ઈન્ટરવલ

૨૦૦ વર્ષની તટસ્થતા છોડીને સ્વીડન બન્યું ‘નાટો’નું સભ્ય

પ્રાસંગિક – અમૂલ દવે

રશિયા અને પુતિનનો દાવ ઊલટો પડ્યો. છેલ્લાં બે વર્ષથી ચાલી રહેલા રશિયા અને યુક્રેન વચ્ચેના યુદ્ધએ આખા વિશ્ર્વને પ્રભાવિત કર્યું છે. આ યુદ્ધને લીધે જાન-માલની ખુવારી થઈ છે. એટલું જ નહીં, બન્ને દેશનાં કુદરતી સંસાધનોને ભયંકર નુકસાન થયું છે. તાળી તો બે જ હાથે વાગે…. રશિયાના આજીવન પ્રમુખ બની બેઠેલા વ્લાદીમીર પુતિન યુક્રેનને ‘ટ્રાન્સએટલાન્ટિક મિલિટરી અલાયન્સ’ એટલે કે ‘નોર્થ એટલાન્ટિક ટ્રીટી ઓર્ગેનાઈઝેશન.’
(‘નાટો’)ના સભ્ય બનતાં અટકાવવા યુક્રેન પર હુમલો કર્યો હતો. રશિયા ઈચ્છતું નહોતું કે તેનો પડોશી દેશ યુક્રેન નાટો’નો સભ્ય બને. રશિયાએ આવું જ જ્યોર્જિયા સાથે કર્યું હતું. જ્યોર્જિયા પણ ‘નાટો’ નું સભ્ય બનવા માગતું હતું, પરંતુ રશિયાના શાસક પુતિનના ગળે આ ઉતર્યું નહીં. આથી રશિયાએ ૨૦૦૮માં તેના પર હુમલો કર્યો હતો. ૨૧મી સદીમાં યુરોપનું આ પ્રથમ યુદ્ધ હતું. રશિયાએ જ્યોર્જિયાને ‘નાટો’ ના સભ્ય બનતું રોક્યું. એટલું જ નહીં, એનો અમુક પ્રદેશ પચાવી પાડી પોતાના દેશ સાથે જોડી દીધો. રશિયા યુદ્ધ કરીને જ્યોર્જિયા અને યુક્રેનને તો ‘નાટો’ના સભ્ય બનતા રોકી શક્યું, પરંતુ એના આક્રમણને લીધે યુરોપના બીજા બે દેશો ફિનલેન્ડ અને સ્વીડન ‘નાટો’ માં જોડાયા. ૨૦૦ વર્ષ સુધી તટસ્થ રહેનારા સ્વીડને તાજેતરમાં ‘નાટો’નું નવોદિત સભ્ય બન્યું છે.

સ્વીડનના વડા પ્રધાન ઉલ્ફ ક્રિસ્ટરસને ૭ માર્ચે અમેરિકન સરકારને અંતિમ દસ્તાવેજો આપ્યા. અમેરિકાના વિદેશપ્રધાન એન્ટોની બ્લિનકેને કહ્યું કે જે લોકો પ્રતીક્ષા કરે છે એ લોકો પાસે સારી ભેટ પહોંચે છે. યુક્રેન પર રશિયાએ આક્રમણ કરતાં બધું બદલાઈ ગયું છે. સ્વીડનના લોકોએ ‘નાટો’ માં જોડાવવા અંગેના વલણમાં મોટો ફેરફાર કર્યો. બ્લિકેન કહે છે કે સ્વીડનને એવી અનુભૂતિ થઈ કે જો પુતિન તેના પડોશીને નકશામાંથી નેસ્તનાબૂદ કરવાનો પ્રયાસ કરે તો તે ત્યાં જ નહીં અટકી જાય.

‘નાટો’ ને નવોદિત સભ્યોના આગમનથી ઘણો વ્યૂહાત્મક ફાયદો થશે. સ્વીડન અને ફિનલેન્ડ રશિયા સાથે ૧૩૪૦ કિલોમીટરની સરહદ ધરાવે છે. આ બે દેશના જોડાવાથી ‘નાટો’ વધુ શક્તિશાળી બન્યું છે. એટલું જ નહીં, રશિયા અને તેના સરમુખત્યાર પ્રમુખ પુતિનને જોરદાર લપડાક પડી છે. ‘નાટો’ ના સભ્યો ન વધે એ માટેના પુતિનના ધમપછાડા વિફળ ગયા છે.

આ જોડાણની એક સામાન્ય સંરક્ષણ બાંયધરી છે કે જો કોઈ પણ સભ્યદેશ પર હુમલો થાય તો એને જોડાણ પરનો હુમલો ગણવો. આ ગેરન્ટીનો ફાયદો સ્વીડનને મળશે., વોશિંગ્ટનથી સ્વીડનના નાગરિકોને સંબોધતાં તેના વડા પ્રધાન ઉલ્ફે કહ્યું હતું કે સ્વીડન હવે વધુ સલામત દેશ બન્યો છે. હવે અમારી પાસે સાથીદારો છે. પશ્ર્ચિમ સંરક્ષણ જોડાણનો આપણે વીમો લીધો છે. સ્વીડનવાસી માને છે કે હવે રશિયા તરફનું જોખમ ઘટી ગયું છે.

અમેરિકાના પ્રમુખ જો બાઈડને પણ કહ્યું છે કે સ્વીડનના સમાવેશથી ‘નાટો’ વધુ સંગઠિત, કૃતનિશ્ર્ચયી અને ગતિશીલ બન્યું છે. સ્વીડન અને ફિનલેન્ડના સમાવેશથી બે સક્ષમ લશ્કરનો નાટોમાં વધારો થયો છે.

સ્વીડન પાસે આધુનિક સબમરીન અને સ્વદેશી ફાઈટર જેટ ગ્રિપેન છે અને તે એટલાન્ટિક અને બાલ્ટિક વચ્ચેની મહત્ત્વની કડી છે.

‘નાટો’ના સેક્રેટરી જનરલ જેન્સ સ્ટોલટેનબર્ગે પણ કહ્યું છે કે કે સ્વીડનના જોડાવાથી નાટો વધુ મજબૂત બન્યું છે. આને લીધે સ્વીડન વધુ સલામત અને આખું જોડાણ વધુ સુરક્ષિત બન્યું છે. આનાથી ક્રોધિત થયેલા રશિયાએ સ્વીડનની હિલચાલને ધ્યાનમાં રાખીને રાજકીય અને લશ્કરી પ્રતિપગલાં લેવાની ધમકી આપી છે.

એક રીતે ‘નાટો’માં જોડાવવું એ વીમો ખરીદવા જેવું છે, કારણ કે ‘નાટો’ ને અંતે અમેરિકાનું સંરક્ષણ છે. સ્ટોકહોમ છેલ્લા બે દાયકાથી ‘નાટો’નું સભ્ય બનવા વિચારતું હતું. સ્વીડને ૨૦૦થી વધારે વર્ષ સુધી કોઈ પણ લશ્કરી જોડાણમાં જોડાવાનું ટાળ્યું હતું. યુદ્ધના સમયે સ્વીડને હંમેશાં તટસ્થ ભૂમિકા ભજવી છે.. બીજું વિશ્ર્યુદ્ધ સમાપ્ત થયું ત્યારેબાદ સ્વીડને માનવ અધિકારોના પ્રણેતાની છાપ વિકસાવી હતી. ૧૯૯૧માં સોવિયેટ સંઘનું વિભાજન થયું ત્યારથી સ્વીડનની સરકારે સંરક્ષણખર્ચમાં સતત ઘટાડો કર્યો હતો.

૨૦૨૧માં સ્વીડનના સંરક્ષણપ્રધાને ‘નાટો’ ના સભ્યપદને ઠુકરાવી દીધું હતું. જો કે, યુક્રેન અને રશિયાના યુદ્ધ પછી સ્વીડનની સોશિયલ ડેમોક્રેટ સરકારે થોડા મહિના પહેલાં ફિનલેન્ડ સાથે ‘નાટો’ના સભ્યપદ માટે અરજી કરી હતી. સ્ટોકહોમને રશિયા સાથે વધતા ટેન્શનને લીધે ‘નાટો’ના મેમ્બર બનવાનું નક્કી કર્યું હતું.

આમ તો ફિનલેન્ડ ગયા વર્ષે જ ‘નાટો’માં જોડાઈ ગયું હતું, પરંતુ બે દેશોએ સ્વીડનના પ્રવેશનોે વિરોધ કર્યો હતો. આથી સ્વીડનને ‘નાટો’ ના સભ્ય બનવા રાહ જોવી પડી હતી. રશિયા સાથે સુમેળભર્યા સંબંધો ધરાવતાં હોવાથી તુર્કી અને હંગેરીએ સ્વીડનના માર્ગમાં અવરોધ ઊભા કર્યા હતા.

તુર્કીએ જાન્યુઆરીમાં સ્વીડનની અરજીને બહાલી આપી હતી, જ્યારે હંગેરીએ સ્વીડનના વડા પ્રધાને ફેબ્રુઆરીમાં સદભાવના મુલાકાત લીધી ત્યાર બાદ જ સ્વિડનને બહાલી આપી. બન્ને દેશોએ ફાઈટર જેટની ડીલ કરી હતી. તુર્કીએ બહાલી ન આપવા માટે એવું કારણ આપ્યું હતું કે સ્વીડન કુર્દીશ બળવાખોરોને ટેકો આપે છે. હંગેરીના વડા પ્રધાને સ્વીડન તેની તરફ હિંસક હોવાનો આક્ષેપ કર્યો હતો. નાટોના સભ્ય બનવા દરેક સભ્યની મંજૂરી આપે એ ફરજિયાત છે.

નાટોની રચના ને એની તાકાત

રશિયાના યુક્રેન પરના આક્રમણ પછી ‘નાટો’ પૂર્વ યુરોપમાં તેનું સંરક્ષણ મજબૂત કરી રહ્યું છે. ‘નાટો’ની સ્થાપના ૧૨ દેશ દ્વારા ૧૯૪૮માં થઈ હતી. સંસ્થાપક દેશોમાં અમેરિકા, યુનાઈટેડ કિંગડમ, કેનેડા અને ફ્રાન્સનો સમાવેશ થાય છે. એનો ત્યારનો હેતુ રશિયા સહિતનાં સામ્યવાદી રાજ્યોના બનેલા સોવિયેત યુનિયનના વિસ્તરણને અટકાવવાનો હતો. સભ્યોએ એવી સંમતિ સાધી હતી કે જો કોઈ પણ એક દેશ પર હુમલો થાય તો બીજા દેશોએ એ દેશને સંરક્ષણમાં મદદ કરવી. ‘નાટો’નું પોતાનું લશ્કર નથી, પરંતુ કટોકટીને પારખીને ‘નાટો’ સહિયારી લશ્કરી કાર્યવાહી કરી શકે. ‘નાટો’ના બધા સભ્ય દેશ લશ્કરી યોજનામાં સંકલન કરે છે અને સંયુકત લશ્કરી કવાયત પણ કરે છે.

‘નાટો’ યુરોપ અને ઉત્તર અમેરિકામાં ૩૨ સભ્ય ધરાવે છે. આમાં અમેરિકા, ઈંગ્લેન્ડ, કેનેડા, ફ્રાન્સ, જર્મની, ઈટલી, સ્પેન અને તુર્કીનો સમાવેશ થાય છે. ૧૯૯૧માં સોવિયેત સંઘ વિખેરાઈ ગયો ત્યાર બાદ પૂર્વ યુરોપના અનેક દેશ,જેમકે અલ્બાનિયા, બલ્ગેરિયા, હંગેરી, પોલેન્ડ, ઝેક પ્રજાસત્તાક, સ્લોવાકિયા, રૂમાનિયા, લિથુઆનિયા, લાટવિયા અને ઈસ્ટોનિયા પણ ‘નાટો’ માં જોડાયા. ફિનલેન્ડ અને સ્વીડન બાદ હવે યુક્રેન, બોસનિયા અને હર્ઝે ગોવિના અને જ્યોર્જિયા ‘નાટો’ માં જોડાવવા ઉત્સુક છે.

‘નાટો’ના સેક્રેટરી જનરલ જેન્સ સ્ટોલેનબર્ગે કહ્યું છે કે યુક્રેન ‘નાટો’ નું સભ્ય બને એ અનિવાર્ય છે, પરંતુ આ માટે રશિયા સાથેનું યુદ્ધ સમાપ્ત થાય ત્યાં સુધી રાહ જોવી પડશે. રશિયાએ યુક્રેન ‘નાટો’ માં જોડાય એનો વિરોધ કર્યો છે. રશિયા માને છે કે આમ થાય તો ‘નાટો’નાં દળ તેના ક્ષેત્રની ખુબ સમીપ આવી જશે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button