પાકિસ્તાની ઈન્ટેલિજન્સ ઑપરેટિવને સંવેદનશીલ માહિતી પૂરી પાડનારો પકડાયો
મઝગાંવ ડૉકના સ્ટ્રક્ચરલ ફેબ્રિકેટર યુવકને પાકિસ્તાની એજન્ટે હની ટ્રેપમાં સપડાવ્યો
(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: દેશના પ્રતિબંધિત વિસ્તારોની ગુપ્ત અને સંવેદનશીલ માહિતી મેળવવા માટે પાકિસ્તાની ઈન્ટેલિજન્સ ઑપરેટિવ (પીઆઈઓ) દ્વારા મઝગાંવ ડૉકમાં કામ કરતા સ્ટ્રક્ચરલ ફેબ્રિકેટરને હની ટ્રેપમાં સપડાવવામાં આવ્યો હોવાનું સામે આવ્યું હતું. સોશિયલ મીડિયા પરના શંકાસ્પદ ચૅટિંગને આધારે તપાસ કરી એટીએસે યુવકની ધરપકડ કરી હતી.
મહારાષ્ટ્ર એન્ટી ટેરરિઝમ સ્ક્વોડ (એટીએસ)ના નવી મુંબઈ યુનિટે પકડી પાડેલા આરોપીની ઓળખ કલ્પેશ બાઈકર (30) તરીકે થઈ હતી. આ પ્રકરણે કલ્પેશ અને અન્ય શકમંદો વિરુદ્ધ ઑફિશિયલ સિક્રેટ્સ ઍક્ટ હેઠળ ગુનો નોંધવામાં આવ્યો હતો.
તપાસમાં જણાયું હતું કે આરોપી નવેમ્બર, 2021થી મે, 2023 પાકિસ્તાનના ઈન્ટેલિજન્સ ઑપરેટિવના સંપર્કમાં હતો. ફેસબુકના માધ્યમથી તેની ઓળખ પીઆઈઓ સાથે થઈ હતી. પછી બન્ને ફેસબુક અને વ્હૉટ્સઍપ પર ચૅટિંગ કરવા લાગ્યા હતા.
આરોપીને હની ટ્રેપમાં સપડાવવામાં આવ્યો હોવાનું એટીએસની તપાસમાં જણાયું હતું. મહિલાના બોગસ પ્રોફાઈલથી યુવક સાથે ઑનલાઈન મિત્રતા કરવામાં આવી હતી. પછી યુવક મહિલાની સૂચનાને અનુસરવા લાગ્યો હતો. મહિલાએ ભારતના પ્રતિબંધિત વિસ્તારોની ગુપ્ત અને સંવેદનશીલ માહિતી યુવક પાસેથી પ્રાપ્ત કરી હતી.
કલ્પેશના ફેસબુક પ્રોફાઈલ અનુસાર તે મઝગાંવ ડૉક શિપબિલ્ડર્સ લિ.માં ફેબ્રિકેટર તરીકે કામ કરતો હતો. રાયગડ જિલ્લાના અલિબાગમાં રહેતો કલ્પેશ મે, 2014માં કંપનીમાં નોકરીએ જોડાયો હતો. તેણે અલિબાગની એક આઈટીઆઈ કૉલેજમાંથી ફિટરનો કોર્સ કર્યો હતો, એવું તપાસમાં જણાયું હતું.
નોંધનીય છે કે અગાઉ ડિસેમ્બરમાં પણ એટીએસે મઝગાંવ ડૉકમાં કામ કરતા ગૌરવ પાટીલ (28)ની ધરપકડ કરી હતી. પાટીલને પણ હની ટ્રેપમાં સપડાવવામાં આવ્યો હતો. પાકિસ્તાની એજન્ટને સંવેદનશીલ માહિતી પૂરી પાડવાનો તેના પર આરોપ હતો.