તરોતાઝા

યોગ મટાડે મનના રોગ: અધ્યાત્મપથની પ્રધાનસાધનપદ્ધતિઓ અર્થાત્‌‍ યોગમાર્ગો

કવર સ્ટોરી – ભાણદેવ

(ગતાંકથી ચાલુ)

  1. વિભિન્ન યોગપથ:
    પરમ ચૈતન્યનું સ્વરૂપ અનંત છે. તેનાં અનેક પાસાં છે. અધ્યાત્મપથના પથિકના વ્યક્તિત્વને પણ અનેક પાસાં છે. આમ હોવાથી અનંતને પામવાના અનંત પથ છે. આપણે યોગની વ્યાપકતમ વ્યાખ્યા સ્વીકારી છે, તેથી બધી સાધનપદ્ધતિઓનો આપણે યોગમાં સમાવેશ કરીએ છીએ.
    અહીં આપણે અધ્યાત્મપથની પ્રધાન સાધનપદ્ધતિઓ અર્થાત્‌‍ યોગમાર્ગોનો સંક્ષિપ્ત પરિચય મેળવીએ:

(1) જ્ઞાનયોગ
બ્રહ્મ જ એકમાત્ર ત્રિકાલાબાધિત સત્ય છે. જગત માયાને લીધે પ્રતીત થાય છે. બ્રહ્મસાક્ષાત્કાર જીવનનું ધ્યેય છે. પ્રતીત થતા જગતનો `નેતિ નેતિ’ની પદ્ધતિથી ઈનકાર કરતાં – કરતાં આખરે સાધક પોતાને અદ્વિતીય બ્રહ્મસ્વરૂપે અનુભવે છે.
આત્માકાર-વૃત્તિનો અભ્યાસ અને અનાત્માકાર-વૃત્તિનો ત્યાગ જ્ઞાનયોગની કેન્દ્રસ્થ સાધનપદ્ધતિ છે. વિવેક, વૈરાગ્ય, મુમુક્ષુત્વ અને ષટ્સંપત્તિ – આ સાધન – ચતુષ્ટય-સંપન્ન સાધક શ્રવણ, મનન અને નિદિધ્યાસનના માર્ગે બ્રહ્માકાર (આત્માકાર) – વૃત્તિનો અભ્યાસ કરે છે અને અંતે બ્રહ્મનિષ્ઠ બને છે.
જ્ઞાનયોગ પ્રમાણે કૈવલ્યમુક્તિ જ પરમ પુરુષાર્થ છે અને તે વિશુદ્ધ જ્ઞાનથી જ મળે છે.
વિશુદ્ધ બુદ્ધિ જ્ઞાનયોગમાં પ્રધાન કરણ છે.

(2) ભક્તિયોગ
ભક્તિયોગના દર્શન પ્રમાણે પરમાત્મા માત્ર નિર્ગુણ-નિરાકાર જ નથી, પરંતુ સગુણ-સાકાર પણ છે અને પરમાત્માનું સગુણ-સાકાર રૂપ તેના નિર્ગુણ-નિરાકાર પાસા કરતાં ઊતરતું નથી.
આ સગુણ-સાકાર સ્વરૂપને પોતાનું નિ:શેષ સમર્પણ કરવામાં ભક્ત જીવનની કૃતાર્થતા અનુભવે છે.
ભક્તિયોગનાં અનેક સ્વરૂપો છે, પરંતુ બધાં સ્વરૂપોમાં પ્રેમને અંતિમ પુરુષાર્થ માનવામાં આવે છે. ભક્ત ભગવત્પ્રેમને, ભગવત્સમપર્ણભાવને અને ભગવત્લીલામાં પ્રવેશને જીવનનું લક્ષ્ય ગણે છે. ભક્તિયોગમાં `ભાવ’ પ્રધાન કરણ છે.

