હવે નહીં ચાલે શાળાઓમાં લાલિયાવાડી, વ્યસની શિક્ષકો સામે કડક કાર્યવાહીનો સરકારનો હુકમ
ગુજરાતમાં પાન મસાલા અને ગુટખા સેવન કરતા શિક્ષકો સામે શિક્ષણ વિભાગે લાલ આઁખ કરી છે. સ્કૂલમાં જ પાન-મસાલા ખાવાની આદત હોય તેવા શિક્ષકોએ હવે સુધરી જવું પડશે. સ્કૂલમાં પાન મસાલા ખાતા શિક્ષકો સામે પગલાં લેવા આદેશ આપી દેવામાં આવ્યાં છે. શિક્ષણમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ અંગે કડક સુચના આપી છે.
જેને પગલે શિક્ષણ વિભાગ પણ સફાળું જાગ્યું છે. રાજ્યના શિક્ષણ વિભાગે દરેક જિલ્લા શિક્ષણાધિકારીને સર્ક્યુલર જાહેર કરી આ અંગે કડક કાર્યવાહી કરવાની સુચના આપી દીધી છે. ઉલ્લેખનિય છે કે રાજ્યની શાળાઓમાં ફરજ બજાવતા શિક્ષકો ઘણાં શિક્ષકો સ્કૂલોમાં ક્લાસમાં વિદ્યાર્થીઓની સામે જ પાન-મસાલા અને ગુટખા ખાતા હોય છે અને આવા વ્યસની શિક્ષકો અંગે મુખ્યમંત્રીને ફરિયાદ થઈ હતી.
ગુજરાતના શિક્ષણ વિભાગે તેના પરિપત્રમાં જણાવ્યું છે કે શાળાઓ નજીક જ પાન-મસાલા અને સિગારેટનું વેચાણ થઈ રહ્યું છે અને શિક્ષકો બાળકોની સામે ખુલ્લેઆમ પાન-મસાલા અને સિગારેટનું સેવન કરતા જોવા મળે છે. જે શિક્ષણના મંદિરમાંથી બાળકોએ જીવનના પાઠ શીખવાના છે તેના બદલે પાન-મસાલા અને સિગારેટના સેવનના પાઠ ભણાવી રહ્યા છે. શિક્ષણ જગત માટે આ શરમજનક બાબત છે. જેના પર કાયદા મુજબ પ્રતિબંધ લગાવવાના આદેશ આપવામાં આવ્યા છે.
ગુજરાતની શાળાઓમાં શિક્ષકો દ્વારા પાન મસાલાના સેવન અંગે થોડા સમય પહેલા મુખ્યમંત્રીને ફરિયાદ મળી હતી. જે અંગે અગાઉ મુખ્યમંત્રી કાર્યાલય તરફથી આદેશ આપવામાં આવ્યો હતો કે શિક્ષણની જગ્યાએ કોઈપણ પ્રકારનું વ્યસન ન હોવું જોઈએ. જો કોઈ શિક્ષક શાળામાં વ્યસન કરે તો કાર્યવાહી કરવી જોઈએ.
ગુજરાત રાજ્ય સ્કૂલ સંચાલક મહામંડળના પ્રમુખ ભાસ્કર પટેલે જણાવ્યું હતું કે, અમે તમામ સ્કૂલોને પત્ર લખીને સરકારના પરિપત્રનું પાલન કરવા જણાવ્યું છે. શાળામાં જો કોઈ શિક્ષક, પ્રોફેસર કે ક્લાર્ક સહિત કોઈપણ કર્મચારી પાન-મસાલા કે સિગારેટનું સેવન કરે તો તેને આર્થિક શિક્ષા કરવા અથવા તેની રેકર્ડ બુકમાં નોટિસ દાખલ કરવાના આદેશ આપવામાં આવ્યા છે. બાળકો શાળાના શિક્ષકોને જોઈને શીખે છે. આવી સ્થિતિમાં દેશના ભવિષ્ય માટે યોગ્ય માર્ગદર્શન આપવું જરૂરી છે.
ભાસ્કર પટેલે વધુમાં જણાવ્યું હતું કે, સરકાર અને પોલીસે શાળાના 100 મીટરની અંદર પાન-મસાલા કે સિગારેટની દુકાનો ન હોવી જોઈએ તેનું પણ ધ્યાન રાખવું પડશે. આવી કોઈપણ દુકાન અંગે શાળા સંચાલકોએ પોલીસમાં ફરિયાદ કરવી જોઈએ. ઉલ્લેખનિય છે કે સમયાંતરે અનેક NGO અને સંગઠનો દ્વારા આ બાબતે વિરોધ કરવામાં આવે છે, પરંતુ શાળાની નજીક આવેલી આવી દુકાનો સામે કોઈ કાર્યવાહી કરવામાં આવતી નથી. તંત્રએ મૌન ધારણ કરી લીધું છે, ત્યારે હવે જોવાનું એ રહે છે કે શાળાઓમાં શિક્ષકો દ્વારા પાન-મસાલાના સેવન પર શિક્ષણ વિભાગ દ્વારા લાદવામાં આવેલા પ્રતિબંધની કેટલી હદે અસર થશે?