આઇપીએલના પહેલા આદિવાસી ક્રિકેટરે 3.60 કરોડનો કૉન્ટ્રૅક્ટ ગુમાવ્યો
અમદાવાદ: પૈસા ભાગ્યમાં હોય તો મળે અને નસીબ સારું ન હોય તો હાથમાં આવી રહેલા પૈસા પણ છીનવાઈ જાય.
ઝારખંડના ગુમલા જિલ્લાના શિમાલ ગામના 21 વર્ષના રૉબિન મિન્ઝ નામના લેફ્ટ-હૅન્ડ બૅટર અને વિકેટકીપર તેમ જ લેફ્ટ-આર્મ સ્પિનરની જ વાત કરીએ. ડિસેમ્બર, 2023માં ગુજરાત ટાઇટન્સે રસાકસી બાદ તેને મોટી રકમમાં ખરીદી લીધો ત્યારે તે દુનિયાભરના અખબારોમાં, વેબસાઇટો પર અને મીડિયામાં ચમકી ગયો હતો.
એ પહેલાં ભાગ્યે જ કોઈએ તેનું નામ સાંભળ્યું હશે. ગુજરાત જેવી ટોચની ટીમ જેને 20 લાખ રૂપિયાની મૂળ કિંમત સામે 3.60 કરોડ રૂપિયામાં ખરીદે તો એ ખેલાડીની કિસ્મત ખૂલી જ ગઈ કહેવાય. રૉબિનનું ભાગ્ય ઑક્શનમાં ગુજરાતનો કૉન્ટ્રૅકટ મળતાં જ ચમકવા લાગ્યું હતું. તેના પરિવારમાં અને આખા ગામમાં રૉબિનની આ સિદ્ધિ બદલ દિવસો સુધી ઉજવણી થઈ હતી. સૌથી મોટું કારણ એ હતું કે રૉબિન આઇપીએલના ફ્રૅન્ચાઇઝી દ્વારા ખરીદવામાં આવેલો પહેલો જ આદિવાસી ખેલાડી છે.
આપણ વાંચો: આઇપીએલના ટાઇટલ માટે કોણ ફેવરિટ?
‘ઝારખંડના ક્રિસ ગેઇલ’ અને ‘ભવિષ્યના ધોની’ તરીકે જેની ગણના પણ થતી હોય એવા ખેલાડીએ સ્વાભાવિક છે કે પોતાની કાબેલિયત અને ક્ષમતા પુરવાર કરવા પાકી તૈયારી કરી લીધી હશે. જોકે માર્ચ મહિનાની શરૂઆતમાં તે બાઇક અકસ્માતનો શિકાર થયો અને ત્યારથી તેના ભાગ્યમાં પલટો આવી ગયો. તેની કાવાસાકી સુપરબાઇક બીજી બાઇક સાથે ટકરાતાં તેણે સમતોલપણું ગુમાવ્યું હતું અને ઘાયલ થયો હતો.
તેના પિતા ફ્રાન્સિસ ભૂતપૂર્વ લશ્કરી જવાન છે અને થોડા સમયથી ઍરપોર્ટ પર સલામતી અધિકારી તરીકેની નોકરી કરે છે. તેમણે તો પત્રકારોને કહ્યું હતું કે રૉબિનને ખાસ કંઈ નથી વાગ્યું અને તે જલદી સાજો થઈ જશે. જોકે રૉબિનને 2024ની આઇપીએલની બહાર થઈ ગયેલો જાહેર કરવામાં આવ્યો છે. હરાજીમાં તેને મહામહેનતે ખરીદનાર ગુજરાત ટાઇટન્સના ટીમ-મૅનેજમેન્ટે પ્લેયર-સિલેક્શનની બાબતમાં કોઈ જોખમ ઉઠાવવા નથી માગતું અને એટલે જ એણે રૉબિન મિન્ઝને બાજુ પર રાખીને કર્ણાટકના વિકેટકીપર-બૅટર બી. આર. શરથને ટીમમાં સમાવ્યો છે.
આપણ વાંચો: આઇપીએલ-2024ના કૅપ્ટનો શો-ટાઇમ માટે તૈયાર
દેખીતું છે કે રૉબિન એકેય મૅચ રમ્યો હોવાની વાત તો દૂર રહી, તેણે હજી ગુજરાતની ટીમ સાથે કૅમ્પમાં પ્રૅક્ટિસ શરૂ નહોતી કરી એટલે તેણે મસમોટા કૉન્ટ્રૅક્ટ-મનીને ભૂલી જવા પડશે. હજી ઘણો યુવાન છે એટલે તેનું ભાવિ તો ઉજળું જ કહેવાય, પણ આઇપીએલમાં તેની શરૂઆત થતાં-થતાં રહી ગઈ.
27 વર્ષનો બી. આર. શરથ કર્ણાટક વતી 90 જેટલી મૅચ રમ્યો છે. ગુજરાતના ફ્રૅન્ચાઇઝીએ તેને 20 લાખ રૂપિયાની બેઝ પ્રાઇઝમાં ખરીદ્યો છે.