Budaun Case: સાજીદના ભાઈએ આપેલું હત્યાનું કારણ ગળે ઉતરે તેવું નથી
બદાયુંઃ ઉત્તર પ્રદેશના બદાયુંમાં માં બે ભાઈઓ આયુષ (13) અને અહાન (6)ની હત્યાના આરોપી અને એન્કાઉન્ટરમાં માર્યા ગયેલા સાજિદના ભાઈ જાવેદે બુધવારે રાત્રે બરેલીમાં નાટકીય રીતે આત્મસમર્પણ કર્યું હતું. સરેન્ડર કરવાના ઇરાદે સેટેલાઇટ બસ સ્ટેન્ડ ચોકી પર પહોંચેલા જાવેદે ઓટોમાં બેઠેલા મુસાફરોને ડબલ મર્ડર વિશે જણાવ્યું અને પોતાનું નામ અને સરનામું આપ્યું હોવાનું માહિતી મળી હતી. જાવેદે ભાઈ સાજિદને માનસિક રીતે બીમાર કહ્યો હતો, પણ હત્યા માટે તેણે આપેલા કારણો સાચા લાગતા નથી.
મુસાફરોએ આ કબૂલાતનો વીડિયો પણ બનાવ્યો હતો, જેમાં જાવેદે પોતાને નિર્દોષ જાહેર કર્યો હતો. પોલીસ ચોકીને સોંપ્યા બાદ બદાયું પોલીસ તેને સાથે લઈ ગઈ હતી. સેટેલાઇટ બસ સ્ટેન્ડ પાસે ઓટોમાં લોકોની વચ્ચે બેઠેલા જાવેદનો આ વીડિયો પણ વાયરલ થયો છે. જેમાં જાવેદ કહી રહ્યો છે કે તે ડબલ મર્ડર કેસના આરોપી સાજિદનો ભાઈ જાવેદ છે.
આપણ વાંચો: Budaun Double Murder: બાળકોને છત પર બોલાવ્યા, કુહાડીથી હત્યા કરી…બદાયું હત્યાકાંડની ચોંકાવનારી કહાની
આના પુરાવા તરીકે જાવેદે પોતાનું આધાર કાર્ડ પણ લોકોને બતાવ્યું. જાવેદે લોકોને જણાવ્યું કે જ્યારે સાજિદે આ ઘટનાને અંજામ આપ્યો ત્યારે તે પોતાના ઘરે હતો. તેને આ ઘટનાની જાણ નહોતી. ઘણા લોકોએ તેને ફોન કરીને કહ્યું કે તારા ભાઈએ બે બાળકોની હત્યા કરી છે.
જાવેદે કહ્યું કે તેનો મોબાઈલ ફોન સાક્ષી આપશે કે તે સમયે તે ક્યાં હતો. જ્યારે ટોળું તેના હેર સલૂનને સળગાવી રહ્યું હતું ત્યારે તે બદાયું પહોંચ્યો હતો. તેણે જોયું કે લોકો ખૂબ ગુસ્સે છે. ટોળું તેના પર પણ હુમલો કરી શકે છે, તેથી તે પોતાનો જીવ બચાવવા દિલ્હી ભાગવા નીકળી ગયો હતો.
બે દિવસ દિલ્હીમાં અહીં-ત્યાં ભટકતો રહ્યો. જ્યારે તેને ખબર પડી કે સાજિદને પોલીસે એન્કાઉન્ટરમાં માર્યો છે, ત્યારે તે આત્મસમર્પણ કરવા બરેલી આવ્યો હતો. જાવેદનું કહેવું છે કે જેની સાથે આ ઘટના બની છે તેનો તે પરિચિત પરિવાર છે. ઘરેલું સંબંધો છે. સાજીદે આવું કેમ કર્યું તે સમજાતું નથી, પણ હું નિર્દોષ છું તેમ પણ તેણે વીડીયોમાં કહ્યું હતું.
જોકે જાવેદે હત્યાનું આપેલું કારણ ગળે ઉતરે તેવું નથી. શરણાગતિ બાદ પોલીસ કસ્ટડીમાં રહેલા જાવેદે કહ્યું કે સાજીદ માનસિક રીતે બીમાર હતો અને બાળકોને નફરત કરતો હતો. તેથી જ તેણે આયુષ અને અહાનને મારી નાખ્યા. બે બાળકોના મૃત્યુ બાદ સાજીદની માનસિક સ્થિતિ બગડી ગઈ હતી.
એસએસપી આલોક પ્રિયદર્શીના જણાવ્યા અનુસાર, પોલીસ પૂછપરછ દરમિયાન જાવેદે જણાવ્યું કે મોટો ભાઈ સાજિદ સંતાન ન થવાને કારણે માનસિક રીતે પરેશાન હતો. તે બાળકોને ધિક્કારતો હતો અને કેટલીકવાર તેમને જોઈને ગુસ્સે થતો હતો.
આપણ વાંચો: Budau Double murder: શું છે બે માસુમ બાળકોની હત્યા પાછળનું કારણ?
ઘટના પહેલા સાજીદે છરી ખરીદી હોવાનું પણ જાવેદે કહ્યું હતું. હત્યા સમયે જાવેદ મૃતક બાળકોના પિતા વિનોદના ઘરની બહાર ઊભો હતો અને સાજીદ ઘરે જઈને બાળકોની હત્યા કરી આવ્યો. બહાર નીકળ્યો ત્યારે તે લોહીથી લથપથ આવ્યો, ત્યારે વિનોદના પરિવારના સભ્યોએ ચીસાચીસ કરી ત્યારે જાવેદ બાઈક લઈને ભાગી ગયો અને દિલ્હી જવા રવાના થઈ ગયો. માત્ર માનસિક બીમારીને લીધે આ રીતે કોઈ બે છોકરાની હત્યા કરી નાખે તે વાત માન્યામાં આવે તેમ નથી.
પોલીસ તપાસમાં વધુ બહાર આવે તો હત્યાનું ખરું કારણ જાણવા મળે. જોકે કારણ ગમે તે હોય એક પરિવારે બે માસૂમોને આ રીતે ખોયા છે તે દુઃખ તેમના માટે કેટલું અસહ્ય છે તે વિચાર પણ કંપાવી દે તેવો છે.