ચંદ્રબાબુ નાયડુની ધરપકડના સમાચારને લઈ આટલા લોકોએ ગુમાવ્યાં જીવ
અમરાવતી: ભ્રષ્ટાચારના આરોપસર ટીડીપીના નેતા અને ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન ચંદ્રબાબુ નાયડુની ધરપકડના સમાચાર બાદ આંધ્ર પ્રદેશમાં તેમના ઘણા બધા ચાહકોએ જીવ ગુમાવ્યાં હતા. તેમના પ્રિય નેતાની ધરપકડની ખબર મળતા જ કેટલાક ચાહકોએ આત્મહત્યા કરી હતી. તો કેટલાકને તો જેવા આ સમાચાર જાણવા મળ્યા એ જ વખતે હાર્ટ એટેકથી ઢળી પડ્યા હતા. અત્યાર સુધીમાં ચંદ્રબાબુ નાયડુની ધરપકડ બાદ આંધ્રપ્રદેશમાં અત્યાર સુધીમાં સાત લોકોના મોત થયાં છે.
ઉલવાપાડુ મંડલના કરેડુ પંચાયતના ટેન્કાયચેતલાપાલેમ ગામના વાયુલા સુંદર રાવ (28)એ આજે સવારે આત્મહત્યા કરી લીધી હતી. તેમના પરિવારના સભ્યોએ જણાવ્યું હતું કે વિરોધ કાર્યક્રમમાં ભાગ લીધા બાદ અને પોતાના વતન ગામ પરત ફર્યા બાદ સુંદર રાવ ગ્રામજનો સાથે ચંદ્રાબાબુના મુદ્દા પર ચર્ચા કરતી વખતે ગુસ્સે થઈ ગયા હતા અને તેમણે રવિવારે સવારે પોતાના જ ઘરમાં ગળેફાંસો ખાઈ આત્મહત્યા કરી લીધી હતી. પરિવારના સભ્યોએ કહ્યું હતું કે ચંદ્રબાબુ નાયડુ સુંદર રાવ માટે આદર્શ હતા. જ્યારથી સુંદર રાવે ટીવી પર તેમની ધરપકડ જોઈ હતી, ત્યારથી તેઓ આઘાતમાં હતા અને અંતે તેમણે આત્મહત્યા કરી લીધી.
આ જ રીતે ચંદ્રબાબુ નાયડુની ધરપકડના ખબર જેવા ફોન પર મળ્યા કે વિજયનગર જિલ્લાના ગજપતિનગરમ મંડલના જીન્નમના ટીડીપી કાર્યકર ઇઝિરોથુ પેડિથલ્લીનું હાર્ટ એટેકથી મૃત્યુ થયું હતું. આ ઉપરાંત, ટીવી પર ચંદ્રબાબુ નાયડુની ધરપકડના સમાચાર જોયા બાદ શનિવારે સવારે અનંતપુર જિલ્લાના ગુટ્ટી મંડલના ટીડીપી નેતા વદ્દે અંજનેયુલુનું પણ હૃદયરોગના હુમલાથી અવસાન થયું હતું. તે 30 વર્ષથી ટીડીપીમાં સક્રિય હતા અને ટીડીપી સમર્થક તરીકે પંચાયત વોર્ડ સભ્યોની પેટાચૂંટણી પણ જીતી હતી.
ચેલુબોયાના વિશ્વેશ્વરાયપુરમ ગામમાં રહેતા નરસિમ્હા રાવે ટીવી પર ચંદ્રબાબુની ધરપકડના સમાચાર જોતા જ અસ્વસ્થ થઈ ગયા અને અચાનક હૃદયરોગના હુમલાથી મૃત્યુ પામ્યા હતા. આ ઉપરાંત અન્ય લોકો પણ અચાનક હૃદય બંધ થઇ જવાના કારણે મૃત્યુ પામ્યા હતા.