ટોપ ન્યૂઝનેશનલ

આવી ગઇ દેશની નવી ઇલેક્ટ્રિક વ્હીકલ પોલિસી, ભારત ઈલેક્ટ્રિક વાહનો બનાવશે

નવી દિલ્હી: વિશ્વભરના અગ્રણી EV વાહન ઉત્પાદક કંપનીઓ દ્વારા જેની પર નજર રાખવામાં આવી રહી હતી તે ભારત સરકારની નવી ઇલેક્ટ્રિક વ્હીકલ પોલિસી (EV પોલિસી) ની કેન્દ્ર સરકારે જાહેરાત કરી દીધી છે. ઇલેક્ટ્રિક વાહનોના ઉત્પાદનમાં દેશને અગ્રેસર અને મજબૂત બનાવવા માટે કેન્દ્ર સરકારે આ મહત્વનું પગલું ભર્યું છે.

નવી ઇલેક્ટ્રિક વ્હીકલ પોલિસીની જોગવાઇઓ અનુસાર હવે વિદેશી કંપનીઓ 4,150 કરોડ રૂપિયાના લઘુત્તમ રોકાણ સાથે ઇલેક્ટ્રિક વાહનોના ઉત્પાદન માટે પ્લાન્ટ સ્થાપી શકે છે. કંપનીઓએ 3 વર્ષની અંદર ભારતમાં મેન્યુફેક્ચરિંગ પ્લાન્ટ સ્થાપવા પડશે.

નવી EV નીતિ અનુસાર, કંપનીઓએ 3 વર્ષમાં ભારતમાં બનેલા લગભગ 25 ટકા પાર્ટ્સ અને 5 વર્ષમાં ભારતમાં બનેલા ઓછામાં ઓછા 50 ટકા પાર્ટ્સનો ઉપયોગ કરવો પડશે. જો કોઈ કંપની ભારતમાં તેનો પ્લાન્ટ સ્થાપે છે, તો તેણે ભારતમાં $35,000 અને તેનાથી વધુ કિંમતની કારના એસેમ્બલિંગ પર 15 ટકા કસ્ટમ ડ્યુટી ચૂકવવી પડશે.

આ સુવિધા માત્ર શરૂઆતના પાંચ વર્ષ માટે ઉપલબ્ધ રહેશે. હાલમાં ભારતમાં ઇમ્પોર્ટેડ કાર પર તેની કિંમતના આધારે 70 ટકા થી 100 ટકા આયાત ટેક્સ ભરવો પડે છે. સરકાર દ્વારા જારી કરવામાં આવેલા નિવેદનમાં જણાવવામાં આવ્યું છે કે આ પગલાથી EV ઇકોસિસ્ટમને વધારવાની અને મેક ઇન ઇન્ડિયા પહેલને આગળ વધારવાની તક મળશે.

જોકે, સરકારની આ નવી ઇલેક્ટ્રિક વાહન નીતિથી ટાટા મોટર્સ અને મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા માટે ફટકા સમાન માનવામાં આવે છે. આ દિગ્ગજ ઘરેલું EV ઉત્પાદકો EVની આયાતપર ટેક્સમાં છૂટ આપવાનો વિરોધ કરી રહ્યા હતા.

આ કંપનીઓનું માનવું હતું કે ટેક્સ ઘટાડવાથી ગ્લોબલ કંપનીઓને ભારતમાં EV વેચવાનું સરળ બની જશે. EV ઉત્પાદક ટેસ્લા કંપનીની માંગ હતી કે 40 હજાર ડૉલરથી ઓછી કિંમતની કાર પર કસ્ટમ ડ્યૂટીમાં 70 ટકા છૂટ અને 40 હજાર ડૉલરથી વધુ કિંમતની EV કાર પર કસ્ટમ ડ્યૂટીમાં 100 ટકા છૂટ આપવામાં આવે, પણ વાણિજ્ય મંત્રી પિયુષ ગોયલે જણાવ્યું હતું કે સરકાર કોઇના પણ દબાણમાં આવ્યા વિના પોતાની સ્વતંત્ર ઇલેક્ટ્રિક વ્હીકલ પોલિસી બનાવશે. ભારત કોઇ એક કંપનીને ધ્યાનમાં રાખીને પોતાની EV નીતિ નહીં બનાવે. કેન્દ્ર સરકારનો ઉદ્દેશ વિશ્વની તમામ EV કંપનીઓને ભારતમાં લાવવાનો રહેશે.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button