ઇંગ્લૅન્ડનો જોફ્રા આર્ચર કર્ણાટકમાં કેમ ઇંગ્લૅન્ડના જ બૅટરને આઉટ કરી રહ્યો છે?
અલૂર: કર્ણાટકમાં બેન્ગલૂરુ નજીકના અલૂરમાં ઇંગ્લૅન્ડનો જગવિખ્યાત ફાસ્ટ બોલર જોફ્રા આર્ચર પોતાના જ દેશના ખેલાડીઓને આઉટ કરી રહ્યો હોવાનો વીડિયો સસેક્સ કાઉન્ટીના ટ્વિટર હૅન્ડલ પર શૅર કરવામાં આવ્યો છે. આવા એક નહીં, પણ કેટલાક વીડિયો શૅર કરાયા છે.
સામાન્ય રીતે જ્યારે કોઈ વિદેશી ખેલાડી આઇપીએલ વખતે ભારતમાં હોય તો એમ જ માનવામાં આવે કે તે કોઈ ફ્રૅન્ચાઇઝી માટે પ્રૅક્ટિસ કરી રહ્યો છે. જોકે આર્ચરના કિસ્સામાં સાવ જૂદું છે. અગાઉ આઇપીએલમાં રમી ચૂકેલો આર્ચર ઈજા બાદ પાછો ફિટ થવા આકાશ-પાતાળ એક કરી રહ્યો છે. તે કાઉન્ટી ચૅમ્પિયનશિપ પહેલાં ફિટનેસ હાંસલ કરવા તત્પર છે અને ઇંગ્લિશ ક્રિકેટ બોર્ડ તેને જૂનના ટી-20 વર્લ્ડ કપ માટે પણ ફિટ રાખવા ઉત્સુક છે.
મે, 2023થી મેદાનથી દૂર રહેલો રાઇટ-આર્મ બોલર આર્ચર સસેક્સ કાઉન્ટીની ટીમ સાથે કર્ણાટક આવ્યો છે. સસેક્સની ટીમે રૉયલ ચૅલેન્જર્સ બૅન્ગલોર (આરસીબી) ટીમના મૅનેજમેન્ટને તેમની ટીમ સાથે સસેક્સની પ્રૅક્ટિસ મૅચો ગોઠવવાની થોડા સમય પહેલાં વિનંતી કરી હતી, પરંતુ આરસીબીએ વ્યસ્ત સમયપત્રકને કારણે વિનંતી નકારી હતી. જોકે કર્ણાટક ક્રિકેટ એસોસિએશને વિનંતી સ્વીકારી એટલે સસેક્સની અલુરમાં કર્ણાટકની ટીમ સામે મૅચો રમાઈ રહી છે. નવાઈની વાત એ છે કે આર્ચર એક મૅચમાં કર્ણાટકની ટીમ વતી રમ્યો હતો અને સસેક્સના કેટલાક બૅટર્સને તેણે આઉટ કર્યા હતા.
2022માં મુંબઈ ઇન્ડિયન્સે આર્ચરને મોટા ભાવે ખરીદ્યો હતો, પણ કોણીની ઈજાને લીધે તે નહોતો રમી શક્યો. 2023ની આઇપીએલમાં તે ચાર જ મૅચ રમી શક્યો હતો.