Loksabha: ગુજરાતમાં 7મીએ મતદાન, એક Vidhansabhaની ચૂંટણી મામલે આશ્ચર્ય સાથે અસંમજસ
અમદાવાદઃ લોકસભાની ચૂંટણીની તારીખો જાહેર થઈ ગઈ છે. કુલ સાત તબક્કામાં ચૂંટણી યોજાવાની છે ત્યારે ગુજરાતમાં ત્રીજા તબક્કામાં 7મી મેએ એક જ દિવસમાં 26 લોકસભા બેઠક માટે મતદાન થશે. કેન્દ્રીય ચૂંટણી પંચે સામાન્ય ચૂંટણીઓ સાથે દેશની 26 ખાલી પડેલી વિધાનસભાની બેઠકો પર પણ પેટાચૂંટણી જાહેર કરી છે.
ગુજરાતમાં સાતમી તારીખે વિધાનસભાની પાંચ બેઠકની પેટાચૂંટણી માટે પણ મતદાન થશે ત્યારે એક બેઠક પર મતદાન જાહેર ન થતા આશ્ચર્ય સર્જાયું છે. ગુજરાતમાં કુલ છ વિધાનસભા બેઠક ખાલી થઈ છે. તેમાં વિસાવદરની બેઠકની ચૂંટણી જાહેર થઈ નથી. આ બેઠક પરથી આમ આદમી પક્ષના ભૂપત ભાયાણી 2022માં ચૂંટણી જીત્યા હતા, પરંતુ તેમણે 2023માં સભ્યપદ પરથી રાજીનામું આપી દીધું હતું. 2022ની વિધાનસભાની ચૂંટણી બાદ પહેલી વિકેટ ભાયાણીની પડી હતી.
ત્યારબાદ દોઢેક વર્ષમાં રાજ્યમાં પાંચ અન્ય વિધાનસભ્યએ રાજીનામા ધરી દીધાં હતા અને તમામ ભાજપમાં જોડાયા હતા. જેમાં વિજાપુરથી સી જે ચાવડા, ખંભાતથી ચિરાગ પટેલ, વાઘોડિયાથી ધર્મેન્દ્ર સિંહ વાઘેલા, પોરબંદરથી અર્જુન મોઢવાડિયા અને માણાવદરથી અરવિંદ લાડાણીએ રાજીનામું આપી ભાજપમાં પ્રવેશ લીધો હતો.
અહીંની પાંચ બેઠકોની પેટાચૂંટણી સાતમી મેએ યોજાશે ત્યારે એક વિસાવદર બેઠક અંગે હજુ કોઈ માહિતી મળી નથી. આ એક બેઠક મામલે અત્યાર સુધી સસ્પેન્સ છે.