બેન્ગલૂરુ: બાવીસમી માર્ચે શરૂ થઈ રહેલી ઇન્ડિયન પ્રીમિયર લીગ (આઇપીએલ)ના 16 વર્ષના ઇતિહાસમાં મુંબઈ ઇન્ડિયન્સ (એમઆઇ) અને ચેન્નઈ સુપર કિંગ્સ (સીએસકે)ની ટીમ સૌથી વધુ પાંચ-પાંચ વખત ટાઇટલ જીતી ચૂકી છે એટલે હવે છઠ્ઠી વાર ટ્રોફી જીતશે તો એના ચાહકોને જેટલો આનંદ થશે એની તુલનામાં જો રૉયલ ચૅલેન્જર્સ બૅન્ગલોર (આરસીબી)ની ટીમ ટ્રોફી જીતશે એના ચાહકોનો આનંદ અનેકગણો હશે. કારણ સ્પષ્ટ છે.
આરસીબીની ટીમ 2009થી 2016 દરમ્યાન ત્રણ વાર ફાઇનલમાં પહોંચ્યા પછી પણ ટ્રોફી નહોતી જીતી શકી અને રનર-અપ રહી હતી. બીજું, પહેલી વાર છેલ્લી લાગલગાટ ચાર સીઝનમાં આ ટીમ પ્લે-ઑફમાં પણ નથી પહોંચી શકી. આ બધુ જોતાં જો આ વખતે આરસીબી પહેલી વાર ચૅમ્પિયન બનશે તો બેન્ગલૂરુમાં માહોલ અભૂતપૂર્વ હશે અને આરસીબીના ચાહકોના દિલોદિમાગમાં આનંદ પણ સમાય નહીં એટલો હશે.
પુરુષોની આરસીબી ટીમ દોઢ દાયકાથી પણ વધુ સમયથી ક્રિકેટજગતની સૌથી મોટી ટી-20 લીગ ટૂર્નામેન્ટમાં રમતી હોવા છતાં ટાઇટલ નથી જીતી. એની સરખામણીમાં સ્મૃતિ મંધાનાના નેતૃત્વમાં આરબીસીની મહિલાઓની ટીમ રવિવારે ડબ્લ્યૂપીએલની બીજી જ સીઝનમાં ચૅમ્પિયન બની હોવાથી આ વખતે આઇપીએલમાં આરસીબીના કરોડો ફૅન્સ ખાસ કરીને પીઢ ખેલાડી વિરાટ કોહલી તેમ જ કૅપ્ટન ફૅફ ડુ પ્લેસી પાસે અગાઉ કરતાં વધુ અપેક્ષા રાખશે.
2023ની સીઝનમાં સાત વિજય અને સાત પરાજયને કારણે છેક છઠ્ઠા નંબર પર રહેનાર આરસીબીએ આ વખતે જે ખેલાડીઓ પસંદ કર્યા છે એ લગભગ બધા જ તમામ મૅચો રમવા માટે ઉપલબ્ધ રહેશે. કૅમેરન ગ્રીન પહેલી બે મૅચમાં કદાચ નહીં રમે એવું અગાઉ કહેવાતું હતું, પણ તે બાવીસમી માર્ચની પ્રથમ મૅચ પહેલાં જ ભારત આવી જશે. ઑસ્ટ્રેલિયન ક્રિકેટ બોર્ડે તેને શેફીલ્ડ શીલ્ડની ફાઇનલમાંથી નીકળી જવા મંજૂરી આપી હોવાથી સમયસર ભારત આવી રહ્યો છે. વિરાટ કોહલી બીજી વાર પિતા બન્યા પછી હવે પાછો રમવા આવી રહ્યા છે.
રજત પાટીદારને તાજેતરમાં ઇંગ્લૅન્ડ સામેની સિરીઝમાં ટેસ્ટમાં ડેબ્યૂ કરવાનો મોકો મળ્યો હતો, પણ તે ત્રણેય ટેસ્ટમાં ફ્લૉપ ગયો હતો. હવે તેણે આઇપીએલમાં ફરી અસલ ટચ બતાવીને ચાહકોના દિલ જીતવાના છે. પેસ બોલર આકાશ દીપને ટેસ્ટ-ક્રિકેટમાં પ્રવેશ કરવાની તાજેતરમાં (રાંચીની ટેસ્ટમાં) તક મળી હતી જેમાં તેણે ત્રણ વિકેટ લઈને ઇંગ્લૅન્ડના ટૉપ-ઑર્ડરને સાફ કરી નાખ્યો હતો. પછીથી તેને ફરી રમવાની તક નહોતી મળી, પણ હવે તે એ નિરાશા આઇપીએલમાં રમીને દૂર કરશે એવી આશા છે.
મુખ્ય સ્પિનર વનિન્દુ હસરંગાને આરસીબીએ રિલીઝ કરી દીધો છે એટલે હવે એણે નવા સ્પિનર હિમાંશુ શર્મા અને કર્ણ શર્મા પર જ આધાર રાખવો પડશે. હર્ષલ પટેલ વગર હવે આરસીબીએ ડેથ ઓવર્સમાં કાબેલ બોલર શોધી રાખવો પડશે.
બાવીસમી માર્ચે (રાતે 8.00 વાગ્યાથી) આરસીબીની પ્રથમ મૅચ ડિફેન્ડિંગ ચૅમ્પિયન ચેન્નઈ સુપર કિંગ્સ સામે છે. એ મુકાબલો ચેન્નઈમાં છે અને ત્યાં આરસીબીની ટીમ 2008થી અત્યાર સુધીમાં ક્યારેય સીએસકેને નથી હરાવી શકી. ત્યાર બાદ આરસીબીની ટીમ હોમ-ગ્રાઉન્ડ પર સતત ત્રણ મૅચ રમશે અને પછી જયપુરના મુકામે જશે.
આરસીબીની ટીમ
ફૅફ ડુ પ્લેસી (કૅપ્ટન), વિરાટ કોહલી, ગ્લેન મૅક્સવેલ, રજત પાટીદાર, અનુજ રાવત (વિકેટકીપર), દિનેશ કાર્તિક (વિકેટકીપર), સુયશ પ્રભુદેસાઈ, વિલ જૅક્સ, મહિપાલ લૉમરૉર, કર્ણ શર્મા, મનોજ ભંડાગે, મયંક ડાગર, વિજયકુમાર વૈશાક, આકાશ દીપ, મોહમ્મદ સિરાજ, રીસ ટૉપ્લી, હિમાંશુ શર્મા, રાજન કુમાર, કૅમેરન ગ્રીન, અલ્ઝારી જોસેફ, યશ દયાલ, ટૉમ કરૅન, લૉકી ફર્ગ્યુસન, સ્વપ્નિલ સિંહ અને સૌરવ ચૌહાણ.