મુંબ્રાની બિલ્ડિંગમાં લાગેલી આગમાં ૩૫૦ રહેવાસીઓને બચાવાયા
(અમારા પ્રતિનિધિ તરફથી)
થાણે: થાણે જિલ્લાના મુંબ્રામાં આવેલી ગ્રાઉન્ડ પ્લસ પાંચ માળની ઈમારતમાં ગુરુવારે મધરાત બાદ લાગેલી આગમાં ફસાઈ ગયેલા ૩૫૦ રહેવાસીઓને હેમખેમ બચાવી લેવામાં સફળતા મળી છે.
થાણે ડિઝાસ્ટર કંટ્રોલના જણાવ્યા મુજબ થાણે જિલ્લાના મુંબ્રામાં શિવાજી નગરમાં ગ્રાઉન્ડ પ્લસ પાંચ માળની અમન હાઈટ્સ નામની ઈમારત આવેલી છે. ગુરુવારે મધરાત બાદ ૧.૪૨ વાગે ગ્રાઉન્ડ ફ્લોરમાં આવેલા મીટર બોક્સમાં અચાનક આગ ફાટી નીકળી હતી.
આપણ વાંચો: થાણે જિલ્લામાં આશ્રમ શાળામાં ૧૦૯ વિદ્યાર્થીઓને ફૂડ પોઈઝન
આગની જાણ થતા ઘટના સ્થળે ફાયરબ્રિગેડ, પોલીસ સહિત પાવર કંપનીના કર્મચારીઓ પહોંચી ગયા હતા અને બચાવ કામગીરી હાથ ધરી હતી. મોડી રાતે આગ લાગી હોવાથી મોટાભાગના રહેવાસીઓ ભરઊંઘમાં હતા.
થાણે ડિઝાસ્ટર કંટ્રોલના અધિકારીના જણાવ્યા મુજબ આગ ગ્રાઉન્ડ ફ્લોરમાં આવેલા મીટર બોક્સમાં લાગી હતી. આગમાં મીટર બોક્સમાં રહેલા તમામ ૧૦૯ મીટર અને ઈલેક્ટ્રિક વાયરિંગ બળીને ખાખ થઈ ગયા હતા. આગ લાગ્યા બાદ મોટા પ્રમાણમાં ધુમાડો નીકળ્યો હતો અને તે ઈમારતમાં ઉપર સુધી ફેલાઈ ગયો હતો, તેને કારણે ઉપરના માળા પર રહેતા ૩૫૦થી વધુ રહેવાસીઓ ઉપર જ ફસાઈ ગયા હતા. જોકે ફાયરબ્રિગેડે સમયસૂચકતા વાપરીને તમામ રહેવાસીઓને સુરક્ષિત રીતે બહાર કાઢ્યા હતા.
આગ પર લગભગ ૨.૩૦ વાગે નિયંત્રણ મેળવવામાં સફળતા મળી હતી. આ દરમિયાન ઈમારતના રહેવાસીઓને તાત્પૂરતા સમય માટે અન્ય સ્થળે વ્યવસ્થા કરવામાં આવી હતી. ઈમારતમાં વીજ પુરવઠો પૂર્વવત થવામાં સમય લાગશે. આગનું ચોક્કસ કારણ જાણી શકાયું નહોતું. પરંતુ પ્રાથમિક તપાસમાં શોર્ટ સર્કિટને કારણે આગ લાગી હોવાનું માનવામાં આવે છે.