મુંબઈ: 2008માં ઇન્ડિયન પ્રીમિયર લીગ (આઇપીએલ)નો આરંભ થયો એ સાથે ક્રિકેટની રમતને આકર્ષક બનાવવા કંઈકને કંઈક નવું લાવવામાં આવ્યું છે અને એમાં ‘ઇમ્પૅક્ટ પ્લેયર’ જેવા નિયમો લેટેસ્ટ કહી શકાય.
2012માં ક્રિકેટના મેદાન પર ‘ઝિન્ગ બેલ્સ’ની સિસ્ટમ શરૂ કરવામાં આવી હતી અને 2023માં ઑસ્ટ્રેલિયામાં મહિલાઓ માટેની વિમેન્સ બિગ બૅશ લીગ (ડબ્લ્યૂબીબીએલ)માં ‘ઇલેક્ટ્રા સ્ટમ્પ્સ’ની સિસ્ટમ અપનાવવામાં આવી હતી. હવે ભારતની જગવિખ્યાત આઇપીએલમાં પણ ઇલેકટ્રિક સ્ટમ્પ્સની સિસ્ટમ લાવવાનું વિચારાઈ રહ્યું હોવાનું જાણવા મળ્યું છે.
કોઈ બૅટર આઉટ થશે ત્યારે, અમ્પાયર નો બૉલ જાહેર કરશે ત્યારે, ફોર કે સિક્સર જશે ત્યારે, ઓવરની સમાપ્તિ થશે ત્યારે આ સ્ટમ્પ્સ પર વિવિધ પ્રકારના રંગની લાઇટ થતી જોવા મળશે.
ઇલેક્ટ્રા સ્ટમ્પ્સની ખાસિયતો આ મુજબ રહેશે: (1) વિકેટ પડતાં જ સ્ટમ્પ્સ પર રેડ લાઇટ જોવા મળશે અને પછી સ્ટમ્પ્સમાં આગી લાગી હોય એવી લાઇટ જોવા મળશે. (2) ચોક્કો ફટકારાશે ત્યારે સ્ટમ્પ્સનો રંગ બદલાશે. (3) સિક્સર ફટકારાશે ત્યારે કલર સ્ક્રોલિંગની ટેક્નિક જોવા મળશે. (4) નો બૉલ વખતે રેડ ઍન્ડ વ્હાઇટ સ્ક્રોલિંગ જોઈ શકાશે. (5) બે ઓવરની વચ્ચે સ્ટમ્પ્સ પર્પલ અને બ્લુ સ્ક્રોલિંગમાં જોવા મળશે.
બિગ બૅશમાં પહેલાં મહિલાઓની લીગમાં અને પછી પુરુષોની લીગમાં ઇલેક્ટ્રા સ્ટમ્પ્સની સિસ્ટમ લાગુ કરવામાં આવી ત્યારે ખાસ કરીને ઑસ્ટ્રેલિયાના ભૂતપૂર્વ બૅટર માર્ક વૉ અને ઇંગ્લૅન્ડના માઇકલ વૉને આ નવીન પ્રકારના સ્ટમ્પ્સ વિશે જણાવ્યું હતું કે ‘આનાથી નવા ક્રિકેટ ફૅન્સને સ્ટેડિયમમાં તેમ જ લાઇવ ટેલિકાસ્ટમાં આકર્ષી શકાશે અને ક્રિકેટના મેદાન પર મોટી અને મહત્ત્વની ઘટના બને ત્યારે એ તરત કેવી રીતે ઇલેકટ્રિક માધ્યમથી જાણી શકાય એનું આ લેટેસ્ટ ઉદાહરણ છે.’