પર્યટન વિભાગના બેન્ક ખાતાંમાંથી રૂ. 69 લાખની ઉચાપત: ચાર સામે ગુનો
મુંબઈ: રાજ્ય પર્યટન વિભાગનાં બેન્ક ખાતામાંથી રૂ. 69 લાખની ઉચાપત કરવા પ્રકરણે ચાર જણ વિરુદ્ધ ગુનો દાખલ કરવામાં આવ્યો હતો. આરોપીઓએ ચેક બૂક્સ સાથે ચેડાં કર્યા, નકલી સ્ટેમ્પ બનાવ્યા અને બનાવટી હસ્તાક્ષરની મદદથી પંદર બેન્ક વ્યવહાર થકી રૂપિયા ઉપાડી લીધા હતા, એમ પોલીસે જણાવ્યું હતું.
રાજ્યના શાળા શિક્ષણ વિભાગ સાથે પણ આ જ રીતે છેતરપિંડી આચરવામાં આવી છે અને તેઓ પણ કેસ દાખલ કરવાની પ્રક્રિયામાં છે.
મરીન ડ્રાઇવ પોલીસના જણાવ્યા મુજબ ડિરેક્ટોરેટ ઓફ ટૂરિઝમ સાથે કામ કરતા ચીફ એકાઉન્ટ્સ ઓફિસર વિઠ્ઠલ સૂદેએ આ પ્રકરણે ગુનો દાખલ કરાવ્યો હતો.
વિભાગને બેન્ક ઓફ મહારાષ્ટ્ર, મંત્રાલય શાખામાં તેના કરન્ટ એકાઉન્ટમાંથી અનધિકૃત ઉપાડ કરાયો હોવાના એલર્ટ પ્રાપ્ત થયા હતા. કુલ રૂ. 22.79 લાખ આકાશ ડેના ખાતામાં, રૂ. 22.73 લાખ તપન મંડલના ખાતામાં, રૂ. 13.91 લાખ લક્ષ્મી પાલના ખાતામાં અને રૂ. 9.24 લાખ આનંદા મંડલના ખાતામાં ટ્રાન્સફર થયા હતા. પંદર બેન્ક ખાતાં થકી 13થી 16 ફેબ્રુઆરી વચ્ચે આ વ્યવહાર કરવામાં આવ્યા હતા, એમ પોલીસે કહ્યું હતું.
તમામ નાણાં વિવિધ બેન્ક ખાતાંમાં ટ્રાન્સફર કરાયાં હતાં, જે બાદમાં ઉપાડી લેવામાં આવ્યાં હતાં. આરોપીઓએ પર્યટન વિભાગ પાસે ઉપલબ્ધ ચેક નંબરો સાથેના નકલી ચેક બનાવ્યા હતા. નકલી સ્ટેમ્પ અને બનાવટી હસ્તાક્ષરનો ઉપયોગ કરાયો હતો.
નાણાં ચાર જણનાં ખાતાંમાં ગયાં છે, જે અંગે વધુ તપાસ કરવામાં આવી રહી છે. અમે ભારતીય દંડસંહિતાની સંબંધિત કલમો હેઠળગુનો દાખલ કર્યો છે. બેન્ક અથવા પર્યટન વિભાગના કોઇ આંતરિક કર્મચારીની સંડોવણી છે કે કેમ તેની તપાસ કરાઇ રહી છે, એમ પોલીસે કહ્યું હતું.