી પણ પાર ઉતરવાનું છે. આ પરીક્ષા આજે તેના જ ભૂતપૂર્વ સાથી હાર્દિક પંડ્યા સામે આપવાની છે. ગિલને કૅપ્ટન્સીનો ભાગ્યે જ કંઈક અનુભવ છે. જોકે ટીમમાં જ તેને કૅપ્ટન્સીનો સારો અનુભવ ધરાવતા કેન વિલિયમસન તથા રાશીદ ખાનનો સપોર્ટ મળી રહેશે. વૃદ્ધિમાન સાહા, ડેવિડ મિલર, સાંઇ સુદર્શન, એમ. શાહરુખ ખાન, અઝમતુલ્લા ઓમરઝાઈ, રાહુલ તેવાટિયા, સ્પેન્સર જૉન્સન, ઉમેશ યાદવ, મોહિત શર્મા, નૂર અહમદ વગેરે ખેલાડીઓનો સારો સાથ પણ મળી શકશે.
મુંબઈને ઈજાગ્રસ્ત સૂર્યકુમાર યાદવની શરૂઆતમાં મદદ નહીં મળે, પરંતુ આ મજબૂત ટીમમાં બીજા અનેક સ્ટાર ખેલાડીઓ છે જેમાં રોહિત શર્મા, ઇશાન કિશન, તિલક વર્મા, નેહલ વઢેરા, ટિમ ડેવિડ, ડેવાલ્ડ બ્રેવિસ, જસપ્રીત બુમરાહ, પીયૂષ ચાવલા, મોહમ્મદ નબી, રોમારિયો શેફર્ડ, શમ્સ મુલાણી, જેરાલ્ડ કૉએટ્ઝી, આકાશ મઢવાલ, ક્વેના મફાકા, અર્જુન તેન્ડુલકર, નુવાન થુસારા, કુમાર કાર્તિકેય વગેરે સામેલ છે.
મુંબઈ અને ગુજરાતની ટીમ એકમેક સામે કુલ ચાર મૅચ રમી છે જેમાંથી બન્નેએ બે-બે મૅચમાં જીત મેળવી છે એટલે આજે નવો હિસાબ શરૂ થશે.