આમચી મુંબઈમહારાષ્ટ્ર

મિલકત વિવાદને લઇ વૃદ્ધ પિતાની હત્યા કરીને મૃતદેહ જંગલમાં ફેંક્યો: પુત્ર સહિત બે પકડાયા

પાલઘર: પાલઘરમાં મિલકત વિવાદને લઇ વૃદ્ધ પિતાની હત્યા કર્યા બાદ મૃતદેહને જંગલમાં ફેંકનારા પુત્ર સહિત બે જણની કાસા પોલીસે ધરપકડ કરી હતી. આરોપીઓની ઓળખ રામદાસ કૃષ્ણા ડોંગરકર અને તેના પિતરાઇ વિલાસ ચિંતુ ડોંગરકર તરીકે થઇ હોઇ તેમણે ગુનો આચરવા વાપરેલું દાતરડું પોલીસે જપ્ત કર્યું હતું.

પાલઘર જિલ્લાના સોમટા ઘાટાળપાડા વિસ્તારમાં રહેતા કૃષ્ણા ડોંગરકરનો હત્યા કરાયેલો મૃતદેહ 9 માર્ચે જંગલમાંથી મળી આવ્યો હતો. તીક્ષ્ણ હથિયારના ઘા ઝીંકી તેની હત્યા કરવામાં આવી હતી. કાસા પોલીસે આ પ્રકરણે હત્યાનો ગુનો દાખલ કરીને આરોપીને પકડવા વિશેષ ટીમ તૈયાર કરી હતી.

દરમિયાન પોલીસ મૃતકના પુત્ર રામદાસ ડોંગરકરની પૂછપરછ કરી રહી હતી ત્યારે તે સતત પીવા માટે પાણી માગી રહ્યો હતો અને તેને પરસેવો પણ થઇ રહ્યો હતો. રામદાસનું નિવેદન પણ વિરોધાભાસી જણાઇ આવ્યું હતું. પોલીસે બાદમાં રામદાસના ઘરની તલાશી લેતાં રૂમમાં ઠેકઠેકાણે લોહીના ડાઘ મળી આવ્યા હતા. પોલીસે ત્યાર બાદ રામદાસની આકરી પૂછપરછ કરતાં તેણે ગુનો કબૂલ્યો હતો, એમ અધિકારીએ કહ્યું હતું.

પોલીસના જણાવ્યા મુજબ મૃતક કૃષ્ણાનો તેના ભાઇ જયરામ અને પુત્ર રામદાસ સાથે મિલકતને લઇ વિવાદ ચાલી રહ્યો હતો. કૃષ્ણા ગામમાં કહેતો ફરતો હતો કે તે મિલકત કોઇને નહીં આપશે. આથી પોતાને મિલકત નહીં મળે એવું રામદાસ અને તેના પિતરાઇ વિલાસને લાગતું હતું અને આ વાતને લઇ તેમના મનમાં ગુસ્સો હતો. આથી બંનેએ મળીને કૃષ્ણા પર દાતરડાના ઘા ઝીંકી તેની હત્યા કરી હતી અને બાદમાં પુરાવા નષ્ટ કરવા માટે તેનો મૃતદેહ જંગલમાં ફેંકી દીધો હતો, એમ અધિકારીએ જણાવ્યું હતું.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button