કોહલીએ જાડેજાને કહ્યું, ‘અબે, સાંસ તો લેને દો ઉસકો’
ચેન્નઈ: ચેન્નઈની ટીમના કૅપ્ટનપદે મહેન્દ્રસિંહ ધોનીના અનુગામી બનેલા ઋતુરાજ ગાયકવાડે કૅપ્ટન તરીકેના પહેલા જ મુકાબલામાં વિજયી શ્રીગણેશ કર્યા, જ્યારે બે મહિને પાછા રમવા આવેલા વિરાટ કોહલીએ ટી-20 ફૉર્મેટમાં 12,000 રનની મહાન સિદ્ધિ મેળવ્યા પછી પણ ગાઢ મિત્ર ફૅફ ડુ પ્લેસીના સુકાનમાં પરાજય જોવો પડ્યો. જોકે આ મુકાબલા દરમ્યાન એક તબક્કે કોહલી અને હરીફ ટીમના ઑલરાઉન્ડર રવીન્દ્ર જાડેજા વચ્ચે હળવી મજાકમસ્તી થઈ હતી.
એકંદરે બન્ને ટીમની બૅટિંગ સરખી હતી, પણ ચેન્નઈ સામે બેન્ગલૂરુની બોલિંગ નબળી સાબિત થઈ હતી. બેન્ગલૂરુ વતી બોલિંગ કરનાર સાત બોલર્સમાંથી કૅમેરન ગ્રીનને બે વિકેટ તેમ જ કર્ણ શર્માને અને યશ દયાલને એક-એક વિકેટ મળી હતી. મોહમ્મદ સિરાજ, અલ્ઝારી જોસેફ, મયંક ડાગર અને ગ્લેન મૅક્સવેલ વિકેટ વિનાના રહી ગયા હતા. લેજન્ડરી કૅપ્ટન ધોનીના માર્ગદર્શનમાં ગાયકવાડની કૅપ્ટન્સીમાં ચેન્નઈએ મોટા ભાગે આખી મૅચ દરમ્યાન બેન્ગલૂરુની ટીમ પર પ્રભુત્વ જમાવી રાખ્યું હતું અને આઠ બૉલ બાકી રાખીને છ વિકેટના માર્જિનથી વિજય મેળવ્યો હતો.
બેન્ગલૂરુની ટીમ માટે આ મૅચ દરમ્યાન માત્ર અનુજ રાવત અને દિનેશ કાર્તિક વચ્ચેની 95 રનની બનેલી પાર્ટનરશિપનો (57 બૉલનો) સમયગાળો હરખાવા જેવો હતો. એ પહેલાં, બેન્ગલૂરુએ ટૉપ અને મિડલ-ઑર્ડર ગુમાવ્યો એ અગાઉ એક ઓવર દરમ્યાન કોહલી અને જાડેજા વચ્ચે હળવી ગુફ્તગૂ થઈ હતી.
કોહલી બે મહિને પાછો રમવા આવ્યો છે અને તે નૉન-સ્ટ્રાઇક એન્ડ પર ઊભો હતો. જાડેજા પોતાની ઓવર દરમ્યાન એક બૉલ ફેંક્યા પછી તરત જ પોતાના બોલિંગ-માર્ક પર પાછો આવીને ઝડપથી બીજો બૉલ ફેંકવા તૈયાર થઈ જતો હોય છે. એ રીતે તે બહુ ઝડપથી ઓવર પૂરી કરી લેતો હોય છે. કૅમેરન ગ્રીનને એક બૉલ ફેંક્યા બાદ જાડેજા રન-અપ પર પાછો ગયા પછી તરત જ બીજો બૉલ ફેંકવા તૈયાર થઈ ગયો હતો, પરંતુ કૅમેરન ગ્રીન હજી તૈયાર નહોતો. ત્યારે કોહલીએ જાડેજાને મજાકમાં કહ્યું, ‘અબે, સાંસ તો લેને દો ઉસકો.’
આપણ વાંચો: IPL 2024: 10 યુવાનોમાંથી કોણ-કોણ આકર્ષણ જમાવશે?
આ સાંભળીને જાડેજા અને આસપાસના ખેલાડીઓ હસી પડ્યા હતા.
કોહલીએ છઠ્ઠો રન બનાવ્યો ત્યારે ટી-20 ફૉર્મેટમાં તેના 12,000 રન પૂરા થયા હતા. આ ફૉર્મેટમાં 12,000 રન બનાવનારો તે ભારતનો પ્રથમ અને વિશ્ર્વનો છઠ્ઠો ખેલાડી બન્યો હતો. ક્રિસ ગેઇલ આ લિસ્ટમાં 14,562 રન સાથે મોખરે છે. શોએબ મલિકના 13,360, કીરૉન પોલાર્ડના 12,900, ઍલેક્સ હેલ્સના 12,319, ડેવિડ વૉર્નરના 12,094 રન છે.
કોહલીએ શુક્રવારે 20 બૉલમાં 21 રન બનાવ્યા હતા. મિડલ-ઑર્ડરમાં ઉપરાઉપરી વિકેટો પડતાં કોહલી માટે રનમશીન ઝડપી બનાવવાની જવાબદારી આવી ગઈ હતી, પરંતુ મુસ્તફિઝુર રહમાનના એક બૉલમાં પુલ-શૉટમાં તે ડીપ મિડવિકેટ પર રવીન્દ્રને કૅચ આપી બેઠો હતો.