આપણું ગુજરાત

ગુજરાતમાં માછીમારી માટે વપરાતા હાઈસ્પીડ ડીઝલના જથ્થાની મર્યાદામાં વધારો કરાયો

(અમારા પ્રતિનિધિ તરફથી)
અમદાવાદ : માછીમારોને ખર્ચમાં રાહત મળે અને તેમનું આર્થિક ભારણ ઘટે તેવા આશયથી ગુજરાત સરકારે માછીમારો દ્વારા વપરાતાં હાઇસ્પીડ ડીઝલના જથ્થાની મર્યાદામાં વધારો કરવાની જાહેરાત આ ખાતાના પ્રધાન રાઘવજી પટેલે કરી હતી.
સરકારની અખબારી યાદીમાં જણાવાયું હતુ કે ૧ થી ૪૪ હોર્સપાવરની યાંત્રિક હોડીમાં ટ્રીપવાર મળવાપાત્ર મહત્તમ ડીઝલની મર્યાદા વધારીને ૩૦૦ લિટર અને ૪૫ થી ૭૫ હોર્સપાવરની યાંત્રિક હોડીમાં ટ્રી મળવાપાત્ર મહત્તમ ડીઝલની મર્યાદા વધારીને ૬૦૦ લિટર તો ૭૫ થી ૧૦૦ તેમજ ૧૦૧થી વધુ હોર્સપાવરની યાંત્રિક હોડીમાં ટ્રીપવાર મળવાપાત્ર મહત્તમ ડીઝલની મર્યાદા વધારીને ૪૨૦૦ લિટર કરાઈ છે. ગુજરાત ભારતનો સૌથી લાંબો દરિયાકિનારો ધરાવતું રાજ્ય છે, અને એટલે જ ગુજરાતમાં મત્સ્યોદ્યોગ ક્ષેત્રે પણ વિકાસની પુષ્કળ સંભાવનાઓ રહેલી છે. રાજ્યના માછીમારો દરિયો ખેડીને માછીમારીમાં સારું ઉત્પાદન મેળવી શકે તે માટે મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલ તેમજ મત્સ્યોદ્યોગ પ્રધાન રાઘવજી પટેલના માર્ગદર્શન હેઠળ માછીમારોના વ્યાપક હિતમાં આ મહત્ત્વપૂર્ણ નિર્ણય કરવામાં આવ્યો હોવાનું જણાવાયું હતું. યાંત્રિક હોડીમાં (બોટમાં) વપરાતા હાઈસ્પીડ ડીઝલ પર વેટ રાહત આપવાની યોજનામાં હોર્સપાવર દીઠ ટ્રી પવાર મળવાપાત્ર ડિઝલના જથ્થાની મર્યાદામાં વધારો કરવામાં આવ્યો છે. ગુજરાત સરકારના કૃષિ, ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ હેઠળના મત્સ્યોદ્યોગ ખાતા હેઠળ માછીમારીની ૨૦ મીટરથી ઓછી લંબાઈ ધરાવતી યાંત્રિક હોડીમાં (બોટમાં) વપરાતા હાઈસ્પીડ ડીઝલ પર ૧૦૦ ટકા વેટ રાહત આપવાની યોજના અમલમાં છે. આ યોજના અંતર્ગત માછીમારોને હોર્સપાવર દીઠ ટ્રીપવાર ડીઝલના જથ્થા પર વેટ રાહત આપવામાં આવે છે. હોર્સપાવર દીઠ ટ્રીપવાર મળવા પાત્ર ડીઝલના જથ્થાની મર્યાદામાં વધારો કરવા મત્સ્યોદ્યોગ પ્રધાન દ્વારા મંજૂરી આપવામાં આવી છે. હવે રાજ્યના માછીમારોને અગાઉ ૧ થી ૪૪ હોર્સપાવરની યાંત્રિક હોડીમાં ૨૫૦ લીટર ટ્રીપવાર મહત્તમ ડીઝલ અપાતું હતું, જેની મર્યાદા વધારીને ૩૦૦ લીટર કરાઈ છે. તેવી જ રીતે ૪૫ થી ૭૫ હોર્સપાવરની હોડીમાં ૫૦૦ લિટર ડિઝલના જથ્થામાં ૧૦૦ લીટરનો વધારો કરવામાં આવ્યો છે, જેથી ટ્રીપવાર ડીઝલના જથ્થાની મર્યાદા ૬૦૦ લીટર રહેશે. એ જ રીતે ૭૫ થી ૧૦૦ હોર્સપાવર તેમજ ૧૦૧થી વધુ હોર્સ પાવરની હોડીના ડીઝલ જથ્થામાં ૨૦૦ લિટરનો વધારો કરી, ૪,૦૦૦ લીટરની જગ્યાએ નવો ટ્રીપવાર જથ્થો ૪૨૦૦ લીટર જથ્થો અપાશે.
અત્યારના સમયમાં માછીમારોએ માછીમારી માટે દરિયામાં ઘણા ઊંડે સુધી જવું પડતું હોય છે, અને એટલે જ તેમની ટ્રીપના દિવસોમાં પણ વધારો થયો છે. રાજ્યના વિવિધ માછીમારી એસોસિએશન દ્વારા જથ્થામાં વધારો કરવા અંગે મળેલી રજૂઆતોને ધ્યાનમાં લઇને રાજ્ય સરકાર દ્વારા આ હકારાત્મક નિર્ણય કરવામાં આવ્યો હોવાનું મત્સ્યોદ્યોગ પ્રધાને વધુમાં જણાવ્યું હતુ.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button