નવી દિલ્હીઃ વારંવાર ઈડી દ્વારા મોકલાવવામાં આવતા સમન્સ બાદ પણ સતત ગેરહાજર રહેતા દિલ્હીના મુખ્ય પ્રધાન અરવિંદ કેજરીવાલને દિલ્હી હાઈ કોર્ટે મોટો ઝટકો આપતા તેમની અરજી ફગાવી હતી.
મળી રહેલી માહિતી પ્રમાણે ગુરુવારે દિલ્હી હાઈકોર્ટે જણાવ્યું હતું કે, સીએમ કેજરીવાલને ધરપકડમાંથી બિલકુલ રાહત નહીં આપવામાં આવે. ઈડી દ્વારા મોકલાવવામાં આવેલા વારંવારના સમન્સ બાદ પણ કેજરીવાલ પૂછપરછ માટે હાજર થતાં નહોતા અને તેમણે એ વાતની ખાતરી માગી હતી કે જો તેઓ પૂછપરછ માટે જાય તો તેમની ધરપકડ કરવામાં ન આવે. આ બાબતે કોર્ટે કહ્યું હતું કે સમન્સના જવાબમાં કેજરીવાલે ઈડી સમક્ષ હાજર થવું પડશે, પરંતું તેમની ધરપકડ પર કોઈ પણ પ્રકારની રોક લગાવવામાં આવશે નહીં.
ઈડીના સમન્સના મામલામાં દિલ્હીના મુખ્ય પ્રધાન અરવિંદ કેજરીવાલ વિરુદ્ધ દિલ્હી હાઈ કોર્ટે ઈડી પાસે પુરાવા માગ્યા હતા અને ઈડીના અધિકારીઓ પુરાવા લઈને જજના ચેમ્બરમાં પહોંચ્યા હતા.
આપણ વાંચો: હું ED સમક્ષ હાજર તો થઈશ પણ…’ અરવિંદ કેજરીવાલે દિલ્હી હાઇકોર્ટમાં કરી અરજી, આજે સુનાવણી
કેજરીવાલના વકીલ અભિષેક મનુ સિંઘવીએ જણાવ્યું હતું કે સીએમ કેજરીવાલ ઈડી સમક્ષ પુછતાછ માટે આવશે, પણ કોર્ટમાં ઈડી ખાતરી આપે કે તેમની વિરુદ્ધ કોઈ દંડાત્મક પગલા લેવામાં ના આવે. તેમણે કોર્ટની પ્રક્રિયા પર સવાલ ઉઠ્યો હતો કે, સમન્સની સુનાવણી યોગ્ય છે કે નહીં. જેના જવાબમાં ઈડીએ કહ્યું હતું કે સુનાવણી યોગ્ય છે કે નહીં એ વાત પર 22મી એપ્રિલે સુનાવણી થશે.
કોર્ટે ઈડીને પૂછ્યું હતું કે તમે સમન્સ પર સમન્સ મોકલી રહ્યા છો, તમે ધરપકડ કેમ નથી કરતા? તમને કોણ રોકી રહ્યું છે? તેના પર જવાબ આપતા ઈડીના વકીલ એએસજી એસવી રાજૂએ કહ્યું કે, તેમને ખબર નથી કોણે કહી દીધું કે કેજરીવાલને તેમની ધરપકડ માટે બોલાવી રહ્યા છે. અમારે તો પુછતાછ કરવી છે.
આપણ વાંચો: લીકર કેસઃ દિલ્હીના મુખ્ય પ્રધાન અરવિંદ કેજરીવાલને ઈડીએ પાઠવ્યું આઠમું સમન્સ
ઈડીએ કહ્યું કે અમારી પાસે તો સમન્સ પાઠવવાનો અધિકાર છે. તેમણે અમારા સમન્સ પર સામેથી આવીને સવાલોના જવાબ આપી સહયોગ આપવો જોઈએ. રાજૂએ કહ્યું કે કેજરીવાલ પાછળના કેટલાક આદેશોનો હવાલો આપીને ગેરેન્ટી ઈચ્છે છે.
કેજરીવાલના વકીલ સિંઘવીએ કહ્યું કે, તેઓ પહેલા પણ ઘણી વખત કોર્ટમાં હાજર રહી ચૂક્યા છે. બાદમાં કેજરીવાલ તરફથી સવાલ કરાયો કે શું તેઓ વરિષ્ઠ જજોની ખંડપીઠ સામે અપીલ નહીં કરી શકતા કે તેમના વિરુદ્ધ દંડાત્મક કાર્યવાહી ન કરવામાં આવે.
તેમણે કહ્યું કે આ આશ્વાસન પછી હાજર થવામાં તેમને પણ કોઈ આપત્તિ નથી. સિંઘવીએ કેટલીક અદાલતોના જુના આદેશોના હવાલા આપ્યા, જેમાં આરોપીઓ અથવા ઈચ્છુકોને કોઈ પણ પ્રકારની દંડાત્મક કાર્યવાહીથી અભયદાન આપવામાં આવ્યું છે.