સ્મોલ કૅપ બિગ ઇશ્યૂ
શું ખરેખર સ્મોલ કૅપ શેરોનો પરપોટો ફૂટી જશે?
કવર સ્ટોરી – નિલેશ વાઘેલા
આજકાલ પ્રાઇમરી માર્કેટમાં એટલા બધા પ્રારંભિક જાહેર ભરણાં આવી રહ્યાં છે કે આ લેખના શીર્ષકમાં ગોઠવાયેલા ‘ઇશ્યૂ’ શબ્દને કારણે ગેરસમજ થઇ જાય એવો માહોલ છે. સ્પષ્ટતા એટલી જ કે આપણે અહીં આજકાલ હોટ ટોપિક બની ગયેલા સ્મોલ કેપ શેરોેના મુદ્દા પર વાત કરવી છે.
નાના શેરોમાં વધુ પડતી તેજીને કારણે તેના વેલ્યુએશન અવાસ્તવિક સ્તરે પહોંચ્યા હોવાથી માર્કેટ એનાલિસ્ટ્સ વર્ગે અનેક ચેતવણીઓ આપી હતી. જોકે રોકાણકારોને તેનાથી કોઇ ફરક પડ્યો નહોતો, પરંતુ જેવું કેપિટલ માર્કેટની નિયામક ધી સિક્યુરિટી એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઇન્ડિયા (સેબી)એ સ્મોલકેપ ફંડ અંગે મ્યુચ્યુઅલ ફંડોને નિર્દેશ આપવાનું ચાલુ કર્યું કે તરત રોકાણકારોના મનમાં ફડક પેસી ગઇ છે.
હવે શું ખરેખર સ્મોલ કેપ શેરોનો પરપોટો ફૂટી જશે? આ સવાલ એટલે માટે ઊભો થયો છે કે, ઉપલબ્ધ ડેટા અનુસાર ફેબ્રુઆરીમાં મોટા પાયે રિડેમ્પશન વચ્ચે સ્મોલ-કેપ મ્યુચ્યુઅલ ફંડ સ્કીમ્સમાં રોકાણનો પ્રવાહ ૧૦ ટકા ઘટીને રૂ. ૨,૯૨૨ કરોડ નોંધાયો હતો, જે જાન્યુઆરીમાં રૂ. ૩,૨૫૭ કરોડના સ્તરે હતો. અલબત્ત, મિડ-કેપ સ્કીમ્સમાં પણ નાણાપ્રવાહ ૧૨ ટકા ઘટીને રૂ. ૧,૮૦૮ કરોડ થયો છે.
સેબીએ સ્મોલ અને મિડકેપ શેરોમાં ઉછાળાની વચ્ચે સ્મોલ અને મિડકેપ ફંડ્સમાં રોકાણ કરનારા મ્યુચ્યુઅલ ફંડ હાઉસિસને રોકાણકારોના હિતની રક્ષા કરવા માટે એક માળખું તૈયાર કરવા જણાવ્યું હતું.
પાછલાં કેટલાક ક્વાર્ટરમાં મ્યુચ્યુઅલ ફંડની સ્મોલ અને મિડ-કેપ સ્કીમ્સમાં ભારે પ્રવાહની પૃષ્ઠભૂમિમાં આ પગલું લેવામાં આવ્યું છે. ૨૦૨૩માં એકંદરે, મિડ-કેપ મ્યુચ્યુઅલ ફંડ સ્કીમોએ લગભગ રૂ. ૨૩,૦૦૦ કરોડ આકર્ષ્યા હતા.
જ્યારે સ્મોલ-કેપ સ્કીમ્સમાં રૂ. ૪૧,૦૦૦ કરોડથી વધુ રોકાણ નોંધાયું હતું. જ્યારે ૨૦૨૨માં, મિડ-કેપ ફંડ્સમાં રૂ. ૨૦,૫૫૦ કરોડ અને સ્મોલ-કેપ ફંડ્સમાં રૂ. ૧૯,૭૯૫ કરોડનો આંતરપ્રવાહ જોવા મળ્યો હતો.
મ્યુચ્યુઅલ ફંડ્સના સંગઠને જાહેર કરેલા ડેટા અનુસાર જાન્યુઆરીમાં નોંધાયેલા રૂ. ૩,૭૭૭ કરોડના આંતરપ્રવાહની સામે ગયા મહિને સ્મોલ-કેપ સ્કીમ્સમાંથી રિડેમ્પશન પાંચ ટકા વધીને રૂ. ૩,૯૭૫ કરોડના સ્તરે પહોંચ્યું હતું.
