રાજ ઠાકરેને એક પણ લોકસભા સીટ નથી આપવામાં આવી તો પછી MNS અને BJPમાં શું ડીલ થઈ?
મુંબઇઃ છેલ્લા કેટલાક દિવસોથી મહારાષ્ટ્રના રાજકારણમાં મહારાષ્ટ્ર નવનિર્માણ સેનાની ઘણી ચર્ચા થઈ રહી છે. અગાઉ એવી અટકળો લગાવવામાં આવી રહી હતી કે જો ભાજપ અને રાજ ઠાકરેની પાર્ટી મહારાષ્ટ્ર નવનિર્માણ સેના (MNS-મનસે) વચ્ચે ગઠબંધન પર મહોર લાગી જાય છે તો મનસેને લોકસભાની ચૂંટણીમાં મુંબઈની એકાદ સીટ આપવામાં આવી શકે છે. આ સંબંધમાં રાજ ઠાકરે હાલમાં નવી દિલ્હીમાં આંટો પણ મારી આવ્યા છે. તેમણે કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહ સાથે મુલાકાત કરી હતી.
એવા સંકેતો મળતા હતા કે રાજ ઠાકરે એનડીએમાં સામેલ થઈ જશે અને લોકસભાની ચૂંટણી લડશે, પરંતુ હવે એમ જાણવા મળી રહ્યું છે કે ભાજપ લોકસભાની ચૂંટણીમાં રાજ ઠાકરેને એક પણ બેઠક નહીં આપે. હવે સવાલ એ ઉભો થઇ રહ્યો છે કે ભાજપ અને રાજ ઠાકરે વચ્ચે શું ડીલ થઈ રહી છે? એવા સંકેતો મળ્યા છે કે આગામી મહારાષ્ટ્ર વિધાનસભાની અને બીએમસીની ચૂંટણીમાં મનસેને યોગ્ય બેઠક આપવાનું વચન આપવામાં આવ્યું છે. એના બદલામાં રાજ ઠાકરેએ લોકસભાની ચૂંટણી દરમિયાન એનડીએ તરફથી પ્રચાર કરવો પડશે અને મરાઠી મત બેંકને એનડીએ તરફ વાળવી પડશે.
રાજ ઠાકરે એક કુશળ વક્તા છે. તેમણે 2006 માં શિવસેનાથી અલગ થઈને તેમના નવા પક્ષ મહારાષ્ટ્રના નવનિર્માણ સેનાની સ્થાપના કરી હતી. અગાઉ એવી ચર્ચા કરવામાં આવતી હતી કે ભાજપ અને મનસે વચ્ચે જો ગઠબંધન થાય છે તો તેમને લોકસભાની ચૂંટણી લડવા માટે મુંબઈમાંથી સીટ આપવામાં આવી શકે છે.
મહારાષ્ટ્રના નાયબ મુખ્યપ્રધાન દેવેન્દ્ર ફડણવીસે જણાવ્યું હતું કે કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહ અને મનસેના વડા રાજ ઠાકરે વચ્ચે સકારાત્મક વાતચીત થઈ છે. અને થોડા સમયમાં જ પરિસ્થિતિ સ્પષ્ટ થઈ જશે. જો કે, તેમણે આ અંગે વધુ ટીપ્પણી કરવાની ના પાડી દીધી હતી અને જણાવ્યું હતું કે થોડા દિવસોમાં જ ચિત્ર સ્પષ્ટ થશે.