ઇન્ટરનેશનલ

પાકિસ્તાનની અફઘાનિસ્તાન પર સર્જિકલ સ્ટ્રાઈકઃ તાલિબાનના અડ્ડાઓને નિશાન બનાવ્યા

ઇસ્લામાબાદઃ પાકિસ્તાની વાયુસેનાએ સોમવારે વહેલી સવારે અફઘાનિસ્તાનમાં પાકિસ્તાની તાલિબાનના અનેક શંકાસ્પદ અડ્ડાઓને નિશાન બનાવ્યા હતા. બળવાખોરોએ ઉત્તરપશ્ચિમમાં આત્મઘાતી બોમ્બ ધડાકા અને સંકલિત હુમલામાં સાત સૈનિકોની હત્યા કરી હોવાનું બે સુરક્ષા અધિકારીઓએ જણાવ્યું હતું.

પાકિસ્તાની સેના તરફથી તાત્કાલિક કોઇ ટિપ્પણી કરવામાં આવી નથી. અફઘાનિસ્તાનમાં તાલિબાન સરકારે હુમલાની નિંદા કરી છે, જેનાથી પડોશી દેશો વચ્ચે તણાવ વધુ વધવાની સંભાવના છે.

બે પાકિસ્તાની સુરક્ષા અને ગુપ્તચર અધિકારીઓએ જણાવ્યું હતું કે હવાઇ હુમલા પાકિસ્તાન સરહદે આવેલા ખોસ્ત અને પક્તિકા પ્રાંતમાં કરવામાં આવ્યા હતા. અધિકારીઓએ નામ ન આપવાની શરતે આ માહિતી આપી હતી. જોકે વધુ વિગતો આપી ન હતી. જેટ અફઘાનિસ્તાનમાં અંદર સુધી ગયા હતા કે કેમ તે સ્પષ્ટ નથી. પાકિસ્તાની તાલિબાને પણ એક નિવેદનમાં સોમવારે હુમલાની પુષ્ટિ કરી છે.

અફઘાન તાલિબાનના મુખ્ય પ્રવક્તા ઝબીહુલ્લા મુજાહિદે એક નિવેદનમાં જણાવ્યું હતું કે પક્તિકાના બર્મલ જિલ્લામાં પાકિસ્તાની હવાઇ હુમલામાં ત્રણ મહિલાઓ અને ત્રણ બાળકો માર્યા ગયા હતા. જ્યારે ખોસ્ત પ્રાંતમાં હુમલામાં અન્ય બે મહિલાઓના મોત થયા હતા.

એક આત્મઘાતી બોમ્બરે તેની વિસ્ફોટકો ભરેલી ટ્રક ઉત્તર પશ્ચિમ પાકિસ્તાનમાં આર્મી પોસ્ટમાં ઘુસાડી દીધી હતી. જેમાં સાત સૈનિકોના મોત થયાના બે દિવસ બાદ આ હવાઇ હુમલા કરવામાં આવ્યા હતા.

શનિવારે પણ પાકિસ્તાની સૈનિકો પર હુમલો કરવામાં આવ્યો હતો. તેઓએ અફઘાનિસ્તાનની સરહદે આવેલા ખૈબર પખ્તુનખ્વા પ્રાંતના ઉત્તર વઝીરિસ્તાનમાં ગોળીબારમાં જવાબદાર તમામ છ આતંકવાદીઓને ઠાર માર્યા હતા.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button