ભાજપની બીજી યાદીમાં 34 પ્રધાનનો સમાવેશ, પણ જાણો કોની ટિકિટ કપાઈ?
નવી દિલ્હીઃ લોકસભાની ચૂંટણીની તારીખ જાહેર કર્યા પહેલા આજે ભાજપ (ભારતીય જનતા પાર્ટી)એ બીજી યાદી જાહેર કરી છે. પહેલી યાદીમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદી (વારાણસી), અમિત શાહ (ગાંધીનગર) અને સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહ (લખનઊ)નું નામ જાહેર કર્યું હતું. આજે બીજી યાદીમાં 34 કેન્દ્રીય પ્રધાનના નામનો સમાવેશ થાય છે, જ્યારે ત્રણ પ્રધાનનું પત્તું કપાયું છે.
મહારાષ્ટ્રમાં નાંદેડથી પ્રતાપ રાવ ચિખલીકરને ફરીથી ટિકિટ આપી છે, જ્યારે જાલનાથી રાવ સાહેબ દાનવેને ફરી ટિકિટ મળી છે. બીજી બાજુ ડિંડોરીથી ભારતી પવાર અને ભિવંડીથી કપિલ પાટીલને રિપિટ કરાયા છે. મુંબઈમાં ઉત્તર પૂર્વમાંથી મિહિર કોટેચાને ટિકિટ આપી છે, પરંતુ મનોજ કોટકનું પત્તું કપાયું છે.
પુણેથી ગિરિશ બાપટ સાંસદ હતા, પરંતુ તેમના નિધન પછી મુરલીધર મહૌલને પુણેથી ઉમેદવાર જાહેર કર્યાં છે. અહમદનગરથી બીજી વખત ડોક્ટર સુજય વિખે પાટિલને ટિકિટ મળી છે. માઢાથી રણજિતસિંહા હિંદુરાવ નાઇક-નિંબાલકરને ટિકિટ મળી છે, જ્યારે સાંગલીથી સંજય કાકા પાટીલ, નંદુરબારથી હિના ગાવિતને ફરી લોકસભાના ઉમેદવાર બનાવ્યાં છે.
અંબાલાની સિટિંગ સાંસદ રતનલાલ કટારિયાના નિધન પછી તેમના પત્ની બંટો કટારિયાને ટિકિટ આપી છે. કોંગ્રેસમાંથી આમ આદમી પાર્ટી (આપ)માં ગયા પછી ભાજપમાં આવેલા સિરસાના દિગ્ગજ નેતા અશોક તંવરને સિટિંગ સાંસદ સુનીતા દુગ્ગલની ટિકિટ કાપીને મેદાનમાં ઉતારવામાં આવ્યા છે. ઉપરાંત, ભિવાની મહેન્દ્રગઢથી સિટિંગ સાંસદ ધર્મવીર પર ફરી એક વખત વિશ્વાસ રાખવામાં આવ્યો છે. ગુડગાંવથી રાવ ઈન્દ્રજિત સિંહ, ફરિદાબાદથી કૃષ્ણપાલ ગુર્જરને રિપિટ કરાયાં છે.
ભારતીય જનતા પાર્ટીની પહેલી યાદીમાં 28 મહિલા અને 47 યુવા નેતાના નામની જાહેરાત કરી છે, જ્યારે 27 ઉમેદવાર અનુસૂચિત જાતિ તથા 18 અનુસૂચિત જનજાતિ અને 57 અન્ય પછાતવર્ગના ઉમેદવાર હતા. કર્ણાટકના પૂર્વ સીએમ બસવરાજ બોમ્મઈ હાવેરી ચૂંટણી લડશે, જ્યારે ભાજપના સાંસદ તેજસ્વી સૂર્યા બેંગલુરુ દક્ષિણથી ચૂંટણી લડશે.
આ યાદીમાં ઉત્તર પ્રદેશમાંથી 51 બેઠક, પશ્ચિમ બંગાળમાંથી 20, મધ્ય પ્રદેશની 24, ગુજરાત અને રાજસ્થાનની 15-15 બેઠક, કેરળ-તેલંગણાની 12-12, ઝારખંડ-છત્તીસગઢ અને આસામની 11-11 બેઠક અને દિલ્હીની પાંચ સીટ સહિત અમુક અન્ય કેન્દ્ર શાસિત પ્રદેશની જાહેર કરી હતી. અહીં એ જણાવવાનું કે પાર્ટીએ બીજી યાદી માટે સોમવારે દિલ્હીમાં કેન્દ્રીય ચૂંટણી સમિતિ સાથે બેઠક યોજી હતી, જેમાં સમીક્ષા કરવામાં આવી હતી.