એ જ સાથે, મિડકેપ સ્કીમ્સમાં પણ રોકાણપ્રવાહ ૧૨ ટકા ઘટીને રૂ. ૧,૮૦૮ કરોડ (રૂ. ૨,૦૬૧ કરોડ) થયો હતો. ન્યુ ફંડ ઑફર્સના ધસારાને પગલે એકંદરે ઇક્વિટી પ્રવાહ વધીને રૂ. ૨૬,૮૬૬ કરોડ (રૂ. ૨૧,૭૮૧ કરોડ) થયો હતો. ન્યુ ફંડ ઑફર્સ અંતર્ગત રૂ. ૧૧,૭૨૦ કરોડ (રૂ. ૬,૮૧૭ કરોડ) એકત્રિત થયા હતા.
અલબત્ત આપણે જાણીએ છે કે નિયમનકાર અને ઉદ્યોગનો હેતુ સ્મોલ-કેપ ફંડ્સમાં નાણાપ્રવાહને રોકવાનો નથી, પરંતુ પારદર્શિતા વધારવાનો છે, જેથી રોકાણકારો આ ફંડ્સમાં રોકાણ કરતી વખતે સભાનતાપૂર્વક નિર્ણયો લઈ શકે. જોકે બજારે સેબીના આદેશનું એવું અર્થઘટન કર્યું છે કે બજાર નિયામક રોકાણ પ્રવાહ ભલે રોકવા નથી માગતું પરંતુ અવરોધવા તો જરૂર માગે છે.
એ જ સાથે એ પણ સમજવું આવશ્યક છે કે આ નિર્ણય બજાર કે રોકાણકારોની વિરૂદ્ધ નથી પરંતુ સમયસરનો અને સાચો નિર્ણય છે. નાના શેરોના મૂલ્યાંકન ચિંતાજનક સ્તરે વધી ગયા છે. મિડ અને સ્મોલકેપ ફંડ્સની આસપાસ લેવામાં આવેલા તાજેતરના પગલાં એ ચાલુ પ્રક્રિયા છે અને જોખમ વ્યવસ્થાપન માળખાનો એક ભાગ છે, જે પ્રવાહિતા, અસ્થિરતા અને પારદર્શિતાને ધ્યાનમાં લે છે. અંતિમ ઉદ્દેશ રોકાણકારોના હિતોનું રક્ષણ કરવાનો છે.
સેબીના ઉપરોક્ત નિર્ણયની જાહેરાત બાદ થયેલા ફેરફારમાં એક રસપ્રદ તારણ એ જોવા મળ્યું કે લાર્જ અને મિડ-કેપ સ્કીમ્સમાં રોકાણ વધીને રૂ. ૩,૧૫૭ કરોડ (રૂ. ૨,૩૩૦ કરોડ) થયું હતું.
સાથે એ પણ નોંધવું રહ્યું કે, ડેટ ફંડ્સમાં રોકાણ ઘટીને રૂ. ૬૩,૮૦૯ કરોડ (રૂ. ૭૬,૪૬૯ કરોડ) થયું હતું. મ્યુચ્યુઅલ ફંડની કુલ એયુએમ જાન્યુઆરીમાં રૂ. ૫૨.૭૪ લાખ કરોડની સરખામણીએ ગયા મહિને ત્રણ ટકા વધીને રૂ.૫૪.૫૪ લાખ કરોડ હતી.
જોકે એક વર્ગ એવું પણ કહે છે કે, સ્મોલકેપ, મિડ કેપ ફંડ્સમાં રિડેમ્પશનના કોઈ ભયજનક સંકેત નથી. માર્કેટ રેગ્યુલેટર સેબીની સ્મોલકેપ અને મિડકેપ ફંડ્સમાં વધારાના પ્રવાહની ચિંતા વચ્ચે, કેટલાક ઉદ્યોગ નિષ્ણાતોએ જણાવ્યું હતું કે તેમને હાલના તબક્કે રિડેમ્પશનના કોઈ ભયજનક સંકેતો દેખાતા નથી. ચિંતા હોવા છતાં, રોકાણકારો ઉચ્ચ વળતરની તેમની સંભાવનાને કારણે આ ફંડ્સને અનુસરવાનું ચાલુ રાખવાની ધારણા છે.
