ટોપ ન્યૂઝનેશનલવિધાનસભા સંગ્રામ ૨૦૨૪

લોકસભા સંગ્રામઃ Election કેટલા તબક્કામાં અને પરિણામ ક્યારે?

નવી દિલ્હી: 2019ની લોકસભા (Loksabha Election 2024)ની ચૂંટણી પછી વિધિવત્ રીતે 2024માં લોકસભાની ચૂંટણી યોજવા માટે ચૂંટણી પંચ સજ્જ બન્યું છે ત્યારે વર્ષોની ઈંતજારીનો આવતીકાલે અંત આવશે. ભારતીય ચૂંટણી પંચ (ECI) આવતીકાલે બપોરે ત્રણ વાગ્યે લોકસભા ચૂંટણીની તારીખો જાહેર કરશે. લોકસભાની ચૂંટણી સાતથી આઠ તબક્કામાં યોજવાની જાહેરાત કરી શકાય, જ્યારે એપ્રિલ અથવા મે મહિનામાં મતદાનની તારીખ જાહેર કરી શકાય છે. લોકસભાની ચૂંટણીના પરિણામો પણ મે મહિનાના અંતમાં જાહેર કરી શકાય છે.

લોકસભાની ચૂંટણી સાતથી આઠ તબક્કામાં યોજી શકાય છે, જેમાં મોટા રાજ્ય ઉત્તર પ્રદેશ, પશ્ચિમ બંગાળ, બિહારમાં છથી સાત તબક્કા, મહારાષ્ટ્રમાં ચારથી પાંચ તબક્કામાં યોજી શકાય છે. એના સિવાય મધ્ય પ્રદેશ, આસામમાં બેથી ત્રણ તબક્કામાં ચૂંટણી થઈ શકે. આ ઉપરાંત, તમિલનાડુ, કેરલ, ગુજરાત, હરિયાણા, આંધ્ર પ્રદેશ સહિત તેલંગણામાં એક તબક્કામાં યોજી શકાય છે, એમ સૂત્રોએ જણાવ્યું હતું.

આ અગાઉની બે લોકસભાની ચૂંટણીની તારીખ અને તેની જાહેરાત વચ્ચે અંદાજે 40-50 દિવસનું અંતર રાખ્યું હતું. આ અગાઉ 2019માં 11 એપ્રિલથી લઈને 19 મેની વચ્ચે ચૂંટણીઓ સાત તબક્કામાં આયોજિત કરી હતી. આ ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટી 303 બેઠક પર વિજય મેળવ્યો હતો. ભાજપના નેતૃત્વ હેઠળનું ગઠબંધન 353 સીટ જીતી હતી. સામે પક્ષે કોંગ્રેસ પાર્ટી 52 બેઠક જીત્યું હતું. કોંગ્રેસના નેતૃત્વ હેઠળનું ગઠબંધન 92 સીટ જીત્યું હતું.

એ જ રીતે 2014માં ચૂંટણીની તારીખોની જાહેરાત પાંચમી માર્ચે કરવામાં આવી હતી. સાત એપ્રિલથી લઈને 12 મે સુધી કુલ નવ તબક્કામાં ચૂંટણીનું આયોજન કરવામાં આવ્યું હતું. તે વર્ષે પણ ચૂંટણીના પરિણામો ચાર દિવસ બાદ એટલે કે 16 મેના રોજ જાહેર કરવામાં આવ્યા હતા.

લોકસભાની સાથે જ ઓડિસા, સિક્કિમ, અરુણાચલ પ્રદેશ અને આંધ્ર પ્રદેશ સહિત ચાર રાજ્યની વિધાનસભા ચૂંટણીની તારીખ જાહેર થશે. ચૂંટણીની તારીખની જાહેરાત સાથે જ દેશમાં આચારસંહિતા લાગુ થઈ જશે અને તેને કારણે અનેક બાબતો પર નિયંત્રણ આવી જશે. ચૂંટણીની તારીખની સાથે અન્ય મોટી યોજના જાહેર કરવામાં આવશે.

એક દિવસ પહેલાં જ બે ચૂંટણી કમિશનરો જ્ઞાનેશ કુમાર અને સુખબીર સંધુની નિયુક્તિ કરવામાં આવી છે. બંનેએ શુક્રવારે 15 માર્ચે પદભાર સંભાળ્યો છે. ત્યારબાદ મુખ્ય ચૂંટણી કમિશનર રાજીવ કુમાર સહિત ત્રણેય અધિકારીઓએ ચૂંટણી કાર્યક્રમને મુદ્દે બેઠક પણ કરી હતી.

2024ની લોકસભાની ચૂંટણીમાં 97 કરોડ લોકો મતદાન કરી શકશે. ચૂંટણી પંચે 8 ફેબ્રુઆરીએ બધા જ 28 રાજ્યો તેમ જ 8 કેન્દ્ર શાસિત પ્રદેશોના મતદાતાઓ સંબંધી એક સ્પેશ્યલ સમરી રિવિઝન-2024 અહેવાલ જાહેર કર્યો હતો.

પંચે જણાવ્યું હતું કે મતદારયાદીમાં 18થી 29 વર્ષના કુલ બે કરોડ નવા મતદારોને સામેલ કરવામાં આવ્યા છે. 2019ની ચૂંટણીની સરખામણીએ 2024માં મતદારોની સંખ્યામાં 6 ટકા જેટલી વૃદ્ધિ થઈ છે. ચૂંટણી પંચે એવી માહિતી આપી હતી કે આખી દુનિયામાં સૌથી વધુ 96.88 કરોડ મતદાતા લોકસભાની ચૂંટણીમાં મતદાન કરશે. આ મતદારોમાં જેન્ડર રેશિયો પણ 2023ના 940થી વધીને 948 થયો છે.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button