AMCએ રોડનું એક વર્ષ પહેલા 50 લાખના ખર્ચે બ્યુટિફિકેશન કર્યું હતું અને હવે…
અમદાવાદ : અમદાવાદ મહાનગરપાલિકાએ તાજેતરમાં શાહીબાગ દફનાળાથી એરપોર્ટ સર્કલસુધી ત્રણ કિમીના રોડ માટે ટેન્ડર બહાર પાડ્યું છે. આ પ્રોજેક્ટનો ખર્ચ રૂ. 43.64 કરોડ આંકવામાં આવે છે. જોકે નવાઈની વાત તો એ છે કે એક જ વર્ષ પહેલા રૂ. 50 લાખ ખર્ચી એએમસીએ આ રોડનું બ્યુટીફિકેશન કર્યું હતું ત્યારે હવે તેને રીડેવલપ કરવાના ટેન્ડર બહાર પાડ્યા છે.
એએમસીએ 2024-2025ની બજેટમાં શહેરના એન્ટ્રી પોઈન્ડ ગણાતા પાંચ રોડને રિડેવલપ કરવાના પ્રોજેક્ટ પ્રસ્તાવિત કર્યા છે, જેમાં શાંતિપુરાથી કેડિલા સર્કલ, નરોડા સ્મશાનગૃહથી દહેગામ જંક્શન, કાકે દા ધાબા પાસે એસપી રિંગ રોડ, પકવાન જંકશનથી કેશવબાગ અને ડફનાળાથી એરપોર્ટ સર્કલ સુધીના વિસ્તારનો સમાવેશ થાય છે.
ડિસેમ્બરમાં, AMCએ એરપોર્ટ સર્કલ અને ઈન્દિરા બ્રિજ સર્કલ વચ્ચે 1.8km લાંબો અને 60-મીટર પહોળો રોડ બનાવવા માટે કોન્ટ્રાક્ટરને કામ આપવાના પ્રસ્તાવને મંજૂરી આપી હતી. આ રોડ જાહેર-ખાનગી ભાગીદારી (PPP)ના ધોરણે વિકસાવવામાં આવેલો શહેરનો પ્રથમ રોડ હશે અને કોન્ટ્રાક્ટરને આ વિસ્તારમાં 15 વર્ષ માટે જાહેરાતના અધિકારો મળશે. ઝુંડાલ સર્કલ અને વિસત સર્કલ વચ્ચેના 3.6 કિમીના પટના પુનઃવિકાસ માટે પણ નાગરિક સંસ્થા રૂ. 61.14 કરોડનો ખર્ચ કરશે.
AMC અધિકારીએ જણાવ્યું હતું કે એરપોર્ટ સર્કલ અને ઈન્દિરા બ્રિજ સર્કલ વચ્ચેનો રસ્તો PPP મોડ (જાહેર-ખાનગી ભાગીદારી) પર વિકસાવવામાં આવી રહ્યો છે જ્યારે નવા કોન્ટ્રાક્ટનો ઉદ્દેશ્ય એરપોર્ટથી ડફનાલા વચ્ચેના 3 કિમીના વિસ્તારને રિડેવલપ કરવાનો છે.
વધુમાં અધિકારીએ જણાવ્યું કે રસ્તાને એક વર્ષ પહેલા રૂ. 50 લાખના ખર્ચે બ્યુટિફિકેશન કરવામાં આવ્યું હતું, પરંતુ રિડેવલપમેન્ટ તેને વધારે સારો બનાવશે. રસ્તાની પહોળાઈ 30 મીટર હોવાથી અમે તેના પર મલ્ટિફંક્શનલ ઝોન બનાવી શકીશું નહીં. જો કે, ત્યાં ફૂટપાથ, સ્ટ્રીટ ફર્નિચર, નવી સ્ટ્રીટ લાઇટ અને નવા બસ સ્ટેન્ડ હશે, તેમ અધિકારીએ ઉમેર્યું હતું.