સામાન્ય રીતે, ઊંચા આર્થિક વિકાસદર અને નીચા વ્યાજ દરના વાતાવરણમાં, મિડકેપ્સ અને સ્મોલકેપ્સ મ્યુચ્યુઅલ ફંડ્સમાં આંતરપ્રવાહ ઊંચો રહે છે અને તે સારી કામગીરી પણ કરે છે.
૨૦૨૪ એ ચૂંટણીનું વર્ષ છે અને બજારો લાર્જકેપ પર દાવ લગાવી રહ્યા છે, માર્કેટ એનાલિસ્ટ જણાવે છે કે, ટૂંકા ગાળામાં સ્મોલ અને મિડકેપ સેગમેન્ટમાં કોન્સોલિડેશન થશે પરંતુ રોકાણકારો રિડમ્પશન માટે દોડી જાય એવી સંભાવના ઓછી છે.
એ નોંધવું રહ્યું કે, કેલેન્ડર વર્ષ ૨૦૨૨ સુધીના પાછલા પાંચ વર્ષોમાં મિડકેપ અને સ્મોલકેપે ૪૨ ટકા અને ૭૧ ટકાનું વળતર આપ્યું છે. ટૂંકમાં રોકાણકારોએ ઊંચા વળતરનો સ્વાદ ચાખ્યો છે, એટલે તેઓ ઊંચા વળતરની તેમની સંભવિતતા માટે આ ભંડોળનો કેડો પકડી રાખશે અને જ્યાં સુધી સ્ટોકના ભાવમાં નોંધપાત્ર ઘટાડો ન થાય ત્યાં સુધી તેનો સાથ છોડશે નહીં.
અલબત્ત, જે રોકાણકારોએ સ્મોલકેપ અને મિડકેપ ફંડ્સમાં સંપૂર્ણ રીતે રોકાણ કર્યું છે, તેમણે તેમની ઇક્વિટી ફાળવણીને લાર્જકેપ ફંડ્સમાં સ્થાનાંતરિત કરવાનું શરૂ કરવું જોઈએ અને ઈક્વિટીમાં રોકાણ કરવાનું ચાલુ રાખવું જોઈએ
વધુમાં, સ્મોલ અને મિડ-કેપ ફંડ્સમાં રોકાણ કરવા માગતા રોકાણકારોએ વાસ્તવિક વળતરની અપેક્ષાઓ સાથે આવવું જોઈએ. તાજેતરના પાછલા વળતરની ગતિ ચાલુ રહેવાની અપેક્ષા ના રાખવી જોઈએ, તેમ જ વચગાળાની અસ્થિરતાનો સામનો કરવા માટે તૈયાર રહેવું જોઈએ. આદર્શ રીતે, રોકાણકારોએ દર વર્ષે એકવાર પોર્ટફોલિયો સમીક્ષા કરવી જોઈએ.
પેની સ્ટોક્સની આડેધડ રિટેલ ખરીદી એક પરપોટાની નિશાની
સ્મોલ-કેપ ફંડ્સમાં પ્રવાહિતાના ધસમસતા પૂરને કારણે મોટા પડકારો ઊભા થયા છે. માંડ ૫૦૦થી ૬૦૦ શેરોના મર્યાદિત રોકાણ કરી શકાય એવા સંજોગોમાં સારી ગુણવત્તાની સ્મોલ-કેપ્સના વેલ્યુએશન હદ બહારની ઊંચી સપાટીએ પહોંચ્યા છે.
નિફ્ટીમાં ૨૬ ટકાના વધારાની સરખામણીમાં પાછલા વર્ષમાં સ્મોલ-કેપ શેરઆંકોએ ૬૦થી ૭૦ ટકા સુધીનું વળતર આપ્યું છે. નિફ્ટી સ્મોલકેપ-૨૫૦ ઇન્ડેક્સ ૨૯ ગણો ઊછળ્યો છે, જે નિફ્ટી સામે જોરદાર પ્રીમિયમ દર્શાવે છે. બજારના નિષ્ણાતો કહે છે કે, પેની સ્ટોક્સની આડેધડ રિટેલ ખરીદી એક પરપોટાની નિશાની છે. સ્મોલ-કેપ ફંડ્સે મ્યુચ્યુઅલ ફંડ્સમાં તાજેતરના નાણાપ્રવાહનો સિંહફાળો મેળવ્યો છે, જેને પરિણામે તેમની વ્યવસ્થાપિત અસ્કયામતોમાં એક વર્ષમાં ૯૦ ટકાનો વધારો થયો છે.