સ્પોર્ટસ

મુંબઈએ 42મા ટાઇટલની તલાશમાં વિદર્ભને કાબૂ બહારનો લક્ષ્યાંક આપ્યો

શ્રેયસ સદી ચૂક્યો, પણ મુશીરની સેન્ચુરી સાથે બે મોટી ભાગીદારી: રહાણેના ઉપયોગી 73 રન: વિદર્ભને મળ્યો 538 રનનો અશક્ય ટાર્ગેટ

મુંબઈ: વાનખેડે સ્ટેડિયમમાં ચાલી રહેલી પાંચ દિવસની રણજી ટ્રોફી ફાઇનલ (સવારે 9.30 વાગ્યાથી)માં મંગળવારના ત્રીજા દિવસે મુંબઈનો બીજો દાવ 418 રને પૂરો થયો હતો અને વિદર્ભને જીતવા માટે 538 રનનો તોતિંગ લક્ષ્યાંક મળ્યો હતો. મુંબઈ 90 વર્ષના રણજી ટ્રોફીના ઇતિહાસમાં કુલ 41 વાર ચૅમ્પિયન બની ચૂક્યું છે અને હવે 42મું ટાઇટલ એના હાથવેંતમાં જ છે.

વિદર્ભની ટીમને પ્રથમ દાવમાં માત્ર 105 રનમાં ઑલઆઉટ કરવાની સાથે અજિંક્ય રહાણેની ટીમે વિજયના માર્ગે પૂરપાટ આગળ વધવાનું શરૂ કરી દીધું હતું. વિદર્ભનો એ ધબડકો ધવલ કુલકર્ણી, શમ્સ મુલાણી અને તનુષ કોટિયનની ત્રણ-ત્રણ વિકેટને કારણે શક્ય બન્યો હતો. મુંબઈને 119 રનની સરસાઈ મળી હતી અને પછી બીજી ઇનિંગ્સમાં 418 રન બનાવીને મુંબઈના કુલ રનનો સરવાળો 537 રન થયો જે વિદર્ભની ટીમ માટે અત્યંત મોટો પડકાર છે. વિદર્ભ બે વાર વિજેતા બની ચૂક્યું છે, પણ હવે ત્રીજું ટાઇટલ જીતવાનું એનું સપનું લગભગ ચકનાચૂર થઈ ગયું કહેવાય.

મુંબઈને બીજા દાવમાં 418 રનનો સ્કોર અપાવવામાં મુશીર ખાન (136 રન, 326 બૉલ, 472 મિનિટ, દસ ફોર)નું સૌથી મોટું યોગદાન છે. તેની અને કૅપ્ટન અજિંક્ય રહાણે (73 રન, 143 બૉલ, 221 મિનિટ, એક સિક્સર, પાંચ ફોર) વચ્ચે ત્રીજી વિકેટ માટે 130 રનની ભાગીદારી થઈ હતી. મુશીરે ત્યાર બાદ ચોથી વિકેટ માટે કમબૅકમૅન શ્રેયસ ઐયર (95 રન, 111 બૉલ, 190 મિનિટ, ત્રણ સિક્સર, દસ ફોર) સાથે 168 રનની પાર્ટનરશિપ કરી હતી.

શ્રેયસ માત્ર પાંચ રન માટે 14મી સેન્ચુરી ચૂકી ગયો હતો, પણ મુંબઈને જિતાડવા માટે તેણે સાથીઓ સાથે મળીને માર્ગ બિલકુલ મોકળો કરી આપ્યો હતો. રહી-રહીને લેફ્ટ-આર્મ સ્પિનર શમ્સ મુલાણી (50 અણનમ, 85 બૉલ, 119 મિનિટ, છ ફોર) પણ વિદર્ભની ટીમને નડી ગયો હતો. તે સાતમા ક્રમે બૅટિંગ કરવા આવ્યો હતો અને નાની-નાની ભાગીદારીઓ કર્યા પછી છેક સુધી આઉટ નહોતો થયો.

પહેલા દાવના હીરો શાર્દુલ ઠાકુરે ત્યારે 75 રન બનાવ્યા પછી મંગળવારે બીજી ઇનિંગ્સમાં પોતાના પહેલા જ બૉલમાં વિકેટ ગુમાવી બેઠો હતો. મુંબઈની કુલ પાંચ વિકેટ લેનાર હર્ષ દુબેએ શાર્દુલને ક્લીન બોલ્ડ કર્યો હતો. વિદર્ભ વતી કુલ આઠ બોલરે બોલિંગ કરી હતી જેમાં બીજા નંબરનો સૌથી સફળ બોલર યશ ઠાકુર હતો જેણે ત્રણ વિકેટ લીધી હતી.

અક્ષય વાડકરના સુકાનમાં વિદર્ભની ટીમે રમતના અંત સુધીમાં વિના વિકેટે 10 રન બનાવ્યા હતા. એને જીતવા હજી 528 રનની જરૂર છે, જ્યારે મુંબઈએ 10 વિકેટ લેવાની બાકી છે. અથર્વ ટૈડ ત્રણ રને અને ધ્રુવ શોરે સાત રને રમી રહ્યો હતો.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button