નવી દિલ્હીઃ ચૂંટણી પંચે ગઈકાલે દેશમાં યોજાનારી સામાન્ય ચૂંટણીની તારીખો જાહેર કરી. આ સાથે ચાર રાજ્યમાં વિધાનસભાની ચૂંટણીની તારીખો પણ જાહેર કરી હતી. આ ચાર રાજ્યોમાં સિક્કીમ, ઓડિશા, અરૂણાચલ પ્રદેશ અને આંધ્ર પ્રદેશનો સમાવેશ થાય છે, જ્યાં લોકસભાની સાથે સાથે મતદારો વિધાનસભા માટે પણ મતદાન કરશે. આ મતદાનની તારીખ તો બન્ને ચૂંટણીની એક જ રહેશે, પરંતુ ચૂંટણી પંચે બે રાજ્યોના પરિણામોની તારીખમાં ફેરફાર કર્યો છે.
અરૂણાચલ પ્રદેશ અને સિક્કીમ એમ બે રાજ્યમાં મતગણતરી ચાર જૂનને બદલે બીજી જૂનના રોજ થશે. અગાઉ તમામ લોકસભા, વિધાનસભા અને પેટાચૂંટણીઓના પરિણામ ચોથી જૂને જાહેર થવાના હતા, જેમાં ફેરફાર કરી બે રાજ્યોના પરિણામો બીજી જૂને જાહેર કરવામાં આવશે. આનું કારણ એ છે કે આ બન્ને રાજ્યોમાં વિધાનસભાનો કાર્યકાળ 2, જૂન, 2024ના રોજ સમાપ્ત થઈ રહ્યો છે, આથી અહીં પરિણામોની તારીખો બદલવામાં આવી છે. ચૂંટણી પંચે નોટિફિકેશન દ્વારા આ માહિતી આપી છે.
જોકે આ રાજ્યોની લોકસભાની બેઠકોના પરિણામ ચોથી જૂને જ આવશે, પરંતુ વિધાનસભાની ચૂંટણીમાં મતદારોએ કોને આગલા પાંચ વર્ષ સુધી રાજ્યની કમાન સોંપી છે, તે જાણકારી બે દિવસ અગાઉ મળી જશે.
Taboola Feed