શિવસેના-એનસીપી પુત્ર-પુત્રીના મોહમાં તૂટીઃ અમિત શાહ
નવી દિલ્હીઃ મહારાષ્ટ્રમાં ભારતીય જનતા પાર્ટી (ભાજપ)એ કોઈ પાર્ટીને તોડી નથી, પરંતુ અનેક પક્ષો પુત્ર-પુત્રીના મોહમાં તૂટી હતી, એમ કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહે આજે એક કાર્યક્રમમાં જણાવ્યું હતું.
કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહે કહ્યું હતું કે મહારાષ્ટ્રમાં કોઈ પાર્ટીને ભાજપે તોડી નથી, પરંતુ વાસ્તવમાં જો એ તૂટી હોય તો પુત્ર-પુત્રીના મોહમાં તૂટી હતી. એક કાર્યક્રમને સંબોધતા શાહે કહ્યું હતું કે એનડીએમાં ત્રણ પાર્ટી વચ્ચે બેઠકોની વહેચણી થઈ ગઈ છે અને કોઈ વિવાદ પણ થવાનો નથી.
એક કાર્યક્રમમાં ગૃહ પ્રધાનને સવાલ કરવામાં આવ્યો હતો કે મહારાષ્ટ્રમાં ભાજપે અનેક પાર્ટીને તોડી હતી અને પોતાનું ગઠબંધન બનાવ્યું હતું, પરંતુ હજુ સહાનુભૂતિ ઉદ્ધવ ઠાકરે અને શરદ પવારની સાથે છે. તમને કેટલો વિશ્વાસ છે કે મહારાષ્ટ્રમાં તમારું ગઠબંધન સારું પ્રદર્શન કરશે. એના જવાબમાં અમિત શાહે કહ્યું હતું કે હું એ વાતથી હું સમંત નથી કે ભાજપે કોઈ પાર્ટીને તોડી. અમે કોઈ પાર્ટીને તોડી નથી, પરંતુ ઘણી પાર્ટી પુત્ર-પુત્રીના મોહમાં તૂટી હતી.
ઉદ્ધવ ઠાકરે ઈચ્છતા હતા કે સીએમ આદિત્ય ઠાકરે બને તેથી વિભાજન થયું, કારણ કે આદિત્ય ઠાકરેને કોઈ નેતા સ્વીકારવા તૈયાર નહોતા. બાળાસાહેબના સમયમાં શિવસેનામાં કામ કરનારા લોકો ઉદ્ધવને નેતા સ્વીકાર કર્યા હતા હવે આદિત્યને સ્વીકાર કરે માન્ય નહોતું.
એ જ રીતે શરદ પવાર પણ પોતાની દીકરીને પાર્ટીના નેતા બનાવવા ઈચ્છતા હતા, પરંતુ અનેક લોકો તેનાથી સંમત નહોતા, તેથી અલગ થયા હતા, એમ તેમણે જણાવ્યું હતું.