(3) કર્મયોગ
પોતાના વ્યક્તિગત સંકલ્પને ભાગવત સંકલ્પમાં વિલીન કરી દેવો અને એ રીતે ભાગવત ચેતના સાથે તદાકાર થવું તે કર્મયોગનું લક્ષ્ય છે.
શ્રૌત, સ્માર્ત અને પૌરાણિક કર્મોનું નિષ્કામભાવે અનુષ્ઠાન કર્મયોગની પ્રારંભિક અવસ્થા છે. સહજપ્રાપ્ત કર્મો સમર્પણભાવે કરવાં તે કર્મયોગની દ્વિતીય અવસ્થા છે, ભાગવત ચેતનામાં જીવતાં – જીવતાં ભગવત્કાર્યો કરવાં તે કર્મયોગની અંતિમ અવસ્થા છે.
કર્મો અને કર્મના પાયામાં રહેલ સંકલ્પ તે કર્મયોગનું કરણ છે અને વ્યક્તિગત ચેતના ભાગવત ચેતનામાં તદાકાર થાય તે કર્મયોગનું લક્ષ્ય છે.

(4) મંત્રયોગ
મંત્રના જપ દ્વારા ઈષ્ટપ્રાપ્તિનો આ માર્ગ છે. પ્રણવ, ગાયત્રી, નવાર્ણવ, મહામૃત્યુંજય આદિ અનેક સિદ્ધ-મંત્રો છે. આ મંત્રોના વિધિવત્‌‍ અનુષ્ઠાન દ્વારા સાધક મંત્રના અધિષ્ઠાતા દેવનો સંપર્ક સાધે છે.
મંત્રની એક શક્તિ હોય છે અને તેના જપ દ્વારા સાધક આંતરજગતમાં પ્રવેશ કરે છે. મંત્રયોગમાં મંત્રની શક્તિ અને ઈષ્ટદેવની કૃપામાં શ્રદ્ધા સહાયક જ નહીં, પરંતુ અનિવાર્ય છે. મંત્રયોગની અમુક પરંપરામાં અજપાજપને સર્વોપરી મહત્ત્વ આપવામાં આવે છે. એમના મતે શ્વાસોચ્છ્વાસ સાથે ર્વૈ લ:નો સતત જપ થાય છે. આ જપ `લળજ્ઞજર્વૈ’ રૂપે પરિવર્તિત થઈને સુષુમ્ણામાં પ્રવેશે ત્યારે અજપાજપ સિદ્ધ થાય છે અને આ યથાર્થ મંત્રયોગ છે. આ અવસ્થામાં મંત્રજપ કંઠમાંથી નહીં પરંતુ નાભિમાંથી થાય છે. જપ કરવો પડતો નથી, પરંતુ જપ આપમેળે થાય છે.

(5) લયયોગ:
નાદાનુસંધાન દ્વારા વૃત્તિઓનો લય સાધીને સમાધિ – અવસ્થા પ્રાપ્ત કરવાનો આ માર્ગ છે.
વિશ્વ નાદમાંથી ઉત્પન્ન થયું છે, એવી લયયોગીઓની શ્રદ્ધા છે.
ઓમકાર આદિ નાદની પદ્ધતિસરની સાધના તે લયયોગની પ્રથામાવસ્થા છે. આંતરિક નાદનું અનુસંધાન લયયોગની વિકસિત અવસ્થા છે. અંતે નાદ – બિંદુ – કલાના માર્ગે કલાના અધિપતિ શિવને પામે છે.
કૃત્રિમ રીતે કર્ણવિવર બંધ કરીને નાદનું શ્રવણ કરવાની વિધિ પણ કોઈક પરંપરામાં છે.

(6) હઠયોગ:
હઠયોગના દર્શન પ્રમાણે માનવશરીર ખૂબ રહસ્યપૂર્ણ છે. શરીર ચૈતન્ય સુધી પહોંચવાનો પુલ બની શકે તેમ છે. હઠયોગી શરીરને ચૈતન્યના ઉદ્ઘાટનનું સાધન ગણે છે.
72,000 નાડીઓ, પાંચ પ્રાણ, પાંચ ઉપપ્રાણ, સપ્તચક્ર, કુંડલિની અને તેનું જાગરણ – આ બધી હઠયોગની મૂૃળભૂત ધારણાઓ છે.
આસન, પ્રાણાયામ અને મુદ્રાઓનો અભ્યાસ હઠયોગથી સાધનપદ્ધતિ છે. આ સાધના દ્વારા સુષુપ્ત કુંડલિનીનું જાગરણ થાય છે. જાગ્રત કુંડલિની સહસ્ત્રારમાં પહોંચતાં સાધકને સમાધિ – અવસ્થાની પ્રાપ્તિ થાય છે.

(7) રાજયોગ:
પતંજલિપ્રણીત `યોગસૂત્ર’ રાજયોગનો પ્રધાન ગ્રંથ છે. ચિત્તવૃત્તિઓનો નિરોધ સાધવા માટે અષ્ટાંગયોગની સાધના રાજયોગની પદ્ધતિ છે. યમ, નિયમ, આસન, પ્રાણાયામ, પ્રત્યાહાર, ધારણા, ધ્યાન અને સમાધિ – આ સાધનક્રમને અષ્ટાંગયોગ કહેવામાં આવે છે અને એ જ રાજયોગ છે.
રાજયોગમાં ચિત્તવૃત્તિઓનો નિરોધ સાધી તેના દ્વારા સાધક સમાધિમાં પહોંચે છે. સમાધિનાં અનેક સ્વરૂપો છે. આ બધાને અંતે યોગી કૈવલ્યાવસ્થામાં પહોંચે છે.
સાધનપદ્ધતિ તરીકે રાજયોગ ખૂબ વ્યવસ્થિત અને શાસ્ત્રીય સાધનપથ છે.
રાજયોગને પોતાનું તત્ત્વદર્શન, મનોવિજ્ઞાન અને વ્યવસ્થિત સાધનપદ્ધતિ – ત્રણેય છે.

(8) પૂર્ણયોગ:
શ્રી અરવિંદ – પ્રણીત પૂૃર્ણયોગમાં માત્ર સાક્ષાત્કારને નહીં, પરંતુ સમગ્ર જીવનના રૂપાંતરને લક્ષ્ય માનવામાં આવે છે.
પૂર્ણયોગનું દર્શન અને સાધનપથ ઘણાં વ્યાપક અને સમન્વયાત્મક છે. શ્રી અરવિંદે સર્વ દર્શનો અને સાધનપથમાં ઉત્તમ તત્ત્વોનો પૂર્ણયોગમાં સ્વીકાર અને સમન્વય કર્યો છે અને છતાં પૂર્ણયોગમાં મૌલિકતા પણ ઘણી છે.
પૂર્ણયોગની સાધનપદ્ધતિ પ્રમાણે સાધક પ્રથમ પોતાના અંતરમાં ઊતરીને પોતાના અંતરાત્મા સાથે ઐકય સિદ્ધ કરે છે. ત્યારબાદ સાધક ચેતનામાં ઊર્ધ્વસ્તરોમાં આરોહણ કરે છે અને પછી ઊર્ધ્વચેતના અતિમનસનું ચેતાના નિમ્નસ્તરોમાં અને અંતે શરીર સુધી અવતરણ થાય છે. એ પદ્ધતિથી સાધકના સમગ્ર જીવનનું – શરીર, પ્રાણ અને મનનું – આમૂલાગ્ર રૂપાંતર સિદ્ધ થાય છે.

સાધક તરફથી અભીપ્સા તથા સમર્પણ અને ભગવાનની કૃપા દ્વારા આ યોગનું લક્ષ્ય સિદ્ધ થઈ શકે છે.
આ બધી સાધનપદ્ધતિઓ વચ્ચે પરસ્પર કોઈ વિરોધ નથી. બે કે તેથી વધુ સાધનપદ્ધતિઓનો સમન્વય શકય